વિદ્યાર્થીઓએ વધુ રાહ જોવી પડશે, NEET UG મામલે SCમાં સુનાવણી ટળી
નવી દિલ્હી: NEET-UG 2024ની પરીક્ષા રદ કરી ફરીથી પરીક્ષા યોજવા મામલે ચુકાદાની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, સુપ્રીમ કોર્ટ(Supreme court)માં આજે NEET-UG કેસની સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટે સુનાવણી મુલતવી રાખી છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 18 જુલાઈના રોજ થશે. આ પહેલા આજે CBIએ કોર્ટમાં બંધ કવરમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે.
તમામ વિદ્યાર્થીઓની નજર સર્વોચ્ચ અદાલતના નિર્ણય પર ટકેલી છે કે શું NEET-UGની પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા લેવામાં આવશે? કેન્દ્ર સરકાર, NTA અને CBI વતી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ફરીથી પરીક્ષા લેવા અને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી છે. CJI ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠ મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ગેરરીતિઓ સંબંધિત અરજીઓની સુનાવણી કરી રહી છે.
કેન્દ્ર અને NTAએ 5 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં કોઈ મોટા પાયે ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. ગુરુવારે CBIએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. આ પહેલા બુધવારે કેન્દ્ર સરકાર અને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ એફિડેવિટ દાખલ કરી હતી.
કેન્દ્ર સરકારે પહેલાથી જ કોર્ટને કહ્યું છે કે તે NEET પરીક્ષા ફરીથી યોજવાના પક્ષમાં નથી. ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને NTAને પૂછ્યું હતું કે પ્રશ્નપત્ર કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવ્યું, તેને પરીક્ષા કેન્દ્રમાં કેવી રીતે મોકલવામાં આવ્યું અને સંભવિત લીક કેવી રીતે થઈ શકે? આ સમગ્ર પ્રક્રિયા અંગે તમારી એફિડેવિટ ફાઇલ કરો.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કોર્ટ તપાસની પ્રગતિ અને કથિત પેપર લીકની અસર વ્યાપક હોય હોય તો જ અંતિમ ઉપાય તરીકે ફરીથી પરીક્ષાનો આદેશ આપવામાં આવશે.