શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઇ જાણીતી અભિનેત્રી
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉર્વશી રૌતેલાને ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમના હાથમાં ગંભીર ફ્રેક્ચર થયું છે, જેના પછી તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, ઉર્વશી હૈદરાબાદમાં નંદમુરી બાલકૃષ્ણની આગામી તેલુગુ ફિલ્મ NBK 109 પર કામ કરી રહી છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન અભિનેત્રી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
ઉર્વશીની ટીમે પણ અભિનેત્રીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે તેના હાથમાં ફ્રેક્ચર થયું છે. ઉર્વશીની ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી હાલમાં ઈજાના કારણે ખૂબ જ ચિંતિત છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સંપૂર્ણ સ્વસ્થ થતાં જ તે ફરીથી શૂટિંગ શરૂ કરશે.
| Also Read: ઝેરનું મારણ ઝેરઃ Urvashi Rautela ટ્રોલિંગ ગેંગનો આ રીતે કરે છે સામનો
અભિનેત્રી ઉર્વશી હાલમાં જ NBK 109ના ત્રીજા શેડ્યુલના શૂટિંગ માટે હૈદરાબાદ ગઇ હતી. હાલમાં ઉર્વશી બોલિવૂડમાં ખાસ સક્રિય નથી, પણ તે એક પછી એક દક્ષિણની ફિલ્મો સાઇન કરી રહી છે. NBK 109 ફિલ્મમાં તેની સાથે બોબી દેઓલ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ઉર્વશીની સાથે આ ફિલ્મમાં દુલકર સલમાન અને પ્રકાશ રાજ પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન બોબી કોલ્લી દ્વારા કરવામાં આવ્યું છે.
આ ફિલ્મ નવેમ્બર, 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2023માં શરૂ થયું હતું અને એક વર્ષમાં ફિલ્મ રિલીઝ માટે તૈયાર થઇ જશે. જોકે, તેની રિલીઝ ડેટ અંગે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.