નેશનલ

એશિયન ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતે ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે જીત્યાં પાંચ મેડલ

હોંગઝોઉ : ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નો પ્રથમ દિવસ ભારત માટે સારો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ પ્રથમ દિવસે કુલ પાંચ મેડલ જીત્યા હતા. જેમાં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે રોઈંગમાં ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે.આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી છે. મતલબ કે ક્રિકેટમાં પણ મેડલ નિશ્ચિત છે.
શૂટિગમાં ભારતની મહિલા ટીમે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે રોઇંગમાં અણ લાલ જાટ અને અરવિંદસિંહ પુષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સની ફાઇનલમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ જ ઈવેન્ટમાં ચીનની ટીમ 6:23:16ના સમય સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ઉઝબેકિસ્તાનની ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.
ભારતની મહિલા શૂટિગ ટીમ રમિતા જિંદલ, મેહુલી ઘોષ અને આશી ચોકસીએ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં 1886ના સ્કોર સાથે બીજા ક્રમે રહી સિલ્વર મેડલ જીત્યો હતો. ચીને ગોલ્ડ અને મંગોલિયાની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા યુવા નિશાનેબાજ રમિતા જિંદલે એશિયન ગેમ્સમાં પ્રથમ દિવસે મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રમિતાએ શૂટિગમાં 230.1ના સ્કોર સાથે બે ચીની નિશાનેબાજ બાદ ત્રીજા સ્થાને રહી હતી.
ભારતીય ટીમને રોઇંગની પેયર ઇવેન્ટમાં બાબુલાલ યાદવ અને લેખરામે મેડલ અપાવ્યો હતો. ભારતીય જોડીએ 6:50:40 સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
ભારતને ચોથો મેડલ રોઇંગ-8 ઇવેન્ટમાં મળ્યો હતો. રોઇંગ-8માં નીરજ, નરેશ કલવાનિયા, નીતિશ કુમાર, ચરણજીત સિંહ, જસવિંદ સિંહ, ભીમ સિંહ, પુનિત કુમાર, આશિષ અને ધનંજય ઉત્તમ પાંડેએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
ભારતીય પુષ વોલીબોલ ટીમ 3-0થી હારીને એશિયન ગેમ્સની મેડલ રેસમાંથી બહાર કરી દીધી હતી. કેહાન તાકાહાશી 21 પોઈન્ટ મેળવીને જાપાનનો સ્ટાર ખેલાડી હતો અને તેણે એક કલાક અને 11 મિનિટમાં પોતાની ટીમની 25-16 25-18 25-17ની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારત તરફથી એરિન વર્ગીસ આઠ પોઈન્ટ સાથે ટોપ સ્કોરર રહી હતી. ભારત મંગળવારે પાંચમાથી છઠ્ઠા સ્થાનના વર્ગીકરણ મેચોમાં પાકિસ્તાન અથવા કતાર સામે ટકરાશે. ભારતીય બોક્સર પ્રીતિ એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણીએ જોર્ડનની એસ. અલહસનતને હરાવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં પ્રીતિનો સામનો કઝાકિસ્તાનની જેડ શેકેરબેકોવા સામે થશે.
ભારતીય તલવારબાજ તનિક્ષા ખત્રી વ્યક્તિગત એપે ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની બીજા નંબરની હોંગકોંગની ખેલાડી વાઈ વિવિયન સામે 7-15થી હાર્યા બાદ મેડલથી વંચિત રહી ગઈ હતી.
ભારતીય મહિલા રગ્બી સેવન્સ ટીમને રવિવારે અહીં એશિયન ગેમ્સની પ્રથમ બે મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પુલ એફમાં હોંગકોંગ સામે 0-38થી હાર સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યાર પછી ભારતને ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાન સામે 0-45થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો અને સેમિફાઈનલમાં પ્રવેશવાની તેની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈને ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. દક્ષિણ કોરિયાના જેહ્યુન એનએ હરમીત દેસાઈને 9-11, 8-11, 9-11થી હરાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button