આમચી મુંબઈ

રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં બરોબર ગણેશોત્સવ દરમિયાન ચોમાસું સક્રિય થયું છે. સિક્કીમથી મધ્ય મહારાષ્ટ્રના આ ભાગમાં ઓછા દબાણનો પટ્ટો તીવ્ર થયો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
રવિવારના રાજ્યના અનેક જિલ્લા માટે યલો ઍલર્ટ જાહેર કર્યું હતું અને એ મુજબ દિવસ દરમિયાન અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 27 સપ્ટેમ્બર સુધી ફક્ત વિદર્ભમાં વરસાદનું જોર રહેશે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
હવામાન ખાતાએ આપેલી માહિતી મુજબ વિદર્ભના યવતમાળ, વાશિમ, વર્ધા, નાગપૂર, ગોંદિયા, ગઢચિરોલી, ચંદ્રપૂર, ભંડારા, અમરાવતી, અકોલા, મરાઠવાડાના છત્રપતિ સંભાજી , જાનલા, પરભણી, બીડ તો મધ્ય મહારાષ્ટ્રમાં પુણે, સતારા, સોલાપૂર, ઉત્તર મહારાષ્ટ્ર, નાશિક, જળગાંવ, કોંકણ, રત્નાાગિરી, રાયગઢ, થાણે આ જિલ્લામાં 27 સપ્ટેમ્બર સુધી યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ દરમિયાન મુંબઈમાં પણ રવિવારે અનેક વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. શુક્રવાર સવારના 11.30 વાગ્યાથી શનિવાર સવારના 11.30 વાગ્યા સુધીના સમયગાળામાં કોલાબામાં 21.0 મિ.મિ. અને સાંતાક્રુઝમાં 16.1 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. તો રવિવાર સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી દક્ષિણ મુંબઈમાં 1.06, પૂર્વ ઉપનગરમાં 2.40 મિ.મિ. અને પશ્ચિમ ઉપનગરમાં 6.60 મિ.મિ. વરસાદ નોંધાયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button