સ્પેનને યુરોની ફાઇનલમાં પહોંચાડનાર ટીનેજરને નાનપણમાં કોણે નવડાવ્યો હતો જાણો છો?
બર્લિન: ફૂટબૉલ જગતમાં એક તરફ યુરો-2024માં ફાઇનલનો દિવસ નજીક આવી ગયો છે ત્યાં બીજી તરફ એ જ દિવસે અમેરિકા ખંડના દેશો વચ્ચેની કૉપા અમેરિકા ચૅમ્પિયનશિપમાં પણ ફાઇનલ રમાવાની છે. અહીં આપણે ફાઇનલની નહીં, પણ એ બે નિર્ણાયક મુકાબલામાં રમનાર બે ખેલાડી વિશે વાત કરવી છે. એ બે પ્લેયર છે આર્જેન્ટિનાનો સુપરસ્ટાર લિયોનેલ મેસી અને સ્પેનનો ટીનેજર લેમિન યમાલ.
મેસીએ આર્જેન્ટિનાને ફાઇનલમાં પહોંચાડી દીધું છે અને યમાલના મૅચ-વિનિંગ ગોલની મદદથી સ્પેન ફાઇનલમાં ગયું છે. યમાલ 16 વર્ષનો છે અને તે સ્પેન વતી ફૂટબૉલ રમનારો સૌથી યુવાન અને યુરો ચૅમ્પિયનશિપનો યંગેસ્ટ ખેલાડી બન્યો છે. કૉપા અમેરિકામાં આર્જેન્ટિનાનો મુકાબલો સોમવારે (ભારતીય સમય મુજબ સોમવારે સવારે 5.30 વાગ્યાથી) કોલમ્બિયા સામે થશે. યુરોની ફાઇનલ (ભારતીય સમય મુજબ રવિવારે મધરાત બાદ 12.30 વાગ્યાથી) સ્પેન અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે.
વાત એવી છે કે 16 વર્ષના સ્પૅનિશ ખેલાડી યમાલના પપ્પાએ પુત્રનો બાળપણનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ ફોટોમાં મેસી પણ છે.
નવાઈ લાગી હશે તમને, ખરુંને? 2007ની સાલનો એ ફોટો યમાલના ડૅડીએ પોસ્ટ કર્યો છે. યમાલને જન્મ્યાને ત્યારે થોડા જ મહિના થયા હતા અને સામાજિક કાર્ય માટેની એક ઇવેન્ટમાં તેને ફોટોશૂટ દરમ્યાન લિયોનેલ મેસી પણ ત્યાં હાજર હતો અને ફોટોગ્રાફરના કહેવા મુજબ મેસીએ પ્લાસ્ટિકના ટબમાં બેસાડેલા યમાલને નવડાવવાનો હતો અને મેસીએ હસતાં-હસતાં એ પોઝ આપ્યો હતો. મેસી પહેલેથી શરમાળ સ્વભાવનો છે એટલે આ ફોટોશૂટ વખતે યમાલને કેવી રીતે નવડાવવો એ વિશે તે મૂંઝાઈ ગયો હતો.
આ પણ વાંચો : EURO 2024 Highlights: યુરોમાં ઇંગ્લૅન્ડ-સ્પેન વચ્ચે રવિવારે ફાઈનલ જંગ
સ્પેનના બાર્સેલોના શહેરની એ ઇવેન્ટમાં પોતાના પુત્રનું મેસી સાથે ફોટોશૂટ થયું હોવાની ખુદ યમાલના પપ્પા યોઆન મૉન્ફર્ટને જાણ નહોતી.
મૉન્ફર્ટ 56 વર્ષના છે અને એક જાણીતી ફોટો એજન્સીના ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે. તેમને એક મિત્રએ ફોટોશૂટની તસવીર મોકલીને બાતમી આપી કે મેસી સાથે આ ફોટોમાં જે બાળક છે એ તમારો યમાલ છે. છેક ત્યારે મૉન્ફર્ટને જાણ થઈ હતી કે તેમના પુત્રની નાનપણમાં જ મેસી સાથે મુલાકાત થઈ ગઈ છે.
મૉન્ફર્ટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા આ ફોટો સાથેની કૅપ્શનમાં લખ્યું છે, ‘બે લેજન્ડનો શુભારંભ.’
મેસી ત્યારે (2007માં) 20 વર્ષનો હતો અને તેની ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ થયાને માંડ બે વર્ષ થયા હતા. ત્યારે તેણે બાર્સેલોના ક્લબ વતી રમવાની શરૂઆત કરી હતી. બીજી રીતે કહીએ તો મેસીએ ત્યારે સુપરસ્ટાર બનવાની શરૂઆત કરી હતી અને યમાલ તો હજી એક વર્ષનો પણ નહોતો થયો.
ત્યારે (2007માં ) કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે મેસી ફૂટબૉલનો સુપરસ્ટાર બનશે અને યમાલ સ્પેનનો સ્ટાર ખેલાડી બનશે.
જોકે યમાલ સ્કૂલમાં ફૂટબૉલમાં કુશળ હોવાથી તેના પપ્પાએ તેમ જ તેના સ્કૂલના કોચે તેને ફૂટબૉલમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું અને તેને ટોચની ઍકેડેમીમાં તાલીમ અપાવી હતી. યમાલે નાની ઉંમરે ઘણી તાલીમ લઈ લીધી અને આ વખતના યુરોથી તેણે સ્પેન વતી રમવાની શરૂઆત કરી છે.