શૅરબજાર અફડાતફડીમાં અટવાઇને અંતે મામૂલી ઘટાડા સાથે નેગેટિવ ઝોનમાં જ સપડાયેલું રહ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં કામકાજની શરૂઆત ઊંચા મથાળે થઇ હતી પરંતુ જૂન ક્વાર્ટરના મુખ્ય નાણાકીય પરિણામોની જાહેરાત પહેલા રોકાણકારોએ ઇન્ડેક્સ હેવીવેઈટ્સ શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગ શરૂ થયું હોવાથી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે અસ્થિર સત્રમાં નજીવા નીચામાં બંધ થયા હતા.
પ્રારંભિક ઊંચી સપાટીથી પીછેહઠ કરીને, 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 27.43 પોઈન્ટ અથવા 0.03 ટકાના ઘટાડા સાથે 79,897.34 પોઇન્ટના સ્તરે પર બંધ થયો હતો. શરૂઆતના વેપારમાં ઈન્ડેક્સ 245.32 પોઈન્ટ વધીને 80,170.09 પોઇન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ બાદમાં ઈન્ડેક્સ હેવીવેઈટ્સ શેરોમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે વેગ ગુમાવ્યો હતો.
બેરોમીટર પાછલા બંધથી 460.39 પોઈન્ટ ઘટીને 79,464.38ની એક દિવસની નીચી સપાટીએ પટકાયો હતો. એ જ રીતે, એનએસઇનો નિફ્ટી 8.50 પોઈન્ટ અથવા 0.03 ટકા ઘટીને 24,315.95 પોઇન્ટની સપાટી પર સેટલ થઈ ગયો હતો. બ્રોડર ઈન્ડેક્સ દિવસના કામકાજ દરમિયાન 24,402.65 પોઇન્ટની ઊંચી અને 24,193.75 પોઇન્ટની નીચી સપાટી વચ્ચે અથડાયો હતો.
ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરિગ સેક્ટરમાં અગ્રણી તુનવાલ ઇ-મોટર્સ લિમિટેડનો આઇપીઓ 15 જુલાઈના રોજ ખુલશે. ઈશ્યુનું કદ રૂ. 115.64 કરોડ છે અને ઈશ્યુની કિમત શેર દીઠ રૂ.59 નક્કી કરવામાં આવી છે. લોટ સાઈઝ 2,000 ઈક્વિટી શેરની છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ભરણું સબસ્ક્રિપ્શન માટે 18 જુલાઇ સુધી ખુલ્લું રહેશે. ઇશ્યૂના લીડ મેનેજર હોરાઇઝન મેનેજમેન્ટ અને રજિસ્ટ્રાર સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસીસ છે.
વિવિધ પ્રકારની ફિનટેક અને યુટિલિટી પેમેન્ટ સોલ્યુશન્સ અગ્રણી ફિનટેક કંપની એમઓએસ યુટિલિટી લિમિટેડની પેટાકંપની એમઓએસ લોગકનેક્ટ પ્રાઇવેટ લિમિટેડને ઇન્ડિયા પોસ્ટ તરફથી માસ્ટર ફ્રેન્ચાઇઝી લાઇસન્સ હાંસલ થયું છે. ઈન્ડિયા પોસ્ટ ફ્રેન્ચાઈઝી મોડ્યુલના માધ્યમથી કંપની સમગ્ર ભારતમાં પોસ્ટલ સેવાઓની વ્યાપક શ્રેણીને આવરી શકશે. આ ભાગીદારીથી ઈન્ડિયા પોસ્ટના વ્યાપક નેટવર્ક અને સંસાધનોનો લાભ પણ મળશે.
સેન્સેક્સના શેરોમાં બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, નેસ્લે, એનટીપીસી, પાવર ગ્રીડ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ અને લાર્સન એન્ડ ટુબ્રો સૌથી વધુ ઘટનારા શેરો રહ્યા હતા. જ્યારે આઇટીસી, ટાટા મોટર્સ, એશિયન પેઈન્ટ્સ અને ટાઈટન ટોપ ગેઇનર્સની ચાદીમાં હતા. મુખ્ય બેન્ચમાર્ક શેરઆંક સાંકડી વધઘટે અથડાઇ રહ્યાં છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના કોર્પોરેટ પરિણામની સિઝન પહેલા તેના પ્રીમિયમ મૂલ્યાંકનને ન્યાયી ઠેરવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કોર્પોરેટ કમાણી નીચે આવવાની આગાહી છે, એમ જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડે જણાવ્યું હતું.
બજારના સાધનો અનુસાર હાલમાં સ્થાનિક અને વૈશ્વિક પરિબળો તેજીવાળાની તરફેણમાં છે. વરસાદની પ્રગતિ અને ખરીફ વાવેતર આગળ વધવા સાથે ખાસ કરીને જેને વધુ લાભ મળવાનો છે એવા ઓટોમોબાઇલ અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં આકર્ષણ રહી શકે છે. રોકાણકારો કોર્પોરેટ ક્ષેત્રના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના પરિણામોની પ્રતીક્ષા કરી રહ્યાં છે, જેમાં નાણાકીય ડેટા અને આગામી સમય માટેના ગાઇડન્સ પરથી બજારને દિશા મળશે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ પણ મહત્ત્વનું છે. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યોિ, શાંઘાઈ અને હોંગકોંગ સુધારા સાથે પોઝિટિવ ઝોનમાં સ્થિર થયા હતા. યુરોપિયન બજારો બપોરના સત્ર સુધી સકારાત્મક ક્ષેત્રમાં ટે્રડ થઈ રહ્યા હોવાના અહેવાલ હતા. બુધવારે યુએસ બજારો નોંધપાત્ર રીતે ઊંચા સ્તરે બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ બુધવારે રૂ. 583.96 કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.21 ટકા વધીને 85.26 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે આઈટીસી 1.64 ટકા, ટાટા મોટર્સ 1.52 ટકા, એશિયન પેઈન્ડ્સ 0.93 ટકા, સ્ટેટ બેન્ક 0.88 ટકા, ટાઈટન 0.84 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 0.51 ટકા, કોટક બેન્ક 0.41 એક્સિસ બેન્ક 0.36 અને બજાજ બિનસર્વ 0.34 ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ 1.48 ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 1.24 ટકા, એનટીપીસી 1.14 ટકા, નેસ્લે 1.05 ટકા, પાવર ગ્રીડ 0.95 ટકા, સન ફાર્મા 0.89 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.64 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.64 ટકા, ભારતી એરટેલ 0.39 ટકા અને મારુતિ 0.37 ટકા ઘટ્યા હતા. બુધવારે બીએસઇ બેન્ચમાર્ક 426.87 પોઈન્ટ અથવા 0.53 ટકા ઘટીને 79,924.77 પર બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી 108.75 પોઈન્ટ અથવા 0.45 ટકા ઘટીને 24,324.45 પર સેટલ થયો હતો.
નોંધવું રહ્યું કે, બંને બેન્ચમાર્ક સૂચકાંકો બુધવારે ઓપનિંગ સોદામાં તેમના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. બીએસઈ સેન્સેક્સ બુધવારના 79,924.77 બંધથી 27.43 પોઈન્ટ્સ (0.03 ટકા) ઘટ્યો હતો. જોકે માર્કેટ કેપ રૂ.1.21 લાખ કરોડ વધીને રૂ.45126 લાખ કરોડ રહ્યું હતું.
સેન્સેક્સ 80,170.09 ખૂલીને ઊંચામાં 80,170.09 સુધી અને નીચામાં 79,464.38 સુધી જઈને અંતે 79,897.34 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની 15 સ્ક્રિપ્સ વધી હતી અને 15 સ્ક્રિપ્સ ઘટી હતી.
એક્સચેન્જમાં 4,023 સ્ક્રિપ્સમાં કામકાજ થયું હતું, જેમાં 2,172 સ્ટોક્સ વધ્યા હતા, 1,739 સ્ટોક્સ ઘટ્યા હતા, જ્યારે 112 સ્ટોક્સ સ્થિર રહ્યા હતા. 266 સ્ટોક્સ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 17 સ્ટોક બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ 0.34 ટકા અને બીએસઈ સ્મોલકેપ 0.57 ટકા અને બીએસઈ ઓલ કેપ 0.19 ટકા વધ્યા હતા. સ્ટે્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 1.67 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ 0.43 ટકા વધ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બીએસઈ રિયલ્ટી 1.41 ટકા, ઓટો 0.43 ટકા, પાવર 0.39 ટકા, હેલ્થકેર 0.35 ટકા અને યુટિલિટિઝ 0.19 ટકા ઘટ્યા હતા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ 1.68 ટકા, એનર્જી 1.2 ટકા, સર્વિસીસ 1.13 ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ 0.78 ટકા, એફએમસીજી 0.39 ટકા, મેટલ 0.33 ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ 0.31 ટકા, બેન્કેક્સ 0.27 ટકા, ટેલિકોમ્યુનિકેશન 0.24 ટકા, કેપિટલ ગુડ્સ 0.23 ટકા, ઈન્ફોર્મેશન ટેકનોલોજી 0.16 ટકા, ફાઈનાન્સિયલ સર્વિસીસ 0.16 ટકા, ટેક 0.13 ટકા, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી 0.11 ટકા અને કોમોડિટીઝ 0.1 ટકા વધ્યા હતા. બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ. 106.46 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ 836 સોદામાં 1,333 કોન્ટે્રક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ 12,38,664 કોન્ટે્રક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. 15,15,926.64 કરોડનું રહ્યું હતું.