શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં લેવામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસે બે આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. લશ્કરના પાંચ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
આતંકવાદીઓના કબજામાંથી બે પિસ્તોલ, ત્રણ હેન્ડ ગ્રેનેડ, એક યુબીજીએલ, બે પિસ્તોલ મેગેઝીન, 12 પિસ્તોલ રાઉન્ડ, 21 એકે 47 રાઉન્ડ મળી આવ્યા છે. આતંકવાદીઓની ઓળખ આદિલ હુસૈન વાની, સુહેલ અહેમદ ડાર, ઈતમાદ અહેમદ લાવે, મેહરાજ અહેમદ અને બશીર અહેમદ તરીકે કરવામાં આવી છે. તમામ આતંકીઓ સામે તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે હાઈબ્રિડ આતંકવાદીઓ સામાન્ય આતંકવાદીઓ કરતા ઘણા અલગ હોય છે. હાઇબ્રિડ આતંકવાદીઓ તમામ આતંકી સંગઠનો પાસેથી પૈસા મેળવવાનું કામ કરે છે. તેઓ ખૂનથી લઈને મોટા ધડાકા કરવા સુધીની દરેક બાબતની જવાબદારી લે છે. હાઇબ્રિડ આતંકવાદીઓ સમાજની વચ્ચે સામાન્ય માણસ બનીને જ રહે છે. તેઓ ખૂબ જ સાદગીથી કોઇને પણ શક ના જાય એવી રીતે આપણી વચ્ચે રહે છે. એક રીતે, તેઓ ભાડૂતી આતંકવાદીઓ છે.