આપણું ગુજરાતરાજકોટ

રાજકોટ પોલીસની કસ્ટડીમાં આધેડનું મોત! હાઈકોર્ટે ગુનો નોંધવા આદેશ કર્યો

રાજકોટ: કસ્ટોડિયલ ડેથ બાબતે ગુજરાત પોલીસનો(Gujarat police custodial death) રેકોર્ડ ખરાબ રહ્યો છે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના વાર્ષિક અહેવાલોમાં છેલ્લા કેટલાક વર્ષથી સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત ઉપરના ક્રમે રહ્યું છે, એવામાં રાજકોટમાંથી વધુ એક કસ્ટોડિયલ ડેથ(Rajkot custodial death) નો ઘટના બની હતી. જેને કારણે કુવાડવા પોલીસ શંકાના દાયરામાં આવી છે.

અહેવાલ મુજબ શહેરના કુવાડવા પોલીસની કસ્ટડીમાં અમરશી સીતાપરા નામના આધેડનું મોત નીપજ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ બેડી પાસેથી અમરશી સીતાપરા બેભાન હાલતમાં મળ્યા હતા, ત્યાર બાદ સારવાર માટે તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 6 દિવસની સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. અમરશી સીતાપરાના પરિવારને પોલીસ અધિકારીઓ પર શંકા છે, તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે.

અહેવાલ મુજબ પરિવારે પોલીસ કમિશ્નરને તપાસ માટે અરજી આપ્યા છતાં પરિવારજનોને જવાબ મળ્યો ન હતો. મૃતક અમરશીભાઈના પુત્ર આનંદ સીતાપરાને પોલીસે જવાબ ન આપતા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટે સમગ્ર પ્રકરણ મામલે રાજકોટ પોલીસને તાત્કાલિક તપાસ કરી ગુનો નોંધવા આદેશ કર્યો.

અહેવાલ મુજબ ગત 12 એપ્રિલના રોજ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અમરશી સીતાપરા ફરજ પર ગયા હતા, આ દરમિયાન કોઈ સાથે તેમનો ઝગડો થયો હતો. રાજ સિક્યુરિટીના સુપરવાઈઝર ભોલેરામે પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે ફોન કરતા PCR વાન સ્થળ પર આવી હતી.

PCR વાનમાં આવેલા પોલીસકર્મીઓએ અમરશી સીતાપરાને પકડીને લઇ ગયા હતા, ત્યાર બાદ તેઓ બેડી પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. આધેડ ઉંમરના અમરશીભાઈને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા બાદ 18 એપ્રિલે સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું

સારવાર દરમિયાન અમરશીભાઈ હોશમાં આવ્યા ત્યારે તેમણે પુત્રને જણાવ્યું હતું કે પોલીસે તેમને માર માર્યો હતો.
આ મામલે પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button