
નવી દિલ્હી: દેશના 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો (By polls Result)આજે જાહેર થશે, જાણકરી મુજબ મત ગણતરી શરુ થઇ ગઈ છે. INDIA ગઠબંધન અને ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધન વચ્ચે સીધો મોકબલો છે.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા પેટાચૂંટણી દરમિયાન હિંસાની ઘટના ઘટી હતી. રાયગંજમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
પશ્ચિમ બંગાળમાં વિપક્ષ ભાજપે શાસક તૃણમુલ કોંગ્રેસ(TMC) હિંસા, ધાકધમકી અને બોગસ મતદાનનો આરોપ લગાવતા લગભગ 100 ફરિયાદો નોંધાવી હતી, જેના પગલે ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો.
બિહારમાં, રુપૌલીમાં ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો, જેમાં બે અધિકારીઓ ઘાયલ થયા. ઉત્તરાખંડના મેંગલોરમાં મતદાન દરમિયાન અથડામણ થઈ હતી, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. મેંગલોર કોંગ્રેસના ઉમેદવાર કાઝી નિઝામુદ્દીને આક્ષેપ કર્યો હતો કે મતદાન મથકની નજીક હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જોકે પોલીસે કહ્યું હતું કે આની કોઈ પુષ્ટિ નથી.
પશ્ચિમ બંગાળમાં ચાર, ઉત્તરાખંડમાં બે, પંજાબમાં એક, હિમાચલ પ્રદેશમાં ત્રણ, બિહારની એક, તમિલનાડુની એક અને મધ્ય પ્રદેશની એક વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલાની બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જ્યારે પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પર પણ મતદાન થયું હતું. એ જ રીતે હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ સીટ પર પણ મતદાન થયું હતું. બિહારની રૂપૌલી, તમિલનાડુની વિકરાવંડી અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠક પર મતદાન થયું હતું.