‘નીટ’ મુદ્દે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
ભારતમાં સરકારી તંત્ર નિંભર છે અને ન્યાયતંત્ર એટલું ધીમું છે કે કોઈ પણ માણસ હાંફી જાય. દેશભરની મેડિકલ કોલેજોમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સિસમાં એડમિશન માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ-યુજી)ના મુદ્દે ચાલી રહેલું ચલકચલાણું તેનો તાજો પુરાવો છે. ૫ મેના રોજ યોજાયેલી આ પરીક્ષામાં ૨૬ લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. આ પરીક્ષાનું પરિણામ ૪ જૂને જાહેર કરાયું ત્યારથી સંખ્યાબંધ વિવાદોમાં સપડાયેલી છે.
ગ્રેસ માર્ક્સ આપીને રીતસરનો દેખીતો ભ્રષ્ટાચાર કરવાથી માંડીને પેપર ફૂટવા સુધીના કાંડ આ પરીક્ષામાં થયા છે. આ પરીક્ષાની કોઈ વિશ્ર્વસનીયતા રહી નથી કે પરીક્ષા લેનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી ( એનટીએ )ની કોઈ વિશ્ર્વસનીયતા રહી નથી છતાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એક જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, પરીક્ષામાં કોઈ મોટા પાયે ગેરરીતિ થઈ જ નથી. કેન્દ્ર સરકારે પહેલાં જ કોર્ટને કહી દીધું છે કે, પોતે NEET ફરીથી યોજવાના પક્ષમાં નથી. કેન્દ્રની મોદી સરકાર ભ્રષ્ટાચાર જરાય નહીં ચલાવી લેવાય એવી મોટી મોટી વાતો કરે છે ને જેમાં ભ્રષ્ટાચાર થયો છે એ પરીક્ષા ફરી લેવા તૈયાર નથી.
કેન્દ્ર સરકારની ફરીથી પરીક્ષા નહીં લેવા માટેની વાહિયાત દલીલ એ જ છે કે, પરીક્ષામાં નાની મોટી ગરબડો થઈ હશે પણ મોટા પાયે ગેરરીતિ થઈ નથી. હવે મોટા પાયે ગેરરીતિની મોદી સરકારની વ્યાખ્યા શું છે એ આપણને ખબર નથી પણ સુપ્રીમ કોર્ટે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે કહેલું કે, પચાસ-સો વિદ્યાર્થીઓને પણ અન્યાય થયો હોય તો એ ના થવા દેવાય આ વાત સો ટકા સાચી હતી પણ સુપ્રીમ કોર્ટના માનનીય જજ સાહેબો પોતે આવું કહેલું એ જ ભૂલી ગયા છે ને સરકારની વાતને વધારે મહત્ત્વ આપ્યા કરે છે. વિદ્યાર્થીઓ શું કહે છે એ સુપ્રીમ કોર્ટ નથી સાંભળતી પણ સુપ્રીમ કોર્ટ સરકારની વાત ધ્યાનથી સાંભળ્યા કરે છે અને રગશિયા ગાડાની જેમ આ પરીક્ષામાં થયેલી ગેરરીતિનો કેસ ચલાવીને તારીખો પર તારીખો આપ્યા કરે છે. નીટ આપનારા લાખો વિદ્યાર્થીઓની નજર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર છે. નીટ-યુજી પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવશે કે નહીં એ સવાલનો જવાબ એ લોકોને જોઈએ છે પણ સુપ્રીમ કોર્ટ ફોડ પાડીને વાત કરતી નથી ને તારીખ પે તારીખ, તારીખ પે તારીખ આપ્યા કરે છે.
છેલ્લા એક મહિનાથી આ ખેલ ચાલે છે ને બુધવારે સુપ્રીમ કોર્ટમાં ફરી તારીખ પડી ગઈ. બુધવારે સુપ્રીમ કોર્ટ પરીક્ષા ફરી યોજવી કે નહીં એ મુદ્દે કોઈ ચુકાદો આપશે ને ૨૬ લાખ વિદ્યાર્થીઓનો છુટકારો કરશે એવી આશા હતી પણ એવું કશું થયું નહીં. નીટ યુજી કેસમાં બુધવારે થનારી સુનાવણી આગામી તારીખ સુધી ટળી ગઈ છે અને હવે આ મામલે ૧૮ જુલાઈએ સુનાવણી થશે. બુધવારે સીબીઆઈએ કોર્ટમાં બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટનો અભ્યાસ કરશે ને પછી કંઈક નિર્ણય લેશે એવી આશા રખાઈ રહી છે.
અલબત્ત સુપ્રીમ કોર્ટ પહેલાં જે કહેતી હતી ને અત્યારે જે કહે છે તેમાં આસમાન જમીનનો ફરક આવી ગયો છે. પહેલાં સુપ્રીમ કોર્ટનું વલણ ફરીથી પરીક્ષા યોજવા તરફી હતું. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સાફ શબ્દોમાં કહેલું કે, પરીક્ષાની પવિત્રતા સામે એક ટકો પણ શંકા થાય. ફરીથી પરીક્ષાનો આદેશ આપવો પડશે. કલંકિત અને નિષ્કલંકને અલગ કરવું શક્ય ન હોય તો ફરીથી પરીક્ષા જ એકમાત્ર વિકલ્પ છે. સુપ્રીમે એમ પણ કહેલું કે, પેપર ઈલેક્ટ્રોનિક માધ્યમથી લીક થાય તો જંગલની આગની જેમ ફેલાઈ શકે છે અને મોટા પાયે લીક થઈ શકે છે.
હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે એ પણ જાણી લઈએ. છેલ્લી સુનાવણીમાં કેન્દ્ર અને એનટીએને પેપર કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવ્યું, તેને પરીક્ષા કેન્દ્રમાં કેવી રીતે મોકલવામાં આવ્યું અને સંભવિત લીક કેવી રીતે થઈ શકે એ બધી બાબતો અંગે એફિડેવિટ ફાઇલ કરવા કહેલું. એ પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસની પ્રગતિ અને કથિત પેપર લીકની અસરની હદથી કોર્ટને સંતુષ્ટ ના હોય તો જ અંતિમ ઉપાય તરીકે ફરીથી પરીક્ષાનો આદેશ આપવામાં આવશે.
આ વાતનો મતલબ શો ? પેપર લીકથી કેટલાં લોકોને અસર થઈ છે એ નક્કી કોણ કરશે ? સુપ્રીમ કોર્ટ પાસે પોતાની પાસે તો એવું મિકેનિઝમ નથી કે એ પેપર લીકથી કેટલાં લોકોને અસર થઈ છે તેની તપાસ કરાવી શકે. આ તપાસ સીબીઆઈ કરવાની ને સીબીઆઈ તો સરકારનો પાળેલો પોપટ છે એટલે સરકાર કહેશે એવો રિપોર્ટ બનાવીને આપશે. ને સરકાર તો ગરબડ થઈ નથી એવું કહે છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, મદ્રાસ આઈઆઈટીને ગેરરીતિ કરનારાં લોકોના માર્ક્સ અંગે ડેટા એનાલિસિસ કરવા કહેવાયેલું. આ એનાલિસિસમાં બહાર આવ્યું છે કે, વધુ માર્ક્સ મળ્યા છે એ લોકોના કિસ્સામાં કોઈ મોટી ગેરરીતિ થઈ નથી. આ ડેટા એનાલિસિસ કઈ રીતે કરાયું તેની કોઈને ખબર નથી પણ મોટી ગેરરીતિ થઈ નથી એવું સરકારે કહ્યું છે. મતલબ કે, ગેરરીતિ તો થઈ છે પણ મોટી થઈ નથી.
હવે મોદી સરકારની મોટી ગેરરીતિની વ્યાખ્યા શું છે તેની તેમને જ ખબર પણ માનો કે દસ વિદ્યાર્થીને પણ નુકસાન જાય તો તેમની જિંદગી સાથે તો રમત થઈ ગઈ કહેવાય કે નહીં ? અને આ વિદ્યાર્થીઓને થનારું નુકસાન કોણ ભરપાઈ કરશે ? ને જે લોકો લાયક નથી એ લોકો ડોક્ટર બનીને લોકોની જિંદગી સાથે રમત રમશે તેના માટે જવાબદાર કોણ ?
જાહેર જીવનમાં મૂલ્યનિષ્ઠાનાં ઉચ્ચ મૂલ્યો સ્થાપિત કરવાનાં હોય. નીટ જેવી પરીક્ષા શંકાથી પર હોવી જોઈએ ને તેમાં જરાય ગરબડ થયેલી ના હોવી જોઈએ. તેના બદલે અહીં તો સરકાર પોતે જ નાની ગેરરીતિ ને મોટી ગેરરીતિ એવી વ્યાખ્યાઓ કરી રહી છે. નૈતિકતાનું આવું પતન બીજે ક્યાંય જોવા નહીં મળે.
કમનસીબી એ છે કે, ૨૬ લાખ વિદ્યાર્થી લટકેલા છે ને તેમની માનસિક સ્થિતિ શું છે તેની કોઈને પરવા જ નથી.