ઈન્ટરવલ

ઇવી સામે પોર્ક વૉર

યુરોપ સાથેના વ્યાપાર યુદ્ધમાં ચીન અજમાવશે ડુક્કરગીરી !

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

આ લેખનું શીર્ષક વાંચીને ડુક્કર અંગે કલ્પનાના ઘોડા દોડાવવાનું શરૂ ના કરશો, અલબત્ત વાત ચીનની છે એટલે કશું કહી ના શકાય! યુદ્ધના મેદાનમાં ચીન જો વાઇરસ ઉતારી શકે તો ડુક્કર પણ ઉતારી શકે! જોકે આ વાત આર્થિક યુદ્ધની છે. ચીને પોતાનાં વ્યાપારી હિતોના રક્ષણ માટે યુરોપની દુખતી નસ દબાવવાનો વ્યૂહ અપનાવ્યો છે.

આ વિષય કદાચ સહેજ અપ્રસ્તુત જણાય પરંતુ વ્યાપાર સેગમેન્ટ માટે આ એક અગત્યની ઘટના છે. ઉપરાંત ભારત સાથે પણ વૈશ્ર્વિક વેપારમાં અમેરિકા સહિતના દેશ અનેક વખત પરોક્ષ રીતે અવરોધો ઊભા કરતા રહ્યાં છે એવા સંજોગોમાં, આ દાખલા પરથી ભારતીય નીતિ ઘડવૈયાઓ પણ નવો માર્ગ મેળવશે.

યુરોપમાં ચાઇનીઝ ઈલેક્ટ્રિક વાહનોની નિકાસ કૂદકેને ભૂસકે વધી રહી છે અને તે યુરોપના કાર ઉદ્યોગ માટે મોટી ચિંતાનો વિષ્ાય છે. આ ચિંતાના ઉકેલ માટે ચાઇનીઝ ઇન્વેઝનને અવરોધવા માટે યુરોપના દેશ ટેરીફ દરની વૃદ્ધિનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે.

ઈલેક્ટ્રિક વાહનો (ઇવી) સંદર્ભે યુરોપ અને ચીન વચ્ચે સતત વધી રહેલા વ્યાપાર સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. યુરોપના દેશ જેમ જેમ ચાઈનીઝ ઈવી પર ટેરિફ લાદે છે, તેમ તેમ ચીને ટિટ-ફોર-ટેટ વ્યૂહરચના અંતર્ગત, ખાસ કરીને પોર્ક (ડુક્કરનું માંસ) ઉદ્યોગમાં યુરોપિયન ખેડૂતોને નિશાન બનાવીને બદલો લેવાનું શરૂ કર્યું છે.

ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે, ઇલેક્ટ્રિક વાહનો નવા વેપાર યુદ્ધ માટે ટ્રિગર બની શકે છે. ચીનના સસ્તા અને કાર્યક્ષમ ઇવી પર જકાત વધારીને યુરોપ તેની સૌથી દુખતી નસ પર ફટકો મારી રહ્યું છે ત્યારે, ચીન પણ યુરોપને ફટકો મારવા સોફ્ટ ટાર્ગેટ શોધી રહ્યું છે. હાલ ચીનને પોર્કમાં આ સોફટ ટાર્ગેટ જણાઇ રહ્યું છે.

યુરોપિયન કમિશને જણાવ્યું હતું કે ચાઇનીઝ ઇવી સબસિડી અંગેની તેની ચાલી રહેલી તપાસના પ્રાથમિક પરિણામો દર્શાવે છે કે ચીનની બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ વેલ્યૂ ચેઇનને ‘ગેરવાજબી સબસિડી’ને આધારે લાભ મેળવી રહી છે, જે ઇવીના હરીફ ઉત્પાદકોને નુકસાન પહોંચાડે છે.

કમિશને જણાવ્યું હતું કે તે ચીનથી મોકલવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનો પર ૩૮.૧ ટકા સુધી કામચલાઉ ટેરિફ લાદવાની યોજના ધરાવે છે. આ તમામ ઈમ્પોર્ટેડ ઈવી પર લાદવામાં આવતી ૧૦ ટકા ડ્યુટીની ઉપરાંત રહેશેે.

કમિશને યુરોપના ત્રણ સૌથી મોટા ચાઈનીઝ ઈવી ઉત્પાદકો પર લક્ષ્ય રાખ્યું હતું અને કહ્યું હતું કે તે બીવાયડીની ઇલેક્ટ્રિક કાર પર ૧૭.૪ ટકા, ગીલીની કાર પર ૨૦ ટકા અને ચીનની સરકારી માલિકીની સેઇક દ્વારા નિકાસ કરાયેલાં વાહનો પર ૩૮.૧ ટકા વધારાની ડ્યૂટી લાદશે.

આ જાહેરાત સાથે જ ચીને યુરોપનું નાક દબાવવા માટે તેનું પેઈન પોઈન્ટ શોધવા મચી પડ્યું અને શોધ પૂરી પણ કરી લીધી. ચીને કોઇ કંપની નહીં પરંતુ યુરોપના ખેડૂતોને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું. આ એવો ખેડૂત સમુદાય છે કે જે સમગ્ર યુરોપમાં ઘણો રાજકીય પ્રભાવ ધરાવે છે.

એક તરફ ચાઈનીઝ ઓટોમેકર્સે તેમની સરકારને ચીની બનાવટની ઈવીની નિકાસ પરનાં નિયંત્રણોના બદલામાં આયાતી યુરોપિયન ગેસોલિન સંચાલિત કાર પર ટેરિફ વધારવા વિનંતી કરી છે, ત્યારે ચીને વધુ સંવેદનશીલ દબાણ બિંદુ શોધી કાઢ્યું છે અને તે છે, યુરોપિયન સંઘના દેશોમાંથી આયાત કરાયેલ ડુક્કરનું માંસ!

ચાઇનીઝ ઉદ્યોગે યુરોપિયન યુનિયનમાંથી થઇ રહેલી ડુક્કરના માંસ (પોર્ક)ની આયાત સામે એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરવા માટે ઔપચારિક રીતે અરજી કરી છે, સરકારી સમર્થન ધરાવતા ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ અનુસાર ચાઇના અન્ય દેશો સાથેના વેપાર વિવાદમાં ખાદ્ય ઉત્પાદનોને લક્ષ્ય બનાવવા માટે જાણીતું છે.

બીજિંગ સ્થિત ક્ધસલ્ટન્સી ટ્રિવિયમ ચાઇનામાં કાર્યરત કૃષિ વિશ્ર્લેષક ઇવન પે એ રોઇટર્સને જણાવ્યું છે કે, ચાઇનીઝ સરકારના તર્ક અનુસાર ખેડૂતોને જ્યારે ચીનનું વિશાળ બજાર ગુમાવી દેવાનો ફટકો પડે એટલે તે દેશના ચૂંટાયેલા અધિકારીઓને તેની તાત્કાલિક અસર પહોંચે છે.

ઉદ્યોગના આંતરિક સાધનોએ ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે, જો ડુક્કરની આડપેદાશો (પોર્ક બાય -પ્રોડક્ટ્સ)ની ચીનમાં નિકાસ કરવી મુશ્કેલ બને તો યુરોપિયન ઉત્પાદકોને તે ઉત્પાદનોને સમાવવા માટે પૂરતું નવું બજાર ભાગ્યે જ મળશે, જેની ઇયુ પીગ પ્રાઇસ પર ચોક્કસ અસર પડશે, અને યુરોપિયન ખેતી પર પણ અસર કરશે. એકવાર નકારાત્મક અસર થાય પછી તે પુન:સ્થાપિત કરવું મુશ્કેલ બનશે. યુરોપની ખેડૂત લોબી, યુરોપિયન યુનિયન પોર્ક પર ચાઇનીઝ જકાત હળવાશથી નહીં લઇ શકશે.

યુરોપની સૌથી મોટી ખેડૂત લોબી, કોપા-કોગેકામાં વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે કાર્યરત કેસેનિજા સિમોવિકે જણાવ્યું હતું, કે કમિશને એ સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે ફરી એક વાર અમારું ક્ષેત્ર અન્ય ક્ષેત્રોને લગતા વ્યાપારી વિવાદોનો ભોગ ના બનવું જોઇએ.

અગ્રણી ઇયુ પોર્ક એક્સપોર્ટર સ્પેને જણાવ્યું હતું કે બીજિંગે એન્ટિ-ડમ્પિંગ તપાસ શરૂ કરવાની જાહેરાત કરી ત્યારબાદ તે નુકસાનકારક ટેરિફને ટાળવા માટે યુરોપિયન યુનિયનના અધિકારીઓ સાથે ચર્ચાવિચારણાં કરી રહ્યું છે. ચીનની તપાસ મુખ્યત્વે સ્પેન, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને ડેનમાર્કને લક્ષ્યાંકિત કરે છે, જે ચીનમાં પોર્કના ત્રણ સૌથી મોટા ઇયુ નિકાસકારો છે.

એક્સપોર્ટ કો-ઓર્ડિનેટિંગ બોડી, બેલ્જિયન મીટ ઓફિસના મેનેજર જોરિસ કોએનેન અનુસાર, યુરોપિયન પોર્ક સેગમેન્ટ માટે ચાઇનીઝ બજાર ખૂબ જ નિર્ણાયક છે. એક મહત્ત્વનું કારણ ચીનનું વિશાળ કદ છે. ચાઇનીઝ બજારનું પ્રમાણ એટલું મોટું છે કે કોઈ અવગણી શકે નહીં.

૨૦૨૩માં, ચીને આશરે ૩.૫ બિલિયન મૂલ્યના પોર્કની આયાત કરી હતી, અને તેનો લગભગ પચાસ ટકા ભાગ ઇયુ દેશોમાંથી આવ્યો હતો, ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ, સ્પેને ચીનમાં ૮૬૫.૩ મિલિયન મૂલ્યના પોર્કની નિકાસ કરી હતી, જે ૨૦૨૩માં ચીનની કુલ ડુક્કરની આયાતમાં લગભગ ૨૫ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે ડેનમાર્કે ૨૮૮.૯ મિલિયન મૂલ્યના પોર્કની નિકાસ કરી, જે ૮.૩ ટકા હિસ્સો ધરાવે છે.

ચીનના જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ અનુસાર, નેધરલેન્ડની પોર્ક એક્સપોર્ટ કુલ ૨૬૭.૩ મિલિયન અને ફ્રાન્સની ૧૫૨.૮ મિલિયન સુધી પહોંચી હતી. ઇન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રોએ ગ્લોબલ ટાઇમ્સને જણાવ્યું હતું કે ચાઇના કાન, નાક, પગ અને અન્ય ભાગો સહિત ઇયુમાંથી પિગ બાય-પ્રોડક્ટની આયાત કરે છે.

આ નિકાસ યુરોપને વિશાળ બજાર પ્રદાન કરે છે. આ ઓર્ડરોને પ્રતિબંધિત અથવા સમાપ્ત કરવાથી યુરોપિયન પોર્ક ઇન્ડસ્ટ્રીના વ્યવસાયમાં નોંધપાત્ર નુકસાન થશે. ચીન પોર્કની આયાત માટે બ્રાઝિલ અને રશિયા જેવા વૈકલ્પિક સ્રોેતો શોધી શકે છે.

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વરિષ્ઠ ચાઇના વિશ્ર્લેષક ચિમ લીએ જણાવ્યું હતું કે, પોર્ક વોરએ જર્મનીને ડારવાની ચીનની રીત પણ હોઈ શકે છે, જે ચાઇનીઝ ઇવીને ફટકો મારવાની ઇચ્છા ધરાવે છે અને અન્ય યુરોપિયન દેશો પર દબાણ કરે છે.

સરવાળે યુરોપને પોતાનો ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગ બચાવવા છેડેલા વ્યાપાર યુદ્ધમાં ચાઇનાની ડુક્કરગીરીની વ્યૂહરચના ભારે પડી શકે એવો તાલ દેખાય છે. ભારતે આમાંથી એવી શીખ મેળવવી જોઇએ કે જ્યારે પણ ભારતની નિકાસ સામે ગેરવાજબી રીતે અવરોધ ઊભા કરવામાં આવે ત્યારે આ રીતે એટેક ઇઝ ધી બેસ્ટ ડિફેન્સની નીતિ અપનાવી શકાય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button