સંસદમાં અભદ્ર વર્તન બાદ કેમેરાની સામે આવ્યા રમેશ બિધુડી, મીડિયાને કહ્યું ‘નો કમેન્ટ્સ’
બસપા સાંસદ દાનિશ અલી સામે અભદ્ર ભાષાપ્રયોગને કારણે ટીકાઓનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ રમેશ બિધુડી કેમેરાથી અંતર જાળવતા જોવા મળ્યા હતા. જ્યારે મીડિયાએ તેમને સમગ્ર બનાવ વિશે પૂછ્યું ત્યારે તેઓ ‘નો કમેન્ટ્સ’ કહી આગળ વધી ગયા અને તે પછી તેમણે ઉમેર્યું હતું કે “ઘટનાની તપાસ ઓમ બિરલા કરી રહ્યા છે, મારે કોઇ ટિપ્પણી કરવી નથી.”
લોકસભા સાંસદ રમેશ બિધુડીએ ગુરૂવારે ચંદ્રયાન-3 મિશન પર ચર્ચા દરમિયાન લોકસભામાં બસપા નેતા કુંવર દાનિશ અલી સામે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમની ટિપ્પણીઓને સંસદના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને ‘જો ફરી આવું થાય તો કડક કાર્યવાહી થશે’ તેવી ચેતવણી આપી હતી.
ભાજપે તેમના આ વ્યવહાર બદલ કારણદર્શક નોટિસ પાઠવી હતી. જેમાં કહેવાયું હતું કે અસંસદીય ભાષાપ્રયોગને કારણે તેમની સામે શા માટે કાર્યવાહી ન થવી જોઇએ. સમગ્ર મામલે વિપક્ષે પણ હોબાળો મચાવી રમેશ બિધુડી સામે પગલા લેવાની માગ કરી હતી. જો કે ભાજપે વિપક્ષ પર પણ એવો આક્ષેપ લગાવ્યો હતો કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતાપિતા સામે અપમાનજનક ટિપ્પણી કરી છે.
બસપા સાંસદ દાનિશ અલીએ નિવેદન આપ્યું હતું કે જો રમેશ બિધુડી સામે પગલા ન લેવાય તો તેઓ સાંસદપદ છોડી દેશે. તેમણે જણાવ્યું હતું કે જો મારી જેવા ચૂંટાયેલા સભ્ય સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય માણસની શું હાલત થાય? મને આશા છે કે મને ન્યાય મળશે, નહિંતો હું સાંસદપદ છોડવાનો વિચાર પણ કરી રહ્યો છું તેમ દાનિશ અલીએ જણાવ્યું હતું.