પાંચ હાફ સેન્ચુરિયને ઇંગ્લૅન્ડને 250ની લીડ અપાવી, વેસ્ટ ઇન્ડિઝ ફરી મોટી મુસીબતમાં
લૉર્ડ્સ: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારે બીજા દિવસે ઇંગ્લૅન્ડે પહેલા દાવમાં 250 રનની સરસાઈ લીધા પછી વેસ્ટ ઇન્ડિઝને બીજા દાવમાં શરૂઆતથી મુશ્કેલીમાં મૂકી દીધું હતું.
આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે કૅરિબિયન ટીમને બીજા દાવમાં 38 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી. એમાંની એક વિકેટ છેલ્લી ટેસ્ટ રમી રહેલા જેમ્સ ઍન્ડરસને લીધી હતી. તેણે કૅપ્ટન ક્રેગ બ્રેથવેઇટને ક્લીન બોલ્ડ કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવના 121 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે ક્રૉવ્લી (76), પોપ (57), રૂટ (68), બ્રૂક (50) અને જૅમી સ્મિથ (70)ની હાફ સેન્ચુરીની મદદથી 90 ઓવરમાં 371 રન બનાવ્યા હતા. જેડન સીલ્સે સૌથી વધુ ચાર તથા હોલ્ડર અને ગુડાકેશ મૉટીએ બે-બે વિકેટ લીધી હતી.
અલ્ઝારી જોસેફે એક વિકેટ લીધી હતી જેમાં તેણે હૅરી બ્રૂકને વિકેટકીપર જોશુઆ ડા’સિલ્વાના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
જેમ્સ ઍન્ડરસનને પ્રથમ દાવમાં એક પણ વિકેટ નહોતી મળી. તેની આ છેલ્લી મૅચ છે. તેણે આ મૅચ પહેલાં 700 વિકેટ લીધી હતી અને અત્યાર સુધીમાં રમી ચૂકેલા તમામ પેસ બોલર્સમાં તેની આ વિકેટ હાઈએસ્ટ છે.
ઍન્ડરસને ગુરુવારે કહ્યું હતું કે તેને 20 વર્ષની કરીઅરમાં સૌથી વધુ સચિન તેન્ડુલકર સામે બોલિંગ કરવાની મજા આવી અને તેણે જે બૅટર્સનો સામનો કર્યો એ બધામાં તેની દૃષ્ટિએ સચિન બેસ્ટ બૅટર છે.