વડોદરા હરણીબોટ દુર્ઘટના મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
વડોદરાઃ 18મી જાન્યુઆરીનાં રોજ શહેરના હરણી તળાવ ખાતે ગોઝારી દુર્ઘટના (Vadodara Boat Tragedy) ઘટી હતી, બોટ પલટી જતા વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલનાં બાળકો તેમજ શિક્ષકો ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં 12 બાળકો તેમજ 2 શિક્ષકોનાં મોત નિપજ્યા હતા. હરણી બોટ દુર્ઘટના મુદે ગુજરાત હાઈકોર્ટે(Gujarat Highcourt) સુઓમોટો લીધો હતો, જેને પગલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થશે. સરકાર અને વડોદરા મ્યુ કોર્પોરેશન (VMC) કોર્ટમાં જવાબ રજૂ કરશે.
ગત 24મી જૂને ગુજરાત હાઇકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને વડોદરાના હરણી બોટ દુર્ઘટના મુદે સરકાર સામે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. શહેરી વિકાસ વિભાગના રિપોર્ટથી ગુજરાત હાઈકોર્ટ નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સરકારને કહ્યું કે આ રિપોર્ટ સ્વિકારવા યોગ્ય છે કે કેમ તે સરકાર જ કહે, વધુમાં હાઈકોર્ટે કહ્યું કે એક બાદ એક બેદરકારી અને સરકારી જવાબ ચોપડામાં જ રહે છે. હાઈકોર્ટે સરકારને કહ્યું કે કાર્યવાહીના નામ પર બેદરકારી રાખતા અધિકારીઓ સામે પગલાં લો.
21મી ફેબ્રુઆરીના રોજ સુનવણી થઈ હતી
વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોનાં મોત થયા હતા. આ સમગ્ર દુર્ઘટનાનાં આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલી દીધા હતા. હરણી બોટ દુર્ઘટના મામલે 21મી ફેબ્રુઆરી 2024ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સરકારે એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે, 40 જેટલી બોટમાંથી નિયમોનું પાલન ન કરતી હોય તેવી 21 બોટ બંધ કરવામાં આવી છે. તેમજ સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે.
આ મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ત્યારે આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.