સંજય દત ઉર્ફે સંજુબાબા નામે સજા!
આ 15મી જુલાઇએ સંજય દત્તનો જન્મ દિવસ છે એ અવસરે એનો અનોખો કલોઝ- અપ.
ડે્રસ-સર્કલ – સંજય છેલ
થોડાં વરસ અગાઉ એકવાર કોઇ બીજા જ વિષયનો લેખ લખવા બેસતો હતો કે એવામાં સંજય દત્તને પાંચ વર્ષની સજા થયાનો ચુકાદો સાંભળવા
મળ્યો..અને પછી હું 25-30 વર્ષ જૂની યાદોની ખીણમાં ઉછળીને પડતો હોઉ એવું લાગે છે!
આજે મને યાદ આવે છે જ્યારે 1990માં કોલેજમાંથી નીકળીને હું રમેશ તલ્વાર દિગ્દર્શિત ફિલ્મ સાહિબાં’માં ત્રીજો આસિસ્ટંટ હતો.સંજુ એમાં હીરો હતો. દરેક શોટ પહેલાં કેમેરા સામે કલેપ મારવાનું કામ મારું. મેં જીવનની પહેલી કલેપ,કેમેરા સામે સંજુનાં ચહેરા પાસે મારેલી.
`શોટ -સીન-ટેક નંબર’
બોલીને લાકડાની સ્લેટ પરની પટ્ટી પછાડી, આસિસ્ટંટે તરતજ કેમેરા ફિલ્ડમાંથી બહાર ભાગવાનું હોય છે. આમ તો કામ સહેલું લાગે પણ શરૂશરૂમાં ભલભલાનાં કેમેરાસામે ગાભા નીકળી જાય. મેં પહેલી કલેપ મારી. સંજુના ચહેરા પર ચોકની ભૂકી ઊડી. સંજુ હસી પડયો, શોટ કટ થયો. બીજાં બધાં મને ઘૂરકીને જોવા માંડયા, પણ સંજુએ કહયું રિલેકસ’. પછી એણે હાથ પકડીને કલેપ મારતાં શીખવ્યું.
`કાશ, ક્યારેક હું જીવનનાં ઉતાર- ચઢાવમાં સંજુને કહી શકું કે સંજુબાબા, રિલેક્સ!’ હમણાં આ 15મી જુલાઇએ સંજય દત્તનો જન્મ દિવસ છે ત્યારે ઘણું બધું યાદ આવે છે.
મને આજે યાદ આવે છે કે એજ ફિલ્મનું મૈસૂરમાંનું આઉટડોર શૂટિગ. નિર્માતાએ સ્ટારને ફાઇવસ્ટારમાં અને અમને આસિસ્ટંટોને બહુ ખરાબ હોટેલમાં ઉતારેલાં. ખાવાનાં યે ઠેકાણાં નહીં.એક દિવસ સંજુએ મારું મોઢું પડેલું જોયું. મેં કારણ કહ્યું. સંજૂએ કહ્યું: મારી રૂમમાં આવી જા.. અને પરિકથાની જેમ લલિતા મહલ પેલેસ’ હોટેલનાં આલિશાન મમાં જાજરમાન આશરો મળ્યો. જે ભાવે તે ખાવાની છૂટ મળી. કોઇ પણ ઓળખાણ, લાભ ગણિત વિના એણે અજાણ્યાં છોકરાને સાચવી લીધો? શું કામ? કારણ આજ સુધી મને ખબર નથી. એ જ ફિલ્મના શૂટિગમાં વર્કરોને પૈસા ના મળે ત્યારે સંજુ યુનિયન લીડરની જેમ શૂટિગ રોકીને લડતો અને નિર્માતાના નાક નીચેથી પૈસા કઢાવતો મેં જોયો છે.
જો કે એ સત્ય છે કે સંજુ જેલ જઇ આવેલો ગુનેગાર એવામાં સંજૂની આ માનવીય બાજુ કોણ માનશે? સમાજને ગુનામાં, સજામાં, સનસનાટીમાં રસ હોય છે!
`મને આજે યાદ આવે છે મનાલીની એ વહેલી સવાર. એકશન દૃશ્યમાં સંજુએ ઘોડે સવારી કરીને જવાનું હોય છે અને સાંકડા પહાડી રસ્તાઓ પર વચ્ચે ઘેટાઓનું ટોળું એને રોકે છે. ડિરેકટર રમેશ તલ્વારને ખબર નહીં શું સૂઝયું કે એમણે મને કહ્યું કે તું એકશન ડિરેકટર સાથે જઇને તું શૂટ કર!’
આપણી તો પહેલી જ ફિલ્મ હતી એટલે આવો ચાન્સ ક્યાં મળે એમ વિચારીને ચારે બાજુથી, જાતજાતનાં એંગલથી શોટ લેવાનાં શરૂ કર્યાં. સંજૂ, પહાડી પર ઘોડો દોડાવતો જાય, એકવાર બે વાર અને હું રિ–ટેક કર્યાં જ કરું. એ કંટાળે પણ શું કરે?પાછું આ ઘોડેસવારીનાં બે-ચાર શોટ્સ પતાવીને સંજુએ તરતજ મનાલીથી કુલ્લુ જઇને મુંબઇની ફલાઇટ પકડવાની હતી, પણ આપણી
અંદર તો સ્પીલબર્ગ કે રાજ કપૂરનાં આત્મા ઘૂસી ગયેલાં એટલે શૂટિગ લંબાવ્યાં કર્યું! સંજૂ શૂટિગ પછી ફલાઇટ પકડવા એ કુલ્લુ એરપોર્ટ ભાગ્યો. છેક લંચ ટાઇમમાં ખબર પડી કે સંજુ મારે કારણે ફલાઇટ ચૂકી ગયો છે!
ગુસ્સામાં સંજુ મને શોધતાં શોધતાં હોકીસ્ટિક લઇને સેટ પર આવ્યો. હું છૂપાઇ ગયો. એ મને શોધ્યાં કરે. લગભગ બે કલાક સંતાકૂકડી ચાલી અને પછી મને જોઇને એ હસી પડયો અને કહયું: અબ તેરે કો ડિરેકટર બનાના પડેગા.' એ શબ્દો એણે 1999માં પાળ્યાં..મારી ફિલ્મ
ખૂબસૂરત’ માટે ઓછા પૈસા લઇને, રાત જાગીને શૂટીંગ કરતો.દિવસે ટાડા કોર્ટમાં જાય, રાત્રે શૂટિગ કરે. અકળાય, ગુસ્સો કરે, પણ સેટ પર સમયસર હાજર થઈ જાય. ખરેખર સંજુ એટલે ન સમજાય એવો ખતરનાક સ્વીટ માણસ છે. એનું જીવન જોતાં લાગે કે સંજય દત્તનું હોવું જ એક સજા છે.
મને યાદ આવે છે કે બોંબ-બ્લાસ્ટ કેસમાં પહેલીવાર મુંબઇ એરપોર્ટ પર પકડવામાં આવેલો પછી અમે મિત્રો એને કોર્ટમાં મળવા જતાં. દૂરથી હાથ હલાવીને એ `હાઈ’કરતો. પહેલીવાર એને કોર્ટથી આર્થર રોડ જેલ લઇ ગયા ત્યારે અમે પોલીસ વેનની સાથે સાથે ગાડી દોડાવતાં. સિગ્નલ પર પોલીસ વેન રોકાય ત્યારે વાનની જાળીમાંથી એનાં ચહેરાની ઝલકક જોઇ લેતા. અને પછી એ પોલીસવેન દૂરને દૂર ઓઝલ થઇ જતી. અને પછી એ જામીન પર છૂટયો.
મને યાદ આવે છે કે જેલ પછી સંજુની પહેલી ફિલ્મ રામગોપાલ વર્માની દૌડ' શરૂ થયેલી,જે હું લખતો હતો. સંજુ, જેલમાં હતો એ દરમિયાન હું
નયા નુક્કડ’, ફિલ્મી ચક્કર' જેવી સિરિયલો અને
રંગીલા’ ફિલ્મ વગેરે કરી ચૂકેલો. જેલવાસ પછી `દૌડ’ના સેટ પર પહેલીવાર એ આવ્યો ત્યારે એ નર્વસ હતો, હાથ ધ્રૂજતા હતાં. એવામાં મને જોયો, ભેટી પડયો.
સાસરાંમાં કોઇ પિયર પક્ષનું સગું મળે તો વહુ કેવી હરખાય એવી ખૂશી એની આંખોમાં ચમકે. બે-ચાર ગાળો આપીને પુછયું, સાલા, મૈં જેલમેં કયા અંદર ગયા.. તુ બાહર રાઇટર' બન ગયા..કૈસે?' મને યાદ આવે છે એજ
દૌડ’નાં પહેલાં દિવસનાં શૂટિગમાં દિલ્લી રંગમંચથી આવેલા બોરિગ એકટર આશિષ વિદ્યાર્થીએ સંજુને પૂછયું : સર, પોલેસ ઓફિસર તરીકે હું તમારો પીછો કં છું..તો તમે કઇ રીતે ભાગશો?જેથી મને મારાં પાત્રની `બોડી લેંગ્વેજ’ ખબર પડે!
સંજુએ હસીને કહ્યું; દેખ ભાઇ, ડિરેકટરને બોલા હૈ યહાં સે વહાં ભાગના હૈ તો મૈં ભાગુંગા.. ઔર ફિર પોલીસ પીછે પડી હો કોઇ કૈસે ભાગતા હૈ યે મુઝે કયા પતા? મેરા પોલીસ સે કભી વાસ્તા પડા હૈ ક્યા?’ અને બધાં હસી પડયાં.
સંજુ પોતાની દરેક ભૂલ કે દુ:ખ વિશે જાત પર હસી શકે છે અથવા તો એણે હસવું પડે છે.
એજ સંજુ આજે આ સજાનાં એલાન પછી શું વિચારતો હશે એ વિચારોને વિચારીને માં હસવું અટકી જાય છે.
મને યાદ છે કે સંજુએ ઘણી સજાઓ ભોગવી છે. બે વાર જેલમાં, અંડર વર્લ્ડની ધમકીઓમાં, માતાની કેન્સરની બીમારીમાં, પત્નીની કેન્સરની બીમારીમાં, ડ્રગ્સની આદતોમાં, દેશદ્રોહનાં લાંછનને ઝેલવામાં અને હા, કોઇએ પણ જાણે-અજાણે ગુનો કર્યોં હોય તો એને સજા મળવી જ જોઇએ પણ સંજુનાં જીવનનાં તો દરેક મોડ પર સજાઓ રૂપ બદલી બદલીને આવ્યાં જ કરે છે કે પછી સંજુએ સામે ચાલીને સજાઓને પાસે બોલાવ્યાં કરે છે.
મને આજે યાદ આવે છે મારી ખૂબસૂરત'ફિલ્મ વખતે ટાડાકોર્ટમાંથી છેક પૂનમ ચેંબર,વર્લી પર લંચ ટાઇમમાં ગાડી ચલાવીને આવતો અને પ્રોડયુસરને મારી સાથે ફિલ્મ બનાવવા સમજાવતો. ફિલ્મની રિલીઝ વખતે નિર્માતા સાથે મારે ખટપટ થઇ ત્યારે પણ સંજુએ એક
ભાઇ’ની અદાએ પ્રોડયુસરને ચૂપ કરી દીધેલાં. મારા જેવા અનેક નવા ડિરેકટરો, ટેકનિશીયનો, મિત્રો માટે સંજુબાબા' એક કરીશ્માઇ માણસ છે. ગુસ્સૈલ, માથા ફરેલ, અનેક અધૂરપો સાથે પણ ઝિંદાદિલ અને દરિયાદિલ. મને યાદ આવે છે,
ખૂબસૂરત’ વખતે સંજૂએ મને કહેલું કે તું એક રમતિયાળ ગીત લખ.. રાત્રે પાર્ટીમાં એણે આઇડિયા આપ્યો એય શિવાની' ગીત અમે બેઉએ ઇમ્પ્રોવાઇઝ કર્યું. આજ્ઞાકારી વિદ્યાર્થીની જેમ એ સંગીતકાર જતીન-લલીતને ત્યાં આવીને રિહર્સલ કરતો.રેકોર્ડિંગ વખતે માત્ર પંદર જ મિનિટમાં
અય શિવાની’ એણે ગાઇ દેખાડયું.. એ જ ગીતનાં શૂટિગ વખતે હુ ડાન્સ-ડિરેકટરથી બહુ ખુશ નહોતો. મારી પહેલી ફિલ્મ હતી એટલે મજબૂર પણ હતો. સંજુએ મારો ચહેરો વાંચી લીધો.કોઇ બહાનું કરીને શૂટિગ કેન્સલ કર્યું. નિર્માતાને સમજાવી-પટાવીને ફરી એ જ ગીત ફરી શૂટ કરાવડાવ્યું!
મને યાદ આવે છે જ્યારે એની પ્રથમ પત્ની રિચાનાં અસ્થિ અમેરિકાથી મુંબઇં આવેલાં.ત્યારે સંજુ ચૂપચાપ હવનમાં બેઠો હતો. પિતા સુનીલ દત્ત જ્યારે જ્યારે ઘરમાં હવન કરાવતાં ત્યારે આજ્ઞાંકિત પુત્રની જેમ પૂજાની સામગ્રી લેવા જતો. ઇનફેકટ, પૂજાની સામગ્રીનાં લિસ્ટ માટે એણે એક રેપ-સોંગ બનાવેલું જેથી એને લિસ્ટ યાદ રહે!
સમય પલ્ટી ખાઇને જૂની વાતોનાં એકશન રિપ્લે યાદ કરાવતો હોય છે. આજે એ બધું યાદ આવે છે.
મને બરોબર યાદ છે કે 1992નાં અંતમાં જે `સાહિબાં’ ફિલ્મમાં હું આસિસ્ટંટ હતો એના નિર્માતા ફિલ્મ પૂરી કર્યાં વિનાજ મૃત્યુ પામ્યાં. ફિલ્મનું બે દિવસનું શૂટિગ, ડબિંગ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગેરે બાકી હતું. નોર્મલી, ફિલ્મના હીરોની કોઇ જવાબદારી ના હોય પણ સંજૂએ પોતાનાં પૈસે એ ફિલ્મ પૂરી કરાવેલી.છ: મહિના સંજુની ઓફિસમાંથી અમને સૌને પગાર મળતો, જે આપવાની એની જવાબદારી જરાય નહોતી! સાવ મતલબી ગણાતી ફિલ્મી દુનિયામાં પણ સંજુ જેવા લોકો છે!
સંજુ, વિચિત્ર કુંડળીમાં અટપટી ગ્રહદશામાં અટવાયેલાં ગ્રહમાં જન્મેલો સ્ટાર છે.
અલબત્ત, આ બધી વાતો ઉપરાંત સંજૂ દોષી તો હતો અને છે જ. કોર્ટે, કોર્ટનું કામ કર્યુ. સંજુએ જેલમાં સજા ભોગવી. પણ હા, સંબંધોની કોર્ટમાં જો પૂછવામાં આવે તો મારી યાદોમાં સંજય દત્ત ઉર્ફ સંજૂબાબા ઇંટરેસ્ટિંગ ઇમોશનલ ઇન્સાન છે!
હેપ્પી બર્થ ડે સંજુબાબા..!