Human organ racket: દિલ્હીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ નો પર્દાફાશ, મહિલા ડોક્ટર સહીત 7ની ધરપકડ
દિલ્હી પોલીસે મંગળવારે હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ (Human organ transplant racket)નો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે મહિલા ડૉક્ટર સહિત સાત લોકોની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ પાછળનો ‘માસ્ટર માઈન્ડ’ બાંગ્લાદેશી છે અને આ કેસમાં ડોનર અને રિસીવર બંને બાંગ્લાદેશના હતા. આ રેકેટમાં સામેલ તમામ લોકોના બાંગ્લાદેશ સાથે સંબંધ હોવાની આશંકા છે.
એક નિવેદનમાં, દિલ્હી પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે રસેલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે દર્દીઓ અને ડોનરની વ્યવસ્થા કરતો હતો અને ટ્રાન્સપ્લાન્ટમાં સામેલ એક મહિલા ડૉક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે.”
આ કેસમાં ધરપકડ કરાયેલા સાત લોકોની તપાસ હજુ ચાલુ છે. અહેવાલ મુજબ આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટ 2019 થી ચાલી રહ્યું હતું. પોલીસના જણવ્યા મુજબ આરોપીઓ દરેક ટ્રાન્સપ્લાન્ટ માટે ₹25-30 લાખ લેતા હતા.
જે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, તેનો બે કે ત્રણ હોસ્પિટલો સાથે સંબંધ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં મહિલા ડોક્ટર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટસુવિધા કરી આપતી હતી, એ જાણવા છતાં પણ કે દાતા અને પ્રાપ્તકર્તા વચ્ચે લોહીના સંબંધો નથી, જેથી તેનું કામ ગેરકાયદેસર હતું.
ભારતના હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અધિનિયમ (2014) મુજબ, અંગ દાન માત્ર માતા-પિતા અને ભાઈ-બહેન જેવા નજીકના લોહીના સંબંધો ધરાવતા લોકો વચ્ચે જ થઇ શકે છે. કોઈપણ ભારતીય જીવંત દાતા વિદેશી પ્રાપ્તકર્તાને તેમના અંગોનું દાન કરી શકે નહીં સિવાય કે તેઓ પ્રાપ્તકર્તાના નજીકના સંબંધી હોય.