વડોદરા હરણી લેક દુર્ઘટનાઃ ગુજરાત હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વનો આદેશ, અધિકારીઓની બેદરકારી…
અમદાવાદઃ વડોદરા હરણીકાંડ દુર્ઘટના અંગે ગુજરાત હાઈ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. વડોદરાના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર એચ. એસ. પટેલ અને વિનોદ રાવ સામે ખાતાકીય તપાસ અને શિક્ષાત્મક કાર્યવાહી અંગે હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.
હરણી બોટ કાંડમાં આ બંને અધિકારીની બેદરકારી પુરવાર થાય છે. થોડા દિવસ પહેલા ગુજરાત હાઇ કોર્ટમાં વડોદરાના હરણી લેક બોટ દુર્ઘટના કેસ પિટિશન અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજય સરકારના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
જોકે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ હાઈ કોર્ટમાં રિપોર્ટ અંગે સ્વીકાર કર્યો હતો કે, વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બને છે અને રાજ્ય સરકાર જવાબદાર તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા પણ તૈયાર છે. જેના પર ગુજરાત હાઇ કોર્ટ દ્વારા કડક ટિપ્પણી કરાઈ હતી કે આ રજૂ થયેલો રિપોર્ટ સંતોષકારક નથી.
આ પણ વાંચો : દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા સ્થાન પર
કમિટી દ્વારા રજૂ કરાયેલો રિપોર્ટ શબ્દોની માયાજાળમાં સત્યને છુપાવવા માગતો હોવાનું અવલોકન કર્યું હતું. આ સાથે જ કોર્ટે એ પણ ટકોર કરી હતી કે, જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે કરે નહીં એ ચલાવી શકાય નહીં. સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કોર્ટની માફી માંગી અને આશ્વાસન આપ્યું હતું કે આ પ્રકારની દુર્ઘટનામાં સરકાર કોઈને છોડવા માંગતી નથી.
અહીં એ જણાવવાનું કે એક અધિકારી તો નિવૃત્ત થયા છે, જ્યારે બીજા અધિકારી સચિવ તરીકે ફરજ બજાવે છે. જોકે, આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું કોર્ટે નોંધ્યું હતું. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ પલટી જતાં 14ના મોત થયા હતા, જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થયો હતો.