નેશનલ

‘હિંમત હોય તો હૈદરાબાદ આવીને મારી સામે ચૂંટણી લડો’

અસદુદ્દીન ઓવૈસીનો રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર

હૈદરાબાદઃ તેલંગાણામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. લોકસભા ચૂંટણી 2024ની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ દેશમાં રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) સામસામે જોવા મળી રહ્યા છે. રાજકીય પક્ષો વચ્ચેના આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના રાઉન્ડ વચ્ચે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હૈદરાબાદથી તેમની સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો.

ઓવૈસી તેમના સંસદીય ક્ષેત્ર હૈદરાબાદમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે સૌથી જૂની પાર્ટી (કૉંગ્રેસ)ના શાસન દરમિયાન ઉત્તર પ્રદેશનું વિવાદિત માળખું (બાબરી મસ્જિદ) તોડી પાડવામાં આવ્યું હતું. સચિવાલય મસ્જિદનો ધ્વંસ કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન થયો હતો.


તેમણે કહ્યું હતું કે, “હું તમારા નેતા (રાહુલ ગાંધી)ને વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી લડવાનો પડકાર આપું છું. તમે મોટા મોટા નિવેદનો આપતા રહો છો, પણ મેદાનમાં આવો અને મારી સામે લડો. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી રાહુલ ગાંધીની ‘પ્રેમની દુકાન’ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, રાહુલ ગાંધીએ તેલંગાણાના તુક્કુગુડામાં વિજયભેરી બેઠકમાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી, ભારત રાષ્ટ્ર સમિતિ અને AIMIM તેલંગાણામાં એક થઈને કામ કરી રહ્યા છે અને તેમની પાર્ટી આ ત્રણેય સામે લડી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ અથવા AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ CBI-EDનો કોઈ કેસ નથી કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને “પોતાના લોકો” માને છે.


ચૂંટણી લડી રહેલા તમામ રાજકીય પક્ષો તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. શાસક BRSએ તેના ઉમેદવારોની યાદી પહેલેથી જ જાહેર કરી દીધી છે, જ્યારે કોંગ્રેસે તેની “છ ગેરંટી” જાહેર કરી છે અને જણાવ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો તેને પૂર્ણ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button