દૂધમાં ભેળસેળ કરનારા સામે આકરી કાર્યવાહી થશે: અજિત પવાર
ભેળસેળ રોકવા માટે અત્યાધુનિક ટેકનોલોજી, મશીનરી, પૂરતું માનવબળ ઉપલબ્ધ કરાવવા ભંડોળ અપાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના નાગરિકોને ગાય અને ભેંસનું ભેળસેળમુક્ત દૂધ મળી રહે તે માટે દૂધમાં ભેળસેળ કરનારાઓ પર આકરી કાર્યવાહી કરવા બાબતે રાજ્ય સરકાર અત્યંત ગંભીર છે એમ જણાવતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે દૂધમાં ભેળસેળ રોકવા માટે અન્ન અને ઔષધ પ્રશાસનને અત્યાધુનિક ટેકનોલોજી, મશીનરી અને પૂરતું માનવ સંસાધન ઉપલબ્ધ કરાવવા માટે પૂરતું ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
દૂધમાં ભેળસેળના મુદ્દે ઉપસ્થિત કરવામાં આવેલા સવાલનો જવાબ આપતાં અજિત પવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે આ વિષયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દૂધમાં ભેળસેળ કરનારા માટે ફાંસીની સજા આપવાનો કાયદો કર્યો છે, પરંતુ આ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો. દૂધની ભેળસેળ માટે ફાંસીની સજા તુલનાત્મક રીતે ઘણી આકરી હોવાનો અભિપ્રાય રાષ્ટ્રપતિ કાર્યાલયનો હોઈ શકે છે આથી જ તેના પર હજી સુધી સહી કરવામાં આવી નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારે રાજ્યમાં દૂધ ઉત્પાદકોને સારા ભાવ મળી રહ્યા છે ત્યારે કેટલીક ઝૂંપડપટ્ટીઓમાં દૂધમાં ભેળસેળ કરવાનું કામ ચાલી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વધુ ભાવ હોય એવી બ્રાન્ડના દૂધમાં પાણી ભેળવવું, ઈંજેક્શન દ્વારા ભેળસેળ કરવી વગેરે માધ્યમથી ભેળસેળ થાય છે. આ બાબત ગંભીર છે અને સરકાર તેને રોકવા માટે આવશ્યક પગલાં લેશે.
Also Read –