
નવી દિલ્હી: આજે સાવરથી દેશના સાત રાજ્યોની 13 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી(By election) માટે મતદાન ચાલી રહ્યું છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબની ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. ગત લોકસભાની ચૂંટણી સમયે કેટલાક વિધાનસભ્યોએ પદેથી રાજીનામું આપી દીધું હતું, કેટલીક બેઠકો વિધાનભ્યોના નિધનને કારણે પણ કેટલીક બેઠકો ખાલી થઈ છે.
આજે બિહારની રુપૌલી, મધ્યપ્રદેશની અમરવાડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મંગગ્લોર, પંજાબની જલંધર, પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા, માનિકતલા, તમિલનાડુની વિકરાવંડી સીટ તેમજ હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢ સીટ પર આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર પેટાચૂંટણી માટે 14 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશનની છેલ્લી તારીખ 21 જૂન હતી. 24 જૂને સ્ક્રુટીની પૂર્ણ થઈ હતી. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામ 13 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે.
ઉત્તરાખંડમાં બે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. બદ્રીનાથ વિધાનસભા બેઠક કોંગ્રેસના વિધાનસભ્ય રાજેન્દ્ર ભંડારી માર્ચમાં રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા બાદ ખાલી પડી હતી. આ સિવાય મેંગલોર સીટ પર પણ મતદાન ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશમાં દેહરા, હમીરપુર અને નાલાગઢ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ ત્રણેય બેઠકો અપક્ષ વિધાનસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી હતી.
બિહારમાં લોકસભા ચૂંટણીમાં NDAની જંગી જીત બાદ એનડીએ અને INDIA મહાગઠબંધન ફરી એકવાર ચૂંટણી મેદાનમાં આમને-સામને છે. રુપૌલી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જનતા દળ યુનાઈટેડ અને આરજેડી ચૂંટણી મેદાનમાં આમને-સામને છે.
પશ્ચિમ બંગાળની ચાર વિધાનસભા બેઠકો માણિકતલા, રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બગદાહ પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આ ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો રાયગંજ, રાણાઘાટ દક્ષિણ અને બાઘા માંથી ભાજપના વિધાનસભ્યો શાસક પક્ષ TMCમાં જોડાયા હતા અને તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, જોકે તેઓ લોકસભા ચૂંટણીમાં હાર્યા હતા. TMC વિધાનસભ્યના મૃત્યુ પછી ખાલી પડેલી માણિકતલા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે.
મધ્યપ્રદેશની અમરવાડા વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. છિંદવાડા લોકસભા જીત્યા બાદ ભાજપ આ વિધાનસભા પણ જીતવા માંગે છે, જ્યારે કોંગ્રેસ અને કમલનાથ લોકસભાની હારનો બદલો લેવાના મૂડમાં છે.