આમચી મુંબઈમહારાષ્ટ્ર

જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી ડો. બાબાસાહેબનું બંધારણ બદલાશે નહીં: મુખ્યમંત્રી એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિપક્ષી પાર્ટીઓએ ખોટો નેરેટિવ ફેલાવીને સમાજને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો કે લોકસભાની ચૂંટણીમાં બંધારણ બદલાશે અને અનામત બંધ કરવામાં આવશે. પણ જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી ડો. બાબાસાહેબનું બંધારણ બદલાશે નહીં એવી ખાતરી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે આપી હતી. તેઓ દલિત પેન્થર ઓર્ગેનાઈઝેશનની 52મી વર્ષગાંઠના સમારોહમાં બોલી રહ્યા હતા. શિવશક્તિ અને ભીમ શક્તિને સાથે લાવવાનું કામ બાળાસાહેબ ઠાકરે અને નામદેવ ઢસાલે કર્યું હતું અને અમે મિત્રતાના આ વારસાને આગળ ધપાવીશું, એમ પણ મુખ્ય પ્રધાને કહ્યું હતું.

બાળાસાહેબ અને ઢસાલ બંને કડક શબ્દોમાં બોલવાનો સ્વભાવ ધરાવતા હતા. એકવાર બોલ્યા પછી પાછા લેવાની દરકાર બંનેમાંથી કોઈને નહોતી. બંને આક્રમક અને સમાજને પ્રભાવિત કરનારા નેતાઓ તરીકે જાણીતા હતા, એમ પણ તેમણે જણાવ્યું હતું. નામદાવ ઢસાલે દલિત સમાજની વેદના અને પીડાને તેમની કવિતાઓ દ્વારા આક્રમક રીતે રજૂ કરી હતી. તેમની કવિતાઓએ સાહિત્ય જગતનું ધ્યાન ખેંચ્યું હતું.

એકનાથ શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે દેશ ડો. બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણ પર ચાલે છે. આ બંધારણને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ માનવામાં આવે છે. આ બંધારણમાં તમામ સામાન્ય, વંચિત અને પીડિતોને ન્યાય મળવો જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે 2015માં બંધારણ દિવસની ઉજવણીની શરૂઆત કરી હતી. લંડનમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ઘરને સ્મારક બનાવવામાં આવ્યું હતું. ઈન્દુ મિલમાં દુનિયાની ઈર્ષ્યા થશે એવું બાબાસાહેબનું ભવ્ય સ્મારક રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈઃ ઉદ્ધવ ઠાકરે

એકનાથ શિંદેએ કહ્યું હતું કે દલિત સમાજના તમામ વર્ગોને ન્યાય આપવા માટે સામાજિક ન્યાય વિભાગ કાર્યરત છે. વર્તમાન સરકાર લોકોને માગ્યા વગર તેમની જરૂરિયાતો પૂરી કરી રહી છે.
અમેરિકામાં બ્લેક પેન્થર નામના સંગઠનથી પ્રભાવિત થયા બાદ 1972માં રાજ્યમાં દલિત પેન્થરની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે રાજા ઢાલે, નામદેવ ઢસાલ જેવા યુવાનોએ આ ચળવળ શરૂ કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે શિવસેનાનો વાઘ છે અને તમારો કૂદકો મારતો વાઘ છે. દલિત પેન્થર ડૉ. બાબાસાહેબ આંબેડકરના શીખો, સંગઠિત થાઓ અને સંઘર્ષના સૂત્રથી પ્રેરિત થઈને કામ કરી રહ્યું છે.

સરકારના બે વર્ષના ગાળાના કામની સરખામણી એ પહેલાના અઢી વર્ષના કામ સાથે કરીએ તો તફાવત નજરે પડે છે. સરકાર ઘરે બેસીને ચાલતી નથી એવો ટોણો મુખ્ય પ્રધાને ઉબાઠાને લગાવ્યો હતો અને કહ્યું હતું કે સામાન્ય લોકોની પીડા સમજવી પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં માતાઓ અને બહેનો માટે મુખ્યમંત્રી માઝી લાડકી બહેન યોજના શરૂ કરી છે. તેમણે કહ્યું કે આ સરકાર રાજ્યના સામાન્ય લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કામ કરશે, મુખ્ય પ્રધાન તેમના હક્કના ભાઈ છે. અમે એક વર્ષમાં મહિલાઓને ત્રણ સિલિન્ડર મફત આપીશું. વરિષ્ઠ નાગરિકો માટે એસટી બસમાં રાહત, યાત્રાળુ દર્શન યોજના શરૂ કરી છે, ખેડૂતોના વીજ બિલ માફ કરાયા છે. છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંપૂર્ણપણે મફત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે 10 લાખ યુવક- યુવતીઓને રૂ. 10,000ની સ્કોલરશીપ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button