પાલિકાનો રેઢિયાળ કારભારઃ નાગરિકોને જરુરી સર્ટિફિકેટ લેવામાં હાલાકી
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા બર્થ સર્ટિફિકેટ (જન્મનો દાખલો) અને ડેથ સર્ટિફિકેટ (મૃત્યુ પ્રમાણપત્ર) છેલ્લા બે અઠવાડિયાથી નાગરિકોને નથી મળી શક્યા. અત્યારની સિસ્ટમ અપડેટ થઈ રહી હોવાથી – સુધારા વધારા કરવામાં આવી રહ્યા હોવાથી બર્થ સર્ટિફિકેટ અને ડેથ સર્ટિફિકેટ તાત્કાલિક ધોરણે નહીં મળી શકે એવી સ્પષ્ટતા પાલિકા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. પરિણામે પાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં જનતાને નિરાશ થવું પડી રહ્યું છે.
કેટલાક વર્ષ પહેલા જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા નાગરિકોએ અનેક દિવસો સુધી પાલિકાના વિભાગ કાર્યાલયમાં આંટાફેરા કરવા પડતા હતા. સર્ટિફિકેટમાં રહેલી ભૂલ સુધારવા નાગરિકોએ સંબંધિત અધિકારી અને કર્મચારીઓને વિનવણી કરવી પડતી હતી. કેટલાક વર્ષ પહેલા પાલિકાએ આ સર્ટિફિકેટો કમ્પ્યુટરની મદદથી ઉપલબ્ધ કરવાની શરૂઆત કરી હતી. પરિણામે નાગરિકોને રાહત થઈ હતી.
આ પણ વાંચો: ગેરકાયદે વીજ જોડાણ લેનારા ફેરિયાઓ સામે પાલિકા અને વીજ કંપનીની કાર્યવાહી
જોકે, છેલ્લા બે અઠવાડિયા દરમિયાન અનેક લોકોએ જન્મ દાખલો અને મૃત્યુ પ્રમાણપત્ર મેળવવા વિવિધ નગરી સુવિધા કેન્દ્રોમાં અરજી કરી છે, પણ તેમને આ બંને પ્રમાણપત્ર નથી મળી શક્યા. એ માટે નગરી સુવિધા કેન્દ્રોને લોગ – ઈન આપવામાં આવ્યા છે, પણ પ્રમાણપત્ર આપવાની સિસ્ટમ અપડેટ થઈ રહી હોવાથી જનતાને રાહ જોવી પડી રહી છે.