રાજ્ય વિધાનમંડળના બંને ગૃહોમાં મરાઠા મુદ્દે ધમાલ, કાર્યવાહી ખોરવાઈ
મરાઠા અનામતના મુદ્દે મુખ્ય પ્રધાન દ્વારા આયોજિત સર્વપક્ષી બેઠકનો વિપક્ષે કરેલા બહિષ્કારને મુદ્દે સત્તાધારી આક્રમક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન મંડળના બંને ગૃહોમાં બુધવારે ભારે ધાંધલ, ધમાલ અને ગોકીરો જોવા મળ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા મંગળવારે રાતે આયોજિત કરવામાં આવેલી સર્વપક્ષી બેઠકનો વિપક્ષ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે જ મુદ્દે બંને ગૃહોમાં સત્તાધારી પક્ષ આક્રમક થતાં વાદ-પ્રતિવાદ થયા હતા અને ભારે ધમાલને પગલે ગૃહની કાર્યવાહી આખા દિવસ માટે મોકૂફ રાખવાની ફરજ પડી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા આયોજિત કરવામાં આવેલી મરાઠા અનામતના મુદ્દે સર્વપક્ષી બેઠકનો વિપક્ષે સરકાર દ્વારા વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનું કારણ આપીને બહિષ્કાર કર્યો હતો.
વિધાનસભામાં પ્રિસાઈડિંગ ઓફિસર સંજય શિરસાટે ઉતાવળે દિવસનું કામકાજ હાથ ધર્યું હતું, જેમાં પૂરક માગણીઓને મંજૂરી આપી અને બજેટની જોગવાઈઓને મંજૂરી આપવાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ટેક્સ સંબંધી સુધારિત ખરડાને પણ ગૃહની કાર્યવાહી આખો દિવસ માટે મોકૂફ રાખવા પહેલાં મંજૂરી આપી દેવામાં આવી હતી.
ભાજપના અમિત સાટમ દ્વારા વિધાનસભામાં આ મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. તેમણે મરાઠાને ઓબીસી ક્વોટામાંથી અનામત અંગે વલણ સ્પષ્ટ કરવાનો પડકાર વિપક્ષને ફેંક્યો હતો. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ બે સમાજ વચ્ચે ઝઘડો કરાવવાનો પ્રયાસ કરે છે.
ભાજપના અન્ય એક વિધાનસભ્યે એવો દાવો કર્યો હતો કે વિપક્ષે સર્વપક્ષી બેઠકમાંથી છેલ્લી ઘડીએ પીછેહઠ કરી હતી. સત્તાધારી પક્ષના સભ્યો સભાગૃહના મધ્ય સ્થાને ધસી ગયા હતા અને વિપક્ષની ટીકા કરી હતી.
વિપક્ષી નેતા અને કૉંગ્રેસના સભ્ય વિજય વડેટ્ટીવારે એવો આક્ષેપ કર્યો હતો કે સરકાર સામાજિક વિભાજનને પ્રોત્સાહન આપી રહી છે અને જ્યારે તંગદિલીમાં વધારો થાય ત્યારે જ વિપક્ષનો સાથ માગે છે. તેમણે રાજ્યમાં પ્રવર્તમાન સામાજિક અશાંતી માટે મહાયુતીની સરકારને જવાબદાર ઠેરવી હતી.
ભાજપના વિધાનસભ્ય સંજય કુટેએ કહ્યું હતું કે આ પહેલાંની બધી જ સર્વપક્ષી બેઠકોમાં વિપક્ષ સહભાગી થયો હતો, પરંતુ કૉંગ્રેસ અને એનસીપીના નેતાઓ મરાઠા અનામતનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે મરાઠા સમાજને અનામત આપી હતી, પરંતુ વિપક્ષ તેને સુપ્રીમ કોર્ટમાં રોકવા માગે છે.
બીજી તરફ ભાજપના નેતાઓએ એવી માગણી કરી હતી કે વિપક્ષે મરાઠા સમાજ અને ઓબીસી સમાજની માફી માગવી જોઈએ. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે વિપક્ષને આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં કોઈ રસ નથી.
ધમાલ અને ગોકીરા વચ્ચે સ્પીકર રાહુલ નાર્વેકરે વારંવાર થોડા થોડા સમય માટે સભાગૃહનું કામકાજ મોકૂફ રાખ્યું હતું.
ફરી ગૃહનું કામકાજ ચાલુ થતાં ભાજપના નિતેશ રાણેએ એવી માગણી કરી હતી કે વિપક્ષ મરાઠા અનામતના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરે. અન્ય એક નેતાએ એવો દાવો કર્યો હતો કે છેલ્લી ઘડીએ સર્વપક્ષી બેઠકમાંથી ખસી જવાનું પગલું કોઈના ઈશારે લેવામાં આવ્યું હતું. કોનો મેસેજ કે ફોન આ બધાની પાછળ હતો એવો સવાલ કરવામાં આવ્યો હતો.
વડેટ્ટીવાર બોલવા ઊભા થયા કે સત્તાધારી સભ્યોએ ધમાલ કરી હતી.
ભાજપના વિધાનસભ્ય કુટેએ મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગેને અપીલ કરી હતી કે વિપક્ષની અવગણના કરવી કેમ કે તેઓ રાજકીય લાભ ખાટવા માટે સમાજમાં વિખવાદ કરી રહ્યા છે.
ભાજપના વિધાનસભ્યે એવી માગણી કરી હતી કે મરાઠવાડામાં ભાગલાવાદી સંદેશા ફેલાવનારા વિધાનસભ્યની એસઆઈટી (સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસ કરવી જોઈએ.
વિધાન પરિષદમાં પણ આવી જ રીતે ગૃહની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. ભાજપના પ્રવીણ દરેકરે એવો આક્ષેપ કર્યો હતો કે મહાવિકાસ આઘાડીના નેતાઓએ સર્વપક્ષી બેઠકમાં ગેરહાજર રહીને બેવડું ધોરણ અપનાવ્યું છે.
તેમના આક્ષેપને પગલે વિપક્ષી સભ્યો ઉશ્કેરાયા હતા. તેમણે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેને કારણે ગૃહમાં ધમાલ અને ગોકીરો થયો હતો.
ડેપ્યુટી ચેરપર્સન નીલમ ગોરે દ્વારા વારંવારની વિનંતી છતાં બંને પક્ષ મનતું જોખવા તૈયાર ન હોવાથી આખા દિવસ માટે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી.