દેવભૂમિ દ્વારકાના ભાણવડ સામુહિક આપઘાત કેસઃ બે આરોપીઓની ધરપકડ
ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક બુધવારે મળી આવેલા જામનગરના આહિર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના સામુહિક આપઘાતના ચકચારી પ્રકરણમાં મૃતકના ભાઈ દ્વારા ફરીયાદ નોંધાવામાં આવી હતી. જે સંદર્ભે દેવભૂમિ દ્વારકાના એસપી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી, અને ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ જામનગરના બન્ને આરોપીઓને દબોચી લેવાયા હતા.
પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી ઝેરી દવાનું ડબલું તેમજ પ્લાસ્ટિકના ગ્લાસ, કોલ્ડડ્રીંક્સની બોટલ વિગેરે મળી આવ્યા હતા. આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ તેમજ મોબાઈલ ફોનની ચકાસણી અને ચિઠ્ઠીના આધારે મૃતકના નાનાભાઈ લાલપુર તાલુકાના મોડપર ગામના વતની અને હાલ જામનગરના કનસુમરા ખાતે રહેતા વિનુભાઈ ધુવાએ વિશાલ જાડેજા દરબાર (વી.એમ.મેટલ વાળા) અને વિશાલ પ્રાગડા સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : કચ્છ પોલીસે આ કેસને ઉકેલવા ક્યાંક ધર્યા શિકારી તો ક્યાંક શાકભાજી વેંચનારના વેશ
પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક અશોકભાઈના મૃતદેહ પાસેથી મળી આવેલા અલગ અલગ મોબાઈલ ફોનમાં રહેલા વોટ્સએપ મેસેજ તેમજ વીડિયો ક્લિપ ઉપરાંત અહીંથી મળી આવેલી સુસાઇડ નોટના આધારે આ બનાવમાં ખુલાસા થયા હતા. એક વીડિયો ક્લિપમાં ચાર વ્યક્તિઓ અશોકભાઈને ધમકાવતા અને મારતા હતા અને કોઈ પ્રકારનું લખાણ લખાવી અને તેના કાગળો પોતે રાખી લીધા હોવાનું ખૂલ્યું હતું.
અન્ય એક મોબાઈલ નંબર પર મંગળવારે કાળા કલરની બોર્ડર વાળી નોટમાં લખેલા લખાણમાં વિશાલ જાડેજા (વી.એમ. મેટલ) પાસેથી અમે માલ લીધો હતો. તેના રૂ. 20 લાખ તેમજ ત્યારબાદ પિયુષ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં અશોકભાઈ માલ લઈ ગયો. તેના રૂ. 5,87,962 આપવાના છે. આ સિવાય ચામુંડા ઇન્ડસ્ટ્રીઝના બે બિલ પણ ભરવાના બાકી છે. આ પૈસાની જ્વાબદારી મારી અને મારા દીકરા અશોક ધૂવાની છે.
વિશાલ જાડેજાએ મૃતક અશોકભાઈ પાસેથી આ પૈસા બળજબરીપૂર્વક કઢાવવા માટે ડરાવી, ધમકાવી, માર મારી, નોટમાં તે મુજબનું લખાણ લખાવી લઈ અને કડક ઉઘરાણી કરી હતી. આખરે તમામ ચાર પરિવારજનોએ જામનગરથી બે સ્કૂટર મારફતે નીકળી જઈ અને ભાણવડના ધારાગઢ ગામે ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધો હતો.