ઍન્ડરસને 40,000મો બૉલ ફેંક્યો એટલે બની ગયો વર્લ્ડ રેકૉર્ડ!
લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડના લેજન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને 21 વર્ષની લાંબી કરીઅરની અંતિમ મૅચમાં મોટો વિશ્વવિક્રમ રચ્યો છે. તે ટેસ્ટ-ક્રિકેટમાં 40,000મો બૉલ ફેંકનાર વિશ્ર્વનો પ્રથમ પેસ બોલર બન્યો છે.
42 વર્ષના ઍન્ડરસનને લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં વિકેટ નહોતી મળી, પરંતુ ગુરુવારના બીજા દિવસે તેણે બે વિકેટ લીધી હતી. એ સાથે, ત્યારે તેના નામે કુલ 703 વિકેટ લખાઈ હતી. તેણે કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટ અને ભૂતપૂર્વ સુકાની જેસન હોલ્ડરને આઉટ કર્યા હતા.
ટેસ્ટ-ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ પેસ બોલર 40,000 બૉલ નહોતો ફેંકી શક્યો. જોકે ઍન્ડરસને કારકિર્દીની આખરી ટેસ્ટના છેલ્લા દાવમાં એ સિદ્ધિ હાંસલ કરી લીધી. તેણે ગુરુવારે 40,000મો બૉલ ફેંકીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.
ઍન્ડરસન ટેસ્ટ-ક્રિકેટમાં 40,000 કે એનાથી વધુ બૉલ ફેંકનાર કુલ ચોથો બોલર અને પ્રથમ પેસ બોલર છે. પહેલા ત્રણ સ્થાને સ્પિનર છે. સૌથી વધુ 800 વિકેટ લેનાર શ્રીલંકાના ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે સૌથી વધુ 44,039 બૉલ, બીજા નંબરે ભારતના લેગ સ્પિનર અનિલ કુંબલેના નામે 40,850 બૉલ અને ત્રીજા નંબરે, લેગ સ્પિનર શેન વૉર્નના નામે 40,705 બૉલ નોંધાયા છે.
ઍન્ડરસન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફૉર્મેટમાં કુલ 50,000 બૉલ ફેંકનાર વિશ્વનો પ્રથમ પેસ બોલર પણ બન્યો છે.
ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ બૉલ ફેંકનાર પેસ બોલર્સ
જેમ્સ ઍન્ડરસન: 40,000 બૉલ
સ્ટુઅર્ટ બ્રૉડ: 33,698 બૉલ
કોર્ટની વૉલ્શ: 30,019 બૉલ
ગ્લેન મૅક્ગ્રા: 29,248 બૉલ
કપિલ દેવ: 27,740 બૉલ