ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 25 જૂન ગણાશે હવે ‘સંવિધાન હત્યા દિવસ’

કેન્દ્ર સરકારે 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જેમાં કેન્દ્રએ કહ્યું છે કે દેશમાં 25 જૂન 1975ના રોજ ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી, તેથી હવે ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે પોસ્ટ કર્યું હતું કે, “25 જૂન, 1975ના રોજ, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદીને, એક સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું.

લાખો લોકોને કોઈપણ ભૂલ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. 1975ની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરવા માટે ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેઓ સરમુખત્યારશાહી સરકારના અસંખ્ય ત્રાસ અને જુલમનો સામનો કરવા છતાં લોકશાહીને જીવિત રાખવા માટે પ્રયત્નશીલ રહ્યા અને તેને બચાવવાનો સંઘર્ષ કર્યો ‘સંવિધાન હત્યા દિવસ’ દરેક ભારતીયમાં વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતનું રક્ષણ કરવાનું કામ કરશે, જેથી ભવિષ્યમાં કોંગ્રેસ જેવી કોઈ સરમુખત્યારશાહી માનસિકતાનું પુનરાવર્તન ન કરી શકે.

આ પણ વાંચો: સંસદ બહાર સુખદ દ્રશ્યો : Akhilesh Yadav એ સાદ દીધો અને Amit Shah સાથે મિલાવ્યા હાથ

ઇમરજન્સી (કટોકટી)ની વાત કરીએ તો ભારતના બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડા પ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ પર કટોકટી જાહેર કરવામાં આવે છે. કટોકટી હેઠળ નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરવામાં આવે છે.

જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ ઊભી થાય છે, ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં જાય છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત ઈમરજન્સી લાદવામાં આવી છે. જેમાં વર્ષ 1962, 1971 અને 1975માં કલમ 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી હતી.

1975માં ઈમરજન્સી લાદવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીની ચૂંટણીને પડકારતી અરજી પર હાઈકોર્ટે 12 જૂન 1975ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે રાયબરેલીથી તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી હતી અને તેમના પર આગામી 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચો: Amit Shah – Devendra Fadnavis Meeting: નારાજગી નહીં પણ આ કારણે રાજીનામું આપું છું…

આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ હતી અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી ઇન્દિરા ગાંધી દ્વારા ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. રાજકીય પક્ષોએ ઈન્દિરા સરકાર અને કોંગ્રેસ પર પ્રહારોકર્યા હતા અને તેને અલોકતાંત્રિક નિર્ણય ગણાવ્યો હતો.

વડા પ્રધાન ઇન્દિરા દ્વારા કયા સંજોગોમાં કટોકટી લાદવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેમણે જે રીતે આ માહિતી આપી હતી તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઈન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવીને વિવિધ સંગઠનો સામે આવ્યા અને ભારે વિરોધ શરૂ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button