ITBP એ ભારત-ચીન સરહદ નજીક ૧૦૮ કિલો દાણચોરીનું સોનું જપ્ત કર્યું
લેહઃ ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ ભારત-ચીન સરહદ નજીકથી ૧૦૮ સોનાની લગડી જપ્ત કરી છે અને ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ જાણકારી સરહદ રક્ષક દળના એક અધિકારીએ આપી હતી.
અધિકારીના જણાવ્યા અનુસાર દાણચોરી કરાયેલા સોનાના જંગી જથ્થા ઉપરાંત જપ્તીમાં બે મોબાઇલ ફોન, એક બાયનોક્યુલર, બે છરીઓ અને કેક અને દૂધ જેવી અનેક ચાઇનીઝ ખાદ્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે આઇટીબીપી દ્વારા તેના ઇતિહાસમાં આ સૌથી મોટી સોનાની જપ્તી છે. જપ્ત કરેલી સામગ્રી કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે ૨૧મી બટાલિયન આઇટીબીપીના સૈનિકોએ મંગળવારે બપોરે પૂર્વી લદ્દાખના ચાંગથાંગ સબ-સેક્ટરમાં ચિઝબુલે, નરબુલા, ઝંગલે અને ઝાકલા સહિત દાણચોરોની ઘૂસણખોરીને રોકવા માટે લાંબી રેન્જ પેટ્રોલિંગ શરૂ કરી કારણ કે ઉનાળાની ઋતુમાં દાણચોરીની ગતિવિધિઓ વધી જાય છે.
આ પણ વાંચો: Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, આઠ નક્સલીઓ ઠાર
આઇટીબીપીને વાસ્તવિક નિયંત્રણ રેખાથી એક કિલોમીટર દૂર શ્રીરાપલમાં દાણચોરી અંગે બાતમી પણ મળી હતી. તેમણે કહ્યું કે ડેપ્યુટી કમાન્ડર દીપક ભટની આગેવાની હેઠળની પેટ્રોલિંગ પાર્ટીએ બે લોકોને ખચ્ચર પર જોયા અને તેમને ઉભા રહેવા કહ્યું હતું.
જોકે તેઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટીમ દ્વારા પીછો કરી તેમની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેઓએ દાવો કર્યો હતો કે તેઓ ઔષધીય છોડના ડીલર તરીકે કામ કરતા હતા, પરંતુ તેમના સામાનની તપાસ કરતાં મોટી માત્રામાં સોનું અને અન્ય વસ્તુઓની પુનઃપ્રાપ્તિ થઇ હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે તસ્કરોની ઓળખ ત્સેરિંગ ચંબા(૪૦) અને સ્ટેનઝીન ડોર્ગીયલ તરીકે કરવામાં આવી છે. બંને લદ્દાખના ન્યોમાં વિસ્તારના રહેવાસી છે. જપ્તીના સંબંધમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણેય ધરપકડ કરાયેલા લોકોની આઇટીબીપી અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે.