ગૌતમ ગંભીર હેડ-કોચ બનતાં જ બે ગુજરાતી સહિત ત્રણ ખેલાડીની ટીમમાંથી બાદબાકી નકારી ન શકાય
નવી દિલ્હી: ઘણા લાંબા સમય બાદ અને અનેક અટકળો બાદ ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ-કોચના નામની જાહેરાત થઈ છે. ગૌતમ ગંભીરને આ મોટી જવાબદારી સોંપવામાં આવશે એ ઘણા અઠવાડિયાથી નક્કી જ હતું, પણ હવે 42 વર્ષના આ ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને કોલકાતા નાઇટ રાઇડર્સના ચૅમ્પિયન કૅપ્ટન તથા ચૅમ્પિયન મેન્ટરની ટીમ ઇન્ડિયાના મુખ્ય પ્રશિક્ષક તરીકે નિયુક્તિ થતાં એવું માનવામાં આવી રહ્યું છે કે કેટલાક યુવા ખેલાડીઓને ટીમમાં મોકો મળશે એટલે અમુક અનુભવી ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી થઈ શકે.
આ ત્રણમાંથી બે નામાંકિત ગુજરાતી ખેલાડી છે. થોડા સમયથી ટીમ ઇન્ડિયાની અમુક ફૉર્મેટમાંથી તેમની કોઈને કોઈ કારણસર બાદબાકી થઈ રહી છે, પણ હવે ગંભીરે હેડ-કોચ તરીકેનો અખત્યાર સંભાળતા પરિસ્થિતિ નવો વળાંક લઈ શકે.
આપણે જે ત્રણ પ્લેયરની વાત કરવા જઈ રહ્યા છીએ એમાં અજિંક્ય રહાણે, ચેતેશ્ર્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ છે.
થોડા વર્ષ પહેલાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયામાં કાબેલ કૅપ્ટન્સીથી ભારતને ઐતિહાસિક ટેસ્ટ-વિજય અપાવનાર અજિંક્ય રહાણે (Ajinkya Rahane)નું બૅટ થોડા સમયથી ખામોશ છે. એ જ કારણસર આ ખેલાડી સક્રિય હોવા છતાં ભારતીય ટીમની બહાર રખાયો છે. હવે તો ટેસ્ટ ફૉર્મેટમાં તેની વાપસી વધુ મુશ્કેલ થઈ લાગે છે. એક તો તે 36 વર્ષનો થઈ ગયો છે અને બીજું, તેનું બૅટ શાંત પડી ગયું છે. ટીમમાં તેના સ્થાને કોઈ યુવા ખેલાડીને સ્થાન અપાશે તો નવાઈ નહીં લાગે.
રહાણેની માફક ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટ ચેતેશ્ર્વર પૂજારા (Cheteshwar Pujara)નું બૅટ પણ થોડા સમયથી શાંત છે. આ જ કારણસર તેને થોડા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર રખાયો છે. 36 વર્ષના પૂજારાની ફિટનેસ પર પણ ક્યારેક સવાલ ઉઠ્યા છે. તેનો બહોળો અનુભવ જોતાં તેને થોડી તક અપાય તો નવાઈ નહીં, પણ આશાસ્પદ યુવા ખેલાડીઓની કરીઅર ડેવલપ કરવા કોઈ યુવા ખેલાડીને તેના સ્થાને ટીમમાં તક અપાશે તો આશ્ર્ચર્ય નહીં થાય.
થોડા સમયથી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)નો પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યો છે. તેની ફીલ્ડિંગ કાબિલેદાદ છે, પરંતુ બોલિંગમાં તે થોડા સમયથી સંઘર્ષ કરી રહેલો જોવા મળ્યો છે. બૅટિંગમાં પણ તેનો પર્ફોર્મન્સ પહેલા જેવો નથી દેખાતો. એના પરથી એવું માની શકાય કે તેને ફરી ફૉર્મમાં આવવા ગંભીર થોડી તક આપશે કે જેથી કરીને તે અસલ રિધમમાં આવી શકે.