IAS ઓફિસર પૂજા ખેડકરની ઉમેદવારીની તપાસ માટે કેન્દ્રએ કરી પેનલની રચના
હાલમાં IAS પૂજા ખેડકર સમાચારોમાં છે. પુણે પોલીસ તેના પર નજર રાખી રહી છે. પ્રોબેશન પર રહેલા IAS અધિકારી પર લાલબત્તી લગાવી વાહન ચલાવવાનો અને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે. જે બાદ તેમની બદલી મહારાષ્ટ્રના પુણેથી વાશિમ કરવામાં આવી છે.
પૂજા ખેડકર 2022માં UPSCની પરીક્ષા આપી અને 2023માં 841મો રેન્ક મેળવીને IAS ઓફિસર બની. તેણે પુણે, મહારાષ્ટ્રમાં તેનો પ્રોબેશનરી સમયગાળો પૂરો કર્યો અને ટ્રાન્સફર થયા પછી, તે સહાયક કલેક્ટર તરીકે વાશીમ જિલ્લામાં પહોંચી હતી. પૂજા ખેડકર સાથે અનેક વિવાદો ઉભા થયા છે. પુણેમાં રહેતા પૂજા ખેડકરે ઘણા અધિકારીઓને હેરાન કર્યા હોવાના આરોપો છે. વિવિધ પ્રકારની માંગણીઓ કરી છે. આટલું જ નહીં તેણે પોતાની પ્રાઈવેટ ઓડી કાર પર લાલ લાઈટનો ઉપયોગ કર્યો હતો.
પૂજા ખેડકરને લઈને કેટલીક વધુ ચોંકાવનારી બાબતો પણ જાણવા મળી છે. પૂજાએ UPSC પરીક્ષા દરમિયાન ત્રણ એફિડેવિટ જમા કરાવ્યા હતા. આમાંથી એકમાં તેણે પોતાને માનસિક રીતે અક્ષમ ગણાવી હતી. બીજામાં તેણે કહ્યું હતું કે તેને જોવામાં સમસ્યા છે. અને ત્રીજું એફિડેવિટ ઓબીસી નોન ક્રીમી કેટેગરીની હતી. એમ પણ જાણવા મળ્યું છે કે પૂજાએ UPSC દ્વારા કરવામાં આવેલ મેડિકલ ટેસ્ટની અવગણના કરી હતી. તેને 6 વખત તબીબી પરીક્ષણો માટે બોલાવવામાં આવી હતી, જેમાંથી પૂજા માત્ર છેલ્લા એકમાં દેખાઈ હતી અને MIR કરાવવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં તેણે આપેલા મેડિકલ સંબંધિત એફિડેવિટ પર પણ સવાલ ઊભા થયા છે.
આ પણ વાંચો : Atal Setu બાદ હવે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રાજ્યના આ હાઈવે પર પડી તિરાડો….
કેટલાક મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પૂજા ખેડકરના પિતા પાસે 40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે જ સમયે, પૂજા લગભગ 22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. યુપીએસસીને સબમિટ કરવામાં આવેલા આ દસ્તાવેજોને લઈને વિવાદ ઊભો થયા બાદ હવે કેન્દ્ર સરકારે તપાસના આદેશ આપ્યા છે.
જો પૂજા ખેડકર વિભાગીય તપાસમાં દોષી સાબિત થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. UPSC તેમને પદ પરથી બરતરફ કરવાની કાર્યવાહી કરી શકે છે. IAS અધિકારીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોવાથી, તેની બરતરફી માટે પણ રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર હોય છે. બરતરફીની કાર્યવાહી દરમિયાન, તેમને હોદ્દા પર હોલ્ડિંગ વખતે મળેલા તમામ લાભો અને પગાર દોષિત અધિકારી પાસેથી પાછા લેવામાં આવે છે.
દરમિયાન નવી મુંબઈ પોલીસે ગૃહ વિભાગને અહેવાલ સુપરત કર્યો છે કે IAS પ્રોબેશનરી ઓફિસર પૂજા ખેડકરે સ્ટીલ ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા તેના સંબંધીને છોડવા માટે નવી મુંબઈ પોલીસ પર કથિત રીતે દબાણ કર્યું છે. તેણે મે મહિનામાં નવી મુંબઈ પોલીસના ડીસીપીને ફોન કર્યો હતો. તે પ્રોબેશનરી ઓફિસર હોવાથી રાજ્ય સરકાર તેની સામે કાર્યવાહી કરી શકતી નથી.