ચૂડામાં ધોધમાર વરસાદમાં પુલ તૂટ્યો
ભોગાવોમાં ડૂબેલા દસમાંથી ચારનો બચાવ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે વઢવાણ તાલુકાના વસ્તડી અને ચૂડા ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો હતો. જેને કારણે પુલ પરથી જઇ રહેલા 10 લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની કેટલાક મીડિયા અહેવાલોએ નોંધ લીધી છે. વસ્તડી નજીક નેશનલ હાઇવેથી ચૂડા જઇ રહેલા ડમ્પર અને મોટરસાઇકલ સહિતના વાહનો પુલ તૂટી પડવાને કારણે ભોગાવો નદીમાં ખાબક્યા હતા. ઘટનાને પગલે સરપંચ સહિતના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. કામગીરી તરત શરૂ થવાને કારણે 4 લોકોને બચાવી લેવાયા હતા અને બાકીના 6 લોકોની શોધખોળ હજુ ચાલુ છે. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
જિલ્લા કલેક્ટર કે.સી.સંપતના જણાવ્યા મુજબ વસ્તડી-ચૂડાને જોડતો આ પુલ 40 વર્ષ જૂનો હતો. બ્રીજ પરથી ભારે વાહનોની અવરજવર પહેલેથી જ બંધ કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એવું જણાયું હતું કે એક ડમ્પર પસાર થઇ રહ્યું હતું તે સમયે ઓચિંતા જ પુલ તૂટી પડ્યો હતો. પુલના નવા બાંધકામ માટે માર્ગ મકાન વિભાગની પણ મંજૂરી મળી ગઇ હતી તેમ કલેક્ટરે જણાવ્યું હતું.