શેર બજાર

સેન્સેક્સ વિક્રમી સપાટીથી ૯૧૬ પોઇન્ટ નીચે પટકાઇ અંતે ૪૦૦ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકવા અંગે અનિશ્ર્ચિતતા તોળાતી રાખી હોવાથી ડહોળાયેલા સેન્ટિમેન્ટ વચ્ચે રોકાણકારોે ખાસ કરીને મેટલ, ઓટો અને આઇટી શેરોમાં જોરદાર પ્રોફિટ બુકિંગનો મારો ચલાવ્યો હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટીએથી ઝડપી ગતિએ ગબડીને નેગેટિવ ઝોનમાં સરક્યા હતા. સેન્સેક્સ ૧૨૯.૭૨ પોઇન્ટની ઊંચી સપાટીએ ખૂલીને ૮૦,૪૮૧.૩૬ પોઇન્ટની નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જોકે તરતર જ ૯૧૫.૮૮ પોઇન્ટના કડાકા સાથે ૭૯,૪૩૫.૭૬ની નીચી સપાટીને અથડાઇને અંતે ૪૨૬.૮૭ પોઇન્ટ અથવા તો ૦.૫૩ ટકાના ઘટાડે ૭૯,૯૨૪.૭૭ પોઇન્ટના સ્તરે સ્થિર થયો હતો.

એ જ રીતે, નિફ્ટી ૨૪,૪૬૧.૦૫ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી ઊંચી સપાટીને અથડાયો હતો પરંતુ, તે પણ બધો જ સુધારો ગુમાવીને ૩૯૧.૪૦ પોઇન્ટના કડાકા સાથે ૨૪,૧૪૧.૮૦ પોઇન્ટની નીચી સપાટીને અથડાઇને અંતે ૧૦૮.૭૫ પોઇન્ટ અથવા તો ૦.૪૫ ટકાના ઘટાડે ૨૪,૩૨૪.૪૫ની સપાટીએ સ્થિર થયો હતો. એસયુવીની માગ વધારવા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભાવ ઘટાડો જાહેર કર્યો તેની પાછળ તેના શેરમાં છ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અગ્રણી ડિફેન્સ કંપની આરઆરપી એસફોરઇ ઇનોવેશને દેશમાં એસેમ્બ્લી સવલત માટે મેટ્રોપોલાઇટ ઇઝરાયલ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે.

જર્મનીના એઈસી અને મીડિયા ઇન્ડસ્ટ્રી માટે ગ્લોબલ સોફ્ટવેર પ્રોવાઇડર નેમેટશેક ગ્રૂપે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. આ કંપની વપરાશકારને પ્રોસેસ ડિજિટલાઈઝેશનમાં સહાય કરે છે. કંપની સ્કીલ ડેવલપમેન્ટ માટે ભારતીય શૈક્ષણિક સંસ્થા અને કંપનીઓ સાથે સહયોગ સાધશે. ભારતમાં ૯૫૦૦ નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇન પ્રોજેક્ટ છે. મહિન્દ્રા સિવાય સેન્સેક્સના સૌથી વધી ઘટનારા ટોચના શેરોમાં ટાટા સ્ટીલ, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી, સ્ટેટ બેન્ક, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા મોટર્સ અને કોટક મહિન્દ્રાનો સમાવેશ હતો. જ્યારે એશિયન પેઇન્ટ, એનટીપીસી, પાવરગ્રીડ, અદાણી પોર્ટ અને ભારતી એરટેલ ટોપ ગેઇનર્સ શેરોમાં હતા.વ્યાપક બજારમાં વેચવાલીનું દબાણ વધતાં નિફ્ટી મીડકેપમાં ૧૨૦૦ પોઇન્ટ સુધીનું ધોવાણ જોવા મળ્યું હતું. સત્રની શરૂઆતે કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની ચાલી રહેલી રેલીને કારણે ભારતીય શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જો કે, નાણાકીય શેરોમાં વેચવાલીનું દબાણ વધી જવાને કારણે બેન્ચમાર્કે આ ઊંચાઈથી ઝડપી પીછેહઠ કરી હતી. કુલ ટ્રેડેડ શેરોમાંથી ૨૫૭૪ શેરના ભાવમાં ઘટાડો અને ૧૩૬૫ શેરના ભાવમાં વધારો નોંધાયો હતો, બાકીના ૮૨ શેર મૂળ સ્તરે પાછાં ફર્યા હતા. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૬૯ ટકા અને મિડકેપ ઇન્ડેક્સ ૦.૧૯ ટકા ગબડ્યો હતો. એશિયાઇ બજારોમાં શાંઘાઇ અને હોંગકોંગ એક્સચેન્જમાં ઘટાડો અને સિઓલ તથા ટોકિયો એક્સચેન્જમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપના બજારોમાં મધ્ય સત્ર સુધી સુધારાનું હવામાન રહ્યું હતું જ્યારે, અમેરિકાના બજારો મંગળવારે મિશ્ર ટોન સાથે બંધ થયા હતા. બજારના સાધનો અનુસાર ભારતીય બજારમાં ભરપૂર પ્રવાહિતા છે અને અર્થતંત્ર મજબૂત છે. જોકે એક તરફ ઊંચા વેલ્યુએશન અને બીજી તરફ ફેડરલના ચેરમેન પોવેલએ વ્યાજ ઘટાડા બાબતે મગનું નામ મરી પાડવાનો ઇનકાર કર્યો એટલે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખોરવાયું હતું. ભારતમાં ચાલી રહેલા બુલ માર્કેટમાં ફાળો આપતા બે મહત્વપૂર્ણ પરિબળોમાં વૈશ્ર્વિક તેજી અને રિટેલ રોકાણકારો તરફથી ભારતીય બજારમાં ઠલવાઈ રહેલો સતત આંતરપ્રવાહનો સમાવેશ છે. આ બે પરિબળો અકબંધ રહ્યા છે. દરમિયાન અમેરિકાના એસએન્ડપી ૫૦૦ બેન્ચમાર્કે આ વર્ષે ભારતના નિફ્ટીના ૧૨.૩૮ ટકા રિટર્ન સામે અત્યાર સુધીમાં ૧૭.૬૦ ટકા જેટલું રિટર્ન આપ્યું છે. અમેરિકન માર્કેટ અત્યંત સારું પ્રદર્શન કરી રહ્યું હોવાથી વિદેશી ફંડો ઝડપથી ભારતીય બજાર તરફ ફંડાય એવી શક્યતા ઓછી છેે. નોંધવુ રહ્યું કે જૂનમાં રૂ. ૨૧,૨૬૨ કરોડને સ્પર્શતા એસઆઇપીના પ્રવાહ સાથે રિટેલ રોકાણકારોનો બજારમાં પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે. આ સકારાત્મક વલણો બજારને સ્થિતિસ્થાપકતા આપી શકે છે, તેમ છતાં વેલ્યુએશન ચિંતાનો વિષય છે. બજારના સાધનો અનુસાર હાલમાં સ્થાનિક અને વૈશ્ર્વિક પરિબળો તેજીવાળાની તરફેણમાં છે. વરસાદની પ્રગતિ અને ખરીફ વાવેતર આગળ વધવા સાથે ખાસ કરીને જેને વધુ લાભ મળવાનો છે એવા ઓટોમોબાઇલ અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં આકર્ષણ રહી શકે છે. રોકાણકારો કોર્પોરેટ ક્ષેત્રના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના પરિણામોની પ્રતીક્ષા કરી રહ્યાં છે, જેમાં નાણાકીય ડેટા અને આગામી સમય માટેના ગાઇડન્સ પરથી બજારને દિશા મળશે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ પણ મહત્ત્વનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…