લેડી વિરાટ કોહલી ‘તરીકે પંકાયેલી છે સ્મૃતિ ધન-ધનાધન’ મંધાના!
ક્રિકેટના મેદાન પર અવ્વલ ફટકાબાજીથી અનેક રેકોર્ડ સર્જનારી અને મહિલા લીગની હરાજીમાં રૂપિયા ૩ કરોડ ૪૦ લાખની જંગી રકમ મેળવી સૌથી મોંઘી મહિલા ખેલાડી સાબિત થનારી સદાય રમતિયાળ એવી સ્મૃતિ મંધાનાને નજીકથી ઓળખી લઈએ
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
પોતાના ‘ખાસ દોસ્ત’ પલાસ સાથે… કેક કાપીને તાજેતરમાં એકરાર: ‘પ્રેમ’માં હિટ વિકેટ!
આમ તો IPL લીગ પતી ગઈ.. ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય ટીમ વિશ્ર્વ વિજેતા ઠરી. આ બધા વચ્ચે આપણી મહિલા ક્રિકેટ ટીમ પણ દક્ષિણ આફ્રિકા વિમેન્સ ટીમ સામે ટી-૨૦ સિરીઝમાં જબરો દેખાવ કર્યો.
ક્રિકેટ ગેમના આવા ઉત્તેજનાભર્યા માહોલમાં બે ખેલાડીનાં નામ આજકાલ ક્રિકેટ ચાહકોમાં હોઠ પર વધુ રમી રહ્યાં છે. એમાંથી એકે છે જસપ્રીત બુમરાહ અને બીજું નામ છે સ્મૃતિ મંધાના ટી-૨૦ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ૧૫ વિકેટ ઝડપી લઈને આ ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો અવોર્ડ મેળવી ગયો તો ભારતીય મહિલા ટીમની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પણ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે એક પછી એક વન-ડેમાં શાનદાર ઈનિંગ્સ રમીને બધાને અવાક કરી દીધા. સ્મૃતિએ ત્રણ વન-ડેમાં ૩૪૩ રન ફટકારીને શ્રેણીની સર્વ શ્રેષ્ઠ ખેલાડી ખિતાબ મેળવી ગઈ. આ બન્ને ખેલાડીનો આવો બળુકો -પાવર પ્લે- પર્ફોમન્સ જોઈને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આ જૂન મહિનાના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરીને એમને વધાવી લીધા છે..
તાજેતરમાં જસપ્રીત બુમરાહ વિશે બહુ લખાઈ રહ્યું છે,પણ ‘લેડી વિરાટ કોહલી’ તરીકે ઓળખાતી આપણી મહિલા ટીમની ચૂલબૂલી સ્મૃતિની કેટલીક અજાણી વાત જાણી લેવા જેવી છે.
આના માટે આપણે થોડા ફ્લેશબેકમાં જવું પડશે..
એક સમયે પોતાના મોટા ભાઈને બેટ-બોલથી રમતા જોઈને સાત વર્ષની એક છોકરીએ એ જ વખતે મનોમન નક્કી કરી લીધું કે એ પણ ભાઈની જેમ બેટથી દડાને ફટકારવાની ગેમ રમશે.
કટ ટુ ૨૦૧૩
પેલી છોરી હવે ૧૬-૧૭ વર્ષની તરુણી થઈ ગઈ છે. મહિલાની અન્ડર નાઈન્ટીનની ટીમ વતી એણે બેવડી સદી ફટકારી..
કટ ટુ પ્રેઝ્ન્ટ ૨૦૨૩-૨૪ ..
પેલી લેડી ક્રિકેટર એટલે આજે વીમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના..! મહિલા લીગની હરાજીમાં સૌથી વધુ રકમ રૂપિયા ૩ કરોડ ૪૦ લાખ આપીને ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’એ સ્મૃતિ મંધાનાને પોતાની મહિલા ક્રિકેટ ટીમ માટે કરારબદ્ધ કરીને એને બેંગ્લોર મહિલા ટીમેની કેપ્ટન પણ બનાવી.મહિલા ક્રિકેટજગતમાં આવી વિક્રમસર્જક રકમ મેળવનારી સ્મૃતિ બહુ શરૂઆતથી અન્ય ખેલાડીઓ કરતાં અલગ તરી આવી છે. આપણે ત્યાં મહિલા ક્રિકેટના પ્રારંભથી કેટલીક ખેલાડી મેદાન પરના એમના છૂટાછવાયા પર્ફોર્મન્સને લીધે જાણીતી જરૂર થઈ હતી, પરંતુ ખરી નોંધ લેવામાં આવી મિતાલી રાજ – ઝુલન ગોસ્વામી જેવાં ખેલાડીની આગવી રમતથી. પોતાની બેટિંગ અને આક્ર્મક કેપ્ટનશીપથી ‘ગેમ ચેન્જર’ ગણાતી બેટધર મિતાલી અને પોતાની તેજ ગોલંદાજીથી ‘ચકડા એક્સપ્રેસ’ તરીકે ઓળખાતી ઝુલન જેવી ખેલાડીઓએ પૂરતાં સાધન-સુવિધા અને આર્થિક વળતરના અભાવ વચ્ચે પણ અનેક રેકોર્ડસ સર્જીને છેલ્લા બે દાયકામાં ભારતીય મહિલા ક્રિકેટની સિકલ પલટી નાખી હતી. એ પછી હરમનપ્રિત – સ્મૃતિ મંધના જેવાં નવા ચહેરા પણ એમની આગવી રમતને કારણે મહિલા ટીમને વધુ સશકત બનાવીને જાણીતા થયા.
કોઈ કામ આપણે સરળતાપૂર્વક કરી શકીએ તો કહીએ ‘આ તો મારા ડાબા હાથનું કામ છે’, પણ સ્મૃતિ મંધાના તો ડાબોડી ખેલાડી છે (એ બેટ્સમેન નહીં, બેટ્સવુમન છે !) એટલે બેટિંગ તો એના માટે ‘જમણા હાથ’નું કામ થયું! હકીકતમાં તો સ્મૃતિ જન્મેથી જમણેરી જ છે. એ પોતાનાં બધાં કામ એ ‘જમણા હાથે જ કરે છે, પરંતુ એના પપ્પાને ડાબેરી ખેલડીઓ પ્રત્યે વધુ લગાવ એટલે સ્મૃતિ અને એના ભાઈ શ્રવણે ડાબા હાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું..!
મેદાન બહાર હસતી રમતી ખુશમિજાજી સ્મૃતિ બેટિંગ કરવા બેટિંગ ક્રીઝ પર પહોંચે છે ત્યારે એનો મિજાજ પલટાઈ જાય છે.એની તરફ ફેંકાતા બોલ જાણે એના દાના દુશ્મન હોય તેમ એ પૂરતા ઝનૂનથી ફટકારે છે. સાવ અલગ શૈલીની એની આક્રમક રમત એની આગવી ઓળખ જરૂર છે, પણ જરૂર પડે તો પોતાની વિકેટ સાચવીને એ સંયમિત -સ્ટેડી બેટિંગ પણ કરી શકે છે.
એક રીતે કહો તો ૧૯૯૬માં મુંબઈના મારવાડી મંધાના પરિવારમાં જન્મેલી સ્મૃતિની રગેરગમાં ક્રિકેટ દોડે છે. પાછળથી પરિવાર સાથે સાંગલીના માધવનગરમાં વસી ગયેલા એના પિતા શ્રીનિવાસ અને ભાઈ શ્રવણ સાંગલીની ટીમ વતી જિલ્લા ક્રિકેટ રમ્યા છે. ભાઈને ક્રિકેટ રમતા જોઈને સ્મૃતિને પણ એનો એવો નાદ લાગ્યો કે એની આક્રમક બેટિંગને કારણે માત્ર ૯ વર્ષની વયે મહારાષ્ટ્રની અન્ડર – ૧૫ અને ૧૧ વર્ષની વયે અંડર – ૧૯ ટીમમાં એની પસંદગી થઈ. જો કે એણે વિક્રમ સર્જવાની શરૂઆત તો ગુજરાત સામેની વન-ડે મેચથી કરી.એમાં ૧૫૦ બોલમાં ૨૨૪ રન- ડબલ સેન્ચુરી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની. પછી તો એની ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટયાત્રાનો દમદાર દૌર શરૂ થઈ ગયો. ૨૦૧૭માં એણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જે રીતે ૯૦ રનની આતશબાજી દેખાડી એના કારણે આપણી મહિલા ટીમ વીમેન ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચી હતી.
સ્મૃતિના નામે અનેક સિદ્ધિઓ નોંધાયેલી છે. મહિલા વિશ્ર્વકપમાં સૌથી નાની વયે સેન્ચુરી ફટકારનારી એ ભારતીય ખેલાડી છે. ૨૦૧૭માં વેસ્ટઈન્ડિઝ સામેની વન-ડેમાં ૧૦૩ રનનો સ્કોર સ્મૃતિ મંધાનાના નામે આજે અંકિત છે. એ જ રીતે, ૨૦૧૯માં આઈસીસી મહિલા વન-ડે તથા ટી- ૨૦ ટીમ ઑફ ધ યરમાં પણ સ્મૃતિનો સમાવેશ થયો છે,જે કોઈ પણ ખેલાડી માટે ગૌરવની વાત ગણાય. એટલું જ નહીં, ૨૦૨૨માં સ્મૃતિ મંધાના બીજી વાર ‘આઈસીસી’ (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની ‘મહિલા ક્રિકેટર ઑફ ધ યર’ તરીકે પસંદ થઈ હતી. આ પહેલાં ૨૦૧૮માં પણ સ્મૃતિને આ બહુમાન મળ્યું હતું. ૨૦૨૧નું વર્ષ ભારતીય મહિલા ટીમ માટે સારું નહોતું ગયું ત્યારે ટીમમાં સ્મૃતિ જ એક માત્ર ખેલાડી હતી,જે બેટ દ્વારા સતત કમાલ કરતી રહી.
ક્રિકેટ ગ્રાઉન્ડ પર ૧૮ નંબરની જર્સી પહેરતી સ્મૃતિ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પોતાની ટીમ-સાથીઓની મજાક -મસ્તી કરવામાં સ્મૃતિ ભારે ખેપાની છે. ખાણી-પાણી અને ગીત-સંગીતની એ શોખીન છે. અરિજીતની ગાયકીની એ ચાહક છે.નવરાશમાં પુસ્તકો પૂરેપૂરાં વાંચવા કરતાં ઉથલાવી જવાનું એ વધુ પસંદ કરે છે. આમ તો એનો ફેવરિટ ક્રિકટર ઓસ્ટ્રેલિયાનો મથ્યુ હેડન છે,પણે સ્મૃતિ આજે શ્રીલંકાના કુમાર સંગકારા જેવા જ ટાઈમિંગ સાથે ધૂંઆધાર બેટિંગ કરે છે.
સ્મૃતિનો મોટો ભાઈ શ્રવણ અગાઉ મહારાષ્ટ્ર અંડર-૧૬ની ટીમમાં રમ્યો છે ત્યારે એની બેટિંગ પર ફિદા થઈને ભારતીય ક્રિકેટ ટીમના ‘ધ વોલ’ તરીકે મશહૂર ખેલાડી રાહુલ દ્રાવિડે એને પોતાનું એક બેટ ભેટ આપ્યું હતું.. એ બેટ આજે સ્મૃતિ પાસે છે. એનાથી એ હંમેશાં નેટ પ્રેકટિશ કરે છે અને એ જ્યાં પણ રમવા જાય ત્યારે પોતાની ક્રિકેટ કિટમાં આ બેટને ‘ગુડ લક’ તરીકે પોતાની સાથે જ રાખે છે..!
બેગ્લોરની પુરુષ આઈપીએલ ટીમમાં વિરાટ કોહલી છે અને મહિલા ક્રિકેટમાં ‘લેડી વિરાટ કોહલી’ ગણાતી અને હવે વીમેન આઈપીએલની આ સૌથી મોંઘી ખેલાડી (૩ કરોડ ૪૦ લાખ રૂપિયા!) સ્મૃતિ મંધાના બેંગ્લોરની મહિલા ટીમની કેપ્તનશિપ પણ સંભાળે છે.
૨૦૧૪માં ટી-૨૦ વિશ્ર્વ કપમાં ભારતીય ટીમ વતી રમવાનું હતું એટલે ૧૨મી ક્લાસની પરીક્ષા આપી ન શકી. એ જ રીતે, ત્યારબાદ ભારતીય ટીમ સાથે ઈગ્લેંડના પ્રવાસે જવાનું હોવાથી કોલેજમાં એડમિશન પણ ન લીધું સ્મૃતિને તો સાયન્સ વિષય લઈને આગળ ભણવું હતું ,પણ પોતાની દીકરીની ક્રિકેટર તરીકેની ભાવિ ઉજ્જવળ કેરિયરનો જાણે ખ્યાલ આવી ગયો હોય તેમ એની મમ્મી સ્મિતાજીએ એને સાયન્સમાં જતાં રોકીને કોમર્સ કરાવ્યું. મમ્મીનો આ નિર્ણય આજે મંધાના પરિવાર માટે કેવો લાભદાયક ઠર્યો છે એ તો હવે બધા જાણે છે !
આજે એના પપ્પા દીકરીની ક્રિકેટ કરિયરનું આયોજન કરે છે. મમ્મી એના ફૂડ અને ફિટનેસ પર નિગરાની રાખે છે,જ્યારે ભાઈ શ્રવણ તો આજે કેમિકલ્સના બિઝનેસમાં છે,પણ જ્યારે સમય મળે તો સ્મૃતિને એ નેટ પ્રેકટિશ કરાવે છે. કેરિયર -વ્યવસાયે ક્રિકેટર એવી ૨૭ વર્ષીય સ્મૃતિને જાહેરખબરો ઉપરાંત વિવિધ બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની પણ આવક છે. આજે એની નેટવર્થ આશરે રૂપિયા ૩૫ કરોડની છે.
૧ કરોડ ૨૦ થી વધુ ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સ ધરાવતી સ્મૃતિનું નામ એના બોયફ્રેન્ડ તરીકે સંગીતકાર પલાસ સાથે ઉછળે છે. પલાસ જાણીતી ગાયિકા પલક મુચ્છલનો નાનો ભાઈ છે.
સામેથી જો બાઉન્સર આવે તો કુશળ ખેલાડી જેમ માથું ઝુકાવીને સિફતથી બાજુ પર ખસી જાય તેમ સ્મૃતિ પણ બોયફ્રેન્ડ્ નામના આ ‘બાઉન્સર’નો કોઈ સત્તાવાર જવાબ અત્યાર સુધી જાહેરમાં આપતી નહોતી, પણ ‘બોય ફ્રેન્ડ’ પલાસ સાથે પાંચ વર્ષ પૂરાં થતાં આ અઠવાડિયે જ કેકે કાપીને એની ઉજવણી કરી પોતે પ્રેમમાં હીટ વિકેટ થઈ છે એનો એકરાર-સ્વીકાર સ્મૃતિએ હવે જાહેરમાં કર્યો છે..!