ધર્મતેજ

કેરોલિના રીપર – પ્રકરણ-14

પ્રફુલ શાહ

આજે કામ નથી તો મુરુડ ઝંઝીરા ફોર્ટ જઇએ?

કિરણે મમતાને પૂછયું: ઓછી કે વધુ કડવાશ જ હતી. હવે થાય છે કે ક્યારેય મીઠાશ હતી ખરી?

વિકાસે ઇન્ટરનેટ પરથી હોટેલ પ્યૉર લવનું ઇ-મેલ એડ્રસ મેળવી લીધું: પછી સર્ચ એન્જિન વતી બનાવટી મેઇલ મોકલ્યો. “પ્રિય ગ્રાહક, ટેક્નિકલ કારણોસર આપનું આ ઇ-મેઇલ એડ્રસ આઠ કલાકમાં નિષ્ક્રિય થઇ શકે છે. આ ઇ-મેઇલ એડે્રસ સતત સક્રિય રાખવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરીને નવો પાસવર્ડ બનાવી દેવા વિનંતી. હેકિંગની શક્યતાને ધ્યાનમાં રાખીને આ પહેલ હાથ ધરાઇછે. આશા છે કે આપ સમજશો અને સહકાર આપશો.
વિકાસને લાગતું હતું કે હવે આ ઇ-મેઇલ એડે્રસ સાવ નકામું થઇ ગયું હશે. કદાચ કોઇ આ મેઇલ ન પણ જુએ. પરંતુ બે કલાકમાં લિન્ક પર ક્લિક થયું. નવો પાસવર્ડ બનાવાયો. આ બધી વિગત વિકાસને મળી ગઇ, ત્યારે લિન્ક પર ક્લિક કરનારાને ખબર ન પડી કે તેણે કેવી મહાભૂલ કરી હતી?
0 0 0
આસિફ પટેલ શેઠ અને બાદશાહ હોટેલના ડાઇનિંગ રૂમમાં બ્રેકફાસ્ટ લઇ રહ્યા હતા. ચહેરા પરની ઉદાસી છૂપાવવાની ચેષ્ટા સાથે બાદશાહે સૌથી પહેલા કડક ઢોસા મગાવ્યો, પછી ડબલ આમલેટ. છેલ્લે ચા સાથે કડક બ્રેડ ટોસ્ટ વીથ બટર. આસિફ પટેલ, ચૂપ બેઠા હતા. એમની કોફી ઠરી રહી હતી. કોઇને લાગે કે તે બાદશાહને જોઇ રહ્યો છે પણ હકીકતમાં ઊંડા વિચારમાં ગરકાવ હતો.
એનિથીંગ એલ્સ સર?” વેઇટરના સવાલ સાથે આસિફ પટેલ તંદ્રામાંથી જાગ્યો. તેણે માથું હલાવીને ના પાડી. બાદશાહ પણ બ્રેડ ટોસ્ટનો છેલ્લો ટુકડો મોઢામાં મૂકતા બોલ્યો, "ગંગા-જમુના જ્યુસ. કમ સક્કર, કમ બર્ફ. આસિફ શેઠને લાગ્યું કે આજે બાદશાહની ભૂખ ઉઘડી લાગે છે, પણ ઘણાં દુ:ખી હોય ત્યારે વધારે ખાઇ નાખે. વેઇટર ગયો એટલે ટોસ્ટ ચાવતા બાદશાહ સામે જોઇને આસિફ શેઠ બોલ્યા, "આજે કામ નથી તો મુરુડ ઝંઝીરા ફોર્ટ આટો મારી આવીએ?” આ સાંભળીને બાદશાહ એકદમ ચમકી ગયો. ફોર્ટ? ના, આજે મેળ નહીં ખાય. ખૂબ માથું દુ:ખે છે મારું. "અત્યાર સુધી તો એવું કંઇ બોલ્યો નહીં ને મસ્ત નાસ્તો કરતો હતો.” "એ તો બરાબર નાસ્તો કર્યો હોય તો સારી ઊંઘ આવે એટલે... આજે તો નહીં નીકળી શકાય મારાથી...” "જેટલી વાર મુરુડ ઝંઝીરા ફોર્ટ જવાનું પ્લાન કર્યું, એ બધીવાર કેન્સલ થયું. કમાલ કહેવાય ને?” "અરે ફરી ક્યારેક જઇશું. ફોર્ટ તો સદીઓથી ઊભો જ છે ને?” વધુ કંઇ બોલ્યા વગર બાદશાહ ઊભો થઇને ચાલવા માંડયો. આસિફ શેઠ એને જોઇ રહ્યાં. ત્યાં જ વેઇટરે આવીને જ્યુસનો ગ્લાસ મૂકયો "ગંગા-જમુના જ્યુસ સર” 0 0 0 મુખ્ય પ્રધાન સતીષ સાળવીએ મોબાઇલ ફોનમાં વીડિયો જોઇને ટેબલ પર મુઠ્ઠી પછાડી. દાંત ભીંસીને એક નંબર ડાયલ કર્યો. સામે છેડે મહારાષ્ટ્ર એટીએસના વડા કૌશલ નાગરેએ ઉત્સાહભેર ફોન ઉપાડ્યો "ગુડ મોર્નિંગ સર.” "તમે લોકો સવારના પહોરમાં દિવસ બગાડીને પછી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ન કરો.” "સોરી સર, શું થયું?” "મેં મુરુડ બ્લાટ્સ કેસ એટીએસને સોંપ્યો, બરાબર?” હા જી, થેંક યુ ફોર ધેટ”
“સાથે મેં શું કીધું હતું તમને, નાગરે?”
“એ જ કે તપાસમાં કોઇ કચાશ ન રહેવી જોઇએ.”
“રાઇટ, અને તમારા રાયગઢવાળો માણસ કંઇક ભળતું કહી રહ્યો છે.”
“વ્હૉટ હેપન? સર?”
“અરે કોઇ ચેનલને ઇન્ટરવ્યૂ શા માટે આપે છે? ચેનલ અને છાપામાં આવે છે કે હોટેલમાં માર્યા ગયેલા બધા આતંકવાદી હતા, તો એને રદિયો આપવાની શી જરૂર?”
“સર, હું વાત કરું છું એની સાથે.”
“એ જે હોય એને કહી દો કે કામ પર ધ્યાન આપો મીડિયાને વહાલા થવાના શોખ રહેવા દો.”
“યસ સર, બત્રાને સમજાવી દઉં છું.”
“સમજાવો નહિ, એને વૉર્નિંગ આપો વૉર્નિંગ. સમજયા નાગરે?” કહીને સીએમએ ફોન કટ કરી નાખ્યો.
કૌશલ નાગરે ફોન સામે જોઇને બબડયો, “પરમવીર બત્રાને વૉર્નિંગ? એ સાંભળી લેવાનો ચૂપચાપ?”
0 0 0
કિરણ છાપું જોઇ રહી હતી. મસાલા કિંગના લાપતા દીકરા આકાશ મહાજનનો કેમ કંઇ પત્તો લાગતો નથી. પોલીસ હાથ પર હાથ મૂકીને બેઠી છે. આ બધાની વચ્ચે આમ આદમીની સલામતીની શું?' આવું ઘણું-ઘણું છાપાઓમાં હતું. કિરણ ઇન્ટરનેટ પરથી લીધેલો આકાશનો હસતો ચહેરાવાળો ફોટો અખબારમાં જોઇ રહી, ત્યાં જ મમતા બન્ને માટે કોફી લઇને આવી. "લો ભાભી, સ્ટ્રોન્ગ કોફી બનાવી આપણા બન્ને માટે.” કિરણે કોફીના કપ અખબારની બાજુમાં મૂક્યો. મમતાએ પહેલો ઘૂંટડો ભર્યો કોફીનો ને મોઢામાંથી નીકળી ગયું. "સૉરી ભાભી, કડવાશ વધી ગઇ.” "ઓછી કે વધુ કદાચ કડવાશ જ હતી. હવે થાય છે કે શું ક્યારેય મીઠાશ નહોતી?” "ભાભી, પ્લીઝ આવું ન બોલો.” "તો શું બોલું મમતાબહેન. હવે એક પછી એક બધુ યાદ આવે છે. હું પાગલની જેમ એમને ચાહતી રહી. એમને કદાચ હું ક્યારેય ગમી નહીં. પરાણે લગ્ન કર્યા. હું મારા પરિવારમાં અને કામકાજમાં વ્યસ્ત રહેવા માંડી ને આકાશ મારાથી વધુને વધુ દૂર થતો ગયો. એટલો દૂર કે ન હું એને બોલાવી શકું. સાંભળી શકું, સમજી શકું કે સ્પર્શી શકું” "ભાભી, થોડા સમય પહેલાગ્રાઉન્ડ બ્રેકિંગ’ નામની બુક વાંચી હતી. એના લેખક ડૉ. હેલન ફિશરે એક સર્વેને ટાંક્યો છે. એમના કહેવા મુજબ લગ્ન બાહ્ય સંબંધ બાંધનારા 56 ટકા પુરુષો અને 34 ટકા સ્ત્રીઓ પોતાના લગ્ન -જીવનને સુખી માનતા હતા.”
“છતાં અફેર કેમ કરતા હતા એ વિશે કંઇ લખ્યું છે?’
“હા, અફેરના પરંપરાગત કારણો જાણીતા છે. અસંતોષ, અન્યાય, પરિવારમાં કંકાસ અને હિંસા વગેરે.”
“મારા અને આકાશ વચ્ચે તમે આવું કંઇ જોયું?”
“ના. પણ ડૉ. ફિશરના કહેવા પ્રમાણે અફેરનું સૌથી મોટું કારણ બોરડમ. આથી થ્રીલ, એકસાઇટમેન્ટ, એડવેન્ચર અને અટેન્શનનો ખંગ વળી જાય છે.” આટલું બોલીને મમતાએ જોયું તો કિરણ બારીમાંથી દૂર-દૂર ક્યાંક કંઇક જોતી હતી, કદાચ કંઇક શોધતી હતી.
0 0 0
વિકાસ ક્યારનો હોટેલ પ્યૉર લવનો ઇ-મેઇલ એકાઉન્ટમાં જોઇ રહ્યો હતો. આમાં એક નિયમ તેના ધ્યાનમાં આવ્યો. હોટેલમાં આવતા-જતા દરેક ગ્રાહકના નામ, સરનામા, ફોટો આઇડી, પેમેન્ટની વિગતો માલિક આસિફ શેઠને મોકલાતી હતી. એને આકાશ મહાજન સાથે પ્રિયાએ ચેક ઇન કર્યાનું દેખાતું પણ, ચેક-આઉટ નહોતું કરાયું!
“શું બન્ને ધડાકામાં ખતમ થઇ ગયા? ના, ના, દીદી સાથે આવું ન થાય. થઇ જ ન શકે. દીદીએ ચેકઆઉટ કર્યું હોય પણ હોટેલના કોમ્પ્યુટરમાં અપડેટ ન થયું હોય. કદાચ… કદાચ બહાર ગયા હોય, બીચ પર ગયા હોય કે ડિનર માટે કે શોપિંગ માટે હોટેલ બહાર ગયા હોય…”
વિકાસ ગળામાં ડુસ્કુ રોકીને હોટેલમાં હાજર ગ્રાહકોની વિગતોના પ્રિન્ટઆઉટ કાઢવા માંડ્યો. પહેલું પ્રિન્ટઆઉટ હાથમાં લીધું, જેમાં આકાશ-કિરણના ફોટા હતા. એ જોતી વખતે આંસુના બે ટીપાં પ્રિયાના ફોટા પર પડી જ ગયા.
0 0 0
રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન વિશ્વનાથ આચરેકરના પી. એ. નિશિથ કરંદીકરે પોતાના જૂના દોસ્ત અને રામગઢના પોલીસ વડા વીરેન્દ્ર મોરેને ફોન જોડ્યો. મોરેએ મોઢું બગાડીને ફોન ઉપાડ્યો, “બોલો, સર?”
“સાલા, હું સર ક્યાંથી થઇ ગયો. ભૂલી ગયો કે તારો દોસ્ત છું.”
“મુરુડ બ્લાસ્ટસની તપાસ અમારી પાસેથી લઇને એટીએસને આપી દેવાઇ ત્યારે આ દોસ્ત ક્યાં હતો?”
“અરે ભાઇ, ખુદ મારા સાહેબ એટલે કે આચરેકરજી અંધારામાં હતા, તો આપણે ક્યા ખેતરની મૂળી. બાકી મને ખબર હોય તો હું થવા દઉં? એટલીસ્ટ તને અગાઉ જાણ તો કરું કે નહીં?”
મોરે કંઇ ન બોલ્યો. કરંદીકર થોડા રોષમાં બોલ્યો,” અચ્છા તો દોસ્ત પર જ વિશ્વાસ નથી. તો મૂકી દઉ ફોન?”
“બસ, હવે ડ્રામા બંધ કર બોલ, કેમ ફોન કર્યો?”
“અરે અમસ્તો જ. ખબરઅંતર પૂછવા”
મોરે એકદમ હસી પડ્યો. “સાલા, આટલા ઓરિજિનલ જોક્સ ક્યારથી મારવા માંડયો. બોલ, શું કામ હતું?”
“અરે આચરેકર સાહેબ ખૂબ ગિન્નાયા છે આ કેસ એમની જાણ બહાર એટીએસને સોંપવાથી. એટલે તેઓ તપાસની રજેરજની માહિતીથી વાકેફ રહેવા માગે છે. તું મદદ કરીશને મને?”
“આમ તો હવે મામલો એટીએસના હાથમાં છે. છતાં મુરુડ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પ્રશાંત ગોડબોલેને થોડીઘણી ખબર હોઇ શકે ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન મેળવવા માટે આપું તને પરમવીર બત્રાનો નંબર?”
“તું પાગલ થઇ ગયો છે કે શું? હું રસ લઉં છું એવું થોડું જાહેર થવા દેવાય? તું જ બધું પૂછીને મને જણાવજે. પણ જલદી કરજે હો. કલાકમાં ફોન કરું છું. બાય?”
ફોન કનેકશન કટ થઇ ગયા પણ વીરેન્દ્ર મોરેના મગજમાં વિચારો ઘુમરાવા માંડ્યા. “કરંદીકર એક નંબરનો સ્વાર્થી છે. આ કેસની તપાસમાં તેણે કંઇ ખેલ તો નહીં પાડવો હોય ને?”
0 0 0
આ બ્લાસ્ટસ કેસમાં કોણ કેવા કેવા ખેલ પાડવાનું હતું એ તો કોઇ જાણતું નહોતું.
(ક્રમશ)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button