ચોમાસામાં પર્યટન પર જઇ રહ્યા છો? ગુડ..મોજ કરો, પણ મર્યાદામાં રહીને
કવર સ્ટોરી – નિધિ ભટ્ટ
પ્રકૃતિની પરાકાષ્ઠા જેવો આનંદ લેવા માટે ચોમાસા જેવી બીજી કોઈ શ્રેષ્ઠ ઋતુ નથી. ધીરા ધીરા કે પછી ધમધોકાર વર્ષામાં કુદરત એનું સાવ એક આગવું મનમોહક રૂપ-સ્વરૂપ આપણી સામે છતું કરે છે,જેના પ્રેમમાં આપણે બધા પડી જઈએ છીએ અને આવી સૃષ્ટિને નજીકથી જોવાં માટે આપણે અલગારી રખડ્ડપટી પણ કરવી પડે.
મુંબઈ, નવી મુંબઈ, પનવેલ, રાયગઢ જિલ્લામાં અનેક લોકો ચોમાસા દરમિયાન વરસાદનો આનંદ માણવા પર્યટન પર ઉપડે છે. દરિયામાં, નદીમાં કે ધોધમાં સ્નાન કરવાની અથવા ડુંગર, કિલ્લા પર ચઢવાની એટલે કે ટ્રેકિંગની મજા માણે છે, પરંતુ પર્યટનના સ્થળે દુર્ઘટના પણ થતી રહે છે. એમાં ભોગ બનનારાઓની સંખ્યા પણ વધી રહી છે.
મુંબઈ અને તેની આસપાસના સ્થળે ચોમાસાની ચાલુ મોસમ દરમિયાન પર્યટન પર ગયેલા અંદાજે ૧૫ વ્યક્તિ ડૂબી જવાથી મૃત્યુ પામી હતી.
આવે વખતે- ચોમાસા દરમિયાન પર્યટન પર જનારે પોતાની જવાબદારી જાતે જ નક્કી કરવી જોઇએ- મર્યાદા જાળવીને સાવચેતીનાં જરૂરી પગલાં પણ લેવાં જોઇએ.
પર્યટન પર જતી વખતે શું ધ્યાન રાખશો?
- પર્યટનસ્થળ અને તેની આસપાસના વિસ્તારની સંપૂર્ણ માહિતી મેળવો.
- ત્યાં જતાં પહેલાં પરિવાર કે અમુક સ્વજન કે મિત્રોને આગોતરી જાણ કરી રાખજો…
- વરસાદની આ ઋતુમાં ઊંચા ડુંગર પર ટ્રેકિંગ માટે જતાં પહેલાં સ્થાનિક હવામાન, ઊંચાઇ વગેરેની જાણકારી જરૂર મેળવો.
- દુર્ગમ વિસ્તારમાં જતાં પહેલાં દિશાદર્શક કંપાસ સાથે રાખવો.
- પોતાના ખાદ્યપદાર્થો, પીવાનું પાણી અને જીપીએસ યંત્રણા સાથે રાખવા.
- જોખમી સ્થળે સેલ્ફી લેવાનો કે વીડિયો શૂટ કરવાનો મોહ ન રાખવો.
- ઝડપથી વહેતાં પાણીની ઊંડાઇ અને પ્રવાહના જોરનો અંદાજ મેળવ્યા બાદ જ તે પાણીમાં સ્નાન કરવા જાઓ.
- ગઢ કે કિલ્લા પર જતાં પહેલાં સ્થાનિક લોકો પાસે તેની જાણકારી મેળવો અથવા કોઇ ગાઇડ સાથે રાખો.
- લપસણી જગ્યાએ ચાલતા ખાસ ધ્યાન રાખો.
- જો કોઇ દુર્ઘટના થાય તો મોબાઇલ ફોન પર તેના ફોટા પાડવા કે વીડિયો શૂટ બદલે મુશ્કેલીમાં સપડાયેલાની મદદ માટે પહોંચો.
- પર્યટન પર જતાં પહેલાં મોબાઇલ ફોન સરખો ચાર્જ કરીને રાખો કે જેથી મુશ્કેલીના સમયમાં એની બેટરી દગો ન દે અને મોબાઈલનો યથાર્થ ઉપયોગ થઇ શકે.
- સમુદ્રકિનારે જો ફરવા ગયા હો, તો ભરતી – ઓટના સમયની જાણકારી સ્થાનિક લોકો પાસેથી મેળવી લો. અલીબાગ જેવા ઘણાં સ્થળે દરિયાકિનારે ભરતી અને ઓટના સમયની જાણકારી આપતા સૂચન-સૂચનાનાં બોર્ડ હોય છે . સ્થાનિક અખબારમાં તેની જાણકારી પણ આપવામાં આવે છે, તે અવશ્ય વાંચી લેવી.
- વરસાદની મોસમમાં ટ્રેકિંગ પર જતાં હો તો સારા સ્પોર્ટ્સ શૂઝ પહેરવા જરૂરી છે.
- થોડી દવા -મલમ, પાટા સાથેનું ‘ફર્સ્ટ ઍડ બોક્સ’ જરૂર સાથે રાખો.
- અને હાં, વર્ષાની મદમસ્તમાં મોસમમાં નશીલાં પીણાંની લાલચ થઈ આવે તો પ્લીઝ, પ્રવાસ દરમિયાન મદ્યપાન ટાળો -એનાથી દૂર રહો!
- આવું ‘ભીનું ભીનું વેકેશન’ મોજથી માણો..
ઓલ ધ બેસ્ટ !