વીક એન્ડ

મિરાડોર સિકાસુમ્બ્રે – ડિઝાઈનર પહાડો વચ્ચે…

અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી

કેનેરી ટાપુઓ સહિત હાલમાં સ્પેનમાં ટૂરિસ્ટ વિરોધી એવા દેખાવો ચાલે છે કે ઘણાં સ્થળોએ તો રેસ્ટોરાં અને ટૂરિસ્ટિક સ્પોટ્સ પર ટૂરિસ્ટને પાણીની પિચકારીઓ મારવામાં આવે છે. પેરિસમાં પણ સ્થાનિકો ટૂરિસ્ટથી કંટાળ્યા હોવાની વાતો આવ્યા જ કરે છે. એવામાં ત્યાં તો હજી ઓલિમ્પિકની ભીડ જામવાની છે. આ મોટાભાગના યુરોપિયન દેશો, ખાસ કરીને સ્પેન, ઈટાલી અને ફ્રાન્સમાં ટૂરિઝમ પર ઘણા મોટા હિસ્સાની જનતાનું ઘર ચાલે છે. એવામાં ટૂરિસ્ટને હેરાન- કરવાના દેખાવોથી તો કોઈનું ભલું થવાનું હોય તેવું લાગતું નથી. આ પ્રોબ્લેમો ખાસ લોકો માટે પોસાય તેવા હાઉસિંગની અછતના કારણે થઈ રહ્યા છે. પહેલાં વાજબી ભાવે ભાડે મળતાં ઘરો હવે મોંઘા ભાવે ટૂરિસ્ટ એરબીએન્ડબી પર ચડી જાય- છે. ઈકોનોમીને લગતા પ્રશ્ર્નોનું નિવારણ સાચા માર્ગે લાવવાને બદલે જે ટૂરિસ્ટ તમારા દેશને બિઝનેસ આપે છે તેમને દોષ- દેવાનું તો ખરેખર ગાંડપણ જ કહી શકાય.

જોકે ફુઅર્ટેવેન્ટુરાના સાવ નિર્જન રિજનમાં આવા દેખાવો કરવા માટે સ્થાનિક લોકો પણ કેટલા હશે તે પ્રશ્ર્ન થયા વિના રહે નહીં. અમે હોટલની આસપાસની બે કિલોમીટરની રેડિયસ પાર કરતાં ત્યારે આવતી જતી એકાદ કારને બાદ કરતાં જાણે આખોય વગડો અને પહાડો અમારા જ હોય તેવું લાગવા માંડતું. ત્યાં ચકલી કે બકરી પણ માંડ દેખાતાં. આગલા દિવસની હાઈક પર મળેલી બકરીઓ પણ આજે યાદ કરવી પડતી હતી. તે દિવસે અમે જરા વ્યસ્ત આઈટનરરી લઈને -નીકળેલાં. પહેલાં કોઈ પહાડની ટોચ પર જવાનું હતું, પછી કોઈ ખીણમાં કાળી રેતીના બીચ પર ગુફાઓમાં જવાનું હતું, એટલું પૂરતું ન હોય તેમ એક જમાનાની આ ટાપુની રાજધાની રહી ચૂકેલા ગામ તરફ પણ જવાનું હતું, વચ્ચે એક નાનકડી- ટ્રેક પર હાથીના શેપમાં એક ખડક સુધી હાઈક પણ કરવાની હતી. આ ચાર ડેસ્ટિનેશન વચ્ચે કેટલું ચાલવું પડશે તેનો વિચાર ન આવ્યા કરે એટલે મેં ડ્રાઈવ કરવાનું પસંદ કર્યું. પહેલું સ્ટોપ પજારા ગામ તરફ હતું.

રસ્તામાં એલોવેરા ફાર્મ આવ્યાં અને એકબે ફાર્મ સ્ટેનાં બોર્ડ પણ આવ્યાં. ક્યારેક મિત્રો સાથે આવીને અહીં કોઈ ખેતર વચ્ચે હોલીડે હોમમાં રહીશું અને જલસા કરીશું એવી વાતો પણ થઈ. તેમાંય ખાસ જ્યાં મન પડે ત્યાં સાઈકલ લઈને નીકળી પડો, તાજું સ્થાનિક ભાણું જમો, રાત્રે ટેલિસ્કોપથી સાવ કુદરતી લાઇટમાં આકાશના તારાઓને મિત્રો બનાવો, ફુઅર્ટેવેન્ટુરામાં રહીને ભવિષ્યની ફુઅર્ટેવેન્ટુરાની ટ્રિપ જ પ્લાન થઈ રહી હતી. સાઈકલ ચાલકો અને ટેલિસ્કોપથી તારાઓ જોવાનો શોખ બંને માટે આ ટાપુ આશીર્વાદ જેવો જ સમજો. અહીં જે ક્વોલિટીના સાઇકલ રુટ્સ છે તેવા ભાગ્યે જ કોઈ હોલીડે સ્પોટ પર જોવા મળ્યા છે. અહીં અત્યંત ખતરનાક ઢોળાવો પર પણ પેલેટોન તરીકે સાઈકલોનાં ઝૂમખાં મસ્તીમાં -ચલાવતાં જોવા મળે છે. પજારા ગામની એક્ઝિટ પર અનોખી સાઈન્સ ચાલુ થઈ. અમે મિરાડોર સિકાસુમ્બ્રે તરફ આગળ વધ્યાં. મને આગલા દિવસના અનુભવ પછી તો અપેક્ષા હતી કે આસપાસમાં દેખાતા પહાડોના વ્યુની વચ્ચે વધુ એક પહાડ ચઢવાનો છે. ત્યાં ઉપરથી અનોખો દરિયાનો વ્યુ હશે તે પણ ધારેલું.

એકવાર પાર્કિંગ આવ્યું પછી ત્યાં થોડા માણસો પણ દેખાવા લાગ્યા. મોર્રો જાબલેના બીચ પછી પહેલી વાર પાંચથી વધુ માણસો આસપાસમાં આવેલાં. થોડી કાર વચ્ચે પાર્કિંગ સરળતાથી મળી ગયું. બધી તરફ એકદમ ચકચકાટ રોડ અને રેતાળ, ઓલમોસ્ટ મરુન બ્રાઉન પહાડો હતા. અડધો કલાકનો ઢાળ તો ચઢવો જ પડ્યો. અને જોતજોતામાં અમે એક અન્ડર કંસ્ટ્રક્શન સાઈટ પર પહોંચી ગયાં. અહીં લગાવેલાં મેપ્સ અને પોસ્ટર હવાથી ઊડી ગયાં હતાં. તે લાકડા અને મેટલનાં સ્ટેન્ડ પર કલર કામ ચાલી રહ્યું હતું. પહાડની ટોચ પર એક પથ્થરનું સ્ટ્રક્ચર હતું, ત્યાં પણ આસપાસમાં બાંધકામ ચાલી રહ્યું હતું. અહીં એક સન ડાયલ અને મોટી ઘડિયાળ પણ હોવાં જોઈએ, પણ તેનું કદાચ ઈન્સ્ટોલેશન ચાલતું હશે. -ટોચ પર, દીવાલ પર એક મેટલની બકરી બેઠી હતી. આગલે દિવસે જીવંત બકરીઓએ અમને જરાય ભાવ નહોતો આપ્યો આ બકરી પાસે અમે સંતોષથી ફોટા પાડ્યા. પવન એવો તીવ્ર હતો કે આ બકરીનું સ્ટેચ્યૂ અને અમે લોકો ઊડી.

જઈએ તો પણ કોઈને નવાઈ ન લાગત. અહીં પેનોરમા વ્યુમાં એક તરફ થોડો દરિયાનો વ્યુ હતો, પણ અહીંની હાઈલાઈટ પહાડોનાં લેયર્સ હતાં.

ચારે તરફ પહાડો એવી રીતે ગોઠવાયેલા હતા કે જાણે કોઈએ ડિઝાઈન કરી હોય.

અહીં અમે ધાર્યા કરતાં વધુ સમય વિતાવ્યો. આ જગ્યા પર રાત્રે આવવાનું પણ ઘણું લોકપ્રિય છે. અમારી હોટલથી આ જગ્યા ઘણી દૂર હતી અને અમે અહીં રાત્રે સ્ટાર ગેઝિંગનો કોઈ પ્લાન નહોતો બનાવેલો, પણ અહીં રાત્રે આવીને માત્ર તારાઓ જોવાનું પણ ખરેખર કોઈ અલગ જ દુનિયાનો અનુભવ કરાવતું હશે તે નક્કી હતું. મિરાડોરના આ પહાડોની વધુ મજા એ પણ છે કે અહીં ન સ્નો છે, ન લીલોતરી, ન દરિયાનો ભવ્ય વ્યુ, બસ પહાડો જ આટલું આકર્ષક દૃશ્ય ઊભું કરી શકે તે પણ માનવામાં નહોતું આવતું. અહીં તળેટીમાં કોઈ ગામના અવશેષો દેખાતા હતા. ફુઅર્ટેવેન્ટુરામાં ઘણાં સ્થળોએ ત્યજી દેવાયેલું, ખંડેર બની ગયેલું ગામ જોવા મળી જતું હતું. લોકો એવું શા માટે કરતાં હશે તે જાણવા માટે અહીંની સ્થાનિક લાઈફનું કોઈ પુસ્તક વાંચવું રહ્યું.

આ પહાડ પર થોડી વાર બેસવાનું તો શક્ય છે, બાકી અહીં ન કોઈ છત છે, ન કોઈ બાથરૂમ કે બીજી કોઈ વ્યવસ્થા. અહીં કોઈ કચરો ફેંકવો નહીં અને જો કોઈ પેકેટ ખાલી થાય તો પણ તે કચરો સાથે લઈ જવો એવો આગ્રહ આખા ટાપુ પર હતો. ફુઅર્ટેવેન્ટુરામાં જ્યાં પણ જતાં ત્યાં બીજી દુનિયામાં હોઈએ તેવું લાગતું હતું. એવામાં સિવિલાઈઝેશન જોવા માટે તો હવે ફલાઈટ જ લેવી પડે તેમ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button