આખા દેશને વંદે ભારત ટે્રનથી આવરી લેવાશે: મોદી
જામનગર-અમદાવાદ સહિતની નવ ટે્રનને લીલી ઝંડી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર – અમદાવાદ સહિતની નવ વંદે ભારત ટે્રનને રવિવારે લીલી ઝંડી બતાવી હતી અને જણાવ્યું હતું કે આખા દેશને ટૂંક સમયમાં વંદે ભારત ટે્રનથી આવરી લેવાશે. અમારી સરકાર ભારતીય રેલવેના આધુનિકીકરણ અને સુરક્ષા માટે વધુ ધ્યાન આપી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે દેશના 1.40 અબજ લોકોના સ્વપ્નને સાકાર કરવા ટે્રનોને વધુ ઝડપી બનાવાઇ રહી છે તેમ જ આંતરિક માળખાનો વિકાસ કરાઇ રહ્યો છે.
નવી વંદે ભારત ટે્રન જામનગર-અમદાવાદ ઉપરાંત, ઉદયપુર-જયપુર, તિરુનેલવેલી-મદુરાઇ-ચેન્નઇ, હૈદરાબાદ-બેંગલૂરુ, વિજયવાડા-ચેન્નઇ (રેણિગુંટા થઇને), પટણા-હાવડા, કસારાગોડ-તિરુવનંતપુરમ, રુરકેલા-ભુવનેશ્વર-પુરી, રાંચી-હાવડા વચ્ચે દોડશે.
મોદીએ જે નવ વંદે ભારત ટે્રનને શરૂ કરાવી છે, તે ટે્રન 11 રાજ્ય (ગુજરાત, રાજસ્થાન, તમિળનાડુ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ)ને આવરી લે છે.
મોદીએ જણાવ્યું હતું કે આ નવી ટે્રનો ધાર્મિક અને પર્યટન સ્થળોને આવરી લે છે. દેશમાં અત્યાર સુધી પચીસ વંદે ભારત ટે્રન દોડે છે, તેમાં આજે વધુ નવી ટે્રન ઉમેરાઇ છે.
મોદીએ જણાવ્યું હતું કે ભારતે જી-20ની શિખર પરિષદના સફળ આયોજન, ચંદ્રયાન-થ્રી અને આદિત્ય-એલ-વન જેવી વિવિધ સિદ્ધિ મેળવી છે. વંદે ભારત ટે્રનોમાં આધુનિક સુવિધા સહિત અથડામણ રોકતી `કવચ ટૅક્નૉલૉજી’ જેવી સુરક્ષાનું ખાસ ધ્યાન રખાયું છે. આ ટે્રનોને લીધે પ્રવાસના સમયમાં ઘણો ઘટાડો થયો છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતીય રેલવેમાંના એક દિવસના મુસાફરોની સંખ્યા કેટલાક દેશોની કુલ વસતિ કરતાં પણ વધારે છે. અમારી સરકાર રેલવેને નવું આધુનિક સ્વરૂપ આપવા કાર્ય કરી
રહી છે.
આ પ્રસંગે દેશના નવ રેલવે સ્ટેશન ખાતે રાજ્યપાલો, મુખ્ય પ્રધાનો, કેન્દ્રના પ્રધાનો અને અન્ય જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
નવી વંદે ભારત ટે્રનોનો રંગ પણ નારંગી રખાયો છે. આ ટે્રનમાં આગની જલદી જાણકારી આપતી અને તેને ઠારતી યંત્રણા બેસાડાઇ છે. (એજન્સી) ઉ