‘પુલનું કામ પૂરું કરાવી દો…” નીતીશ કુમાર અધિકારીના પગે પડ્યા! જાણો શું થયું
પટના: છેલ્લા કેટલાક દિવસોથી બિહારમાં સંખ્યાબંધ પુલ ધરાશાયી(Bihar bridge) થવાને કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. પુલ બનાવવામાં અધિકારીઓની કથિત મિલીભગત સામે લોકોમાં રોષ છે. બિહારમાં તંત્રના હાલ એવા છે કે સરકારી કામ પૂર્ણ કરાવવા મુખ્ય પ્રધાનને અધિકારીને આજીજી કરવી પડી રહી છે.
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર(Nitish Kumar)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નીતીશ કુમાર બ્રિજનું કામ પૂર્ણ કરાવવા માટે એક અધિકારીના પગે પડવાની વાત કરતા જોવા મળે છે.આ વિડીયો નીતિશ કુમાર પટનામાં જેપી ગંગા પથેના ગાયઘાટથી કનગણઘાટ સુધીના ભાગનું ઉદ્ઘાટન કરવા ગયા હતા ત્યારનો છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા પણ સ્થળ પર હાજર હતા.
સ્ટેજ પર બેઠેલા નીતિશ કુમારે એક અધિકારી કહ્યું કે જો તમે કહો તો હું તમારા પગે પડું, કઈ વસ્તુની જરૂર છે, અમને જણાવો. તમારે સરકારને કામ કરીને આપવું પડશે, આ વર્ષે કામ પૂર્ણ કરો. રસ્તામાં થોડે દૂર ગયા પછી રોકાવું યોગ્ય નથી. નીતીશ કુમારના આમ કહેવા પર અધિકારીએ કહ્યું કે સર, અમે કામ કરી દેશું.
નીતિશ કુમારે બાદમાં તે અધિકારી સાથે પણ અલગથી વાત કરી હતી. અધિકારીએ તેમને ખાતરી આપી કે આ બ્રિજનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. નીતીશ કુમારે કહ્યું કે આ પુલના નિર્માણથી ઉત્તર બિહારના લોકોને પટના આવવામાં ઘણી સુવિધા થશે. તેથી જ આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. અગાઉ આ પુલ બખ્તિયારપુર સુધી બનાવવામાં આવતો હતો. અમે ઉત્તર બિહારના વિવિધ વિસ્તારોને પટના સાથે જોડવા માટે ઘણા પુલ બનાવી રહ્યા છીએ.
નીતિશ કુમારે વધુમાં કહ્યું કે આનો સૌથી વધુ ફાયદો લોકોને થશે. અમને અગાઉ કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે પરંતુ તેમાં વિલંબ થયો. તેથી, અમે બધાની સામે કહ્યું છે કે હવે વધુ વિલંબ ન કરવો જોઈએ. તેના પર અધિકારીએ કહ્યું કે અમે આ બ્રિજનું કામ આ વર્ષે જ પૂર્ણ કરીશું.