અરૂણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી કેટલાક જિલ્લાઓમાં જમીની સંપર્ક તૂટ્યો

ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશમાં વરસાદને કારણે સર્જાયેલા ભૂસ્ખલનને લીધે રાજ્યના કેટલાક જિલ્લાઓ સાથેનો જમીની સંપર્ક ખોરવાઇ ગયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અહેવાલ મુજબ શુક્રવારે શી-યોમી જિલ્લામાં ભૂસ્ખલનથી એક વ્યક્તિ દટાઇ ગઇ હતી. કુદરતી આફતના કારણે એપ્રિલથી અત્યાર સુધીમાં રાજ્યમાં ચાર લોકોના મોત થયા છે. લોહિત અને અંજાવ જિલ્લાના મોમ્પાની વિસ્તારમાં તેઝુ-હાયુલિયાંગ માર્ગ અવરોધિત છે. જ્યારે ભૂસ્ખલનને કારણે ક્રા દાદી જિલ્લામાં દારી-ચમ્બાંગ અને પાલિન-તારકલેંગડી વાયા લાંગદાંગ ગામ પીએમજીએસવાય માર્ગ અવરોધિત છે.
એક અહેવાલ અનુસાર પૂર્વ સિયાંગ જિલ્લામાં ગેઇંગ ખાતે એનએચ ૫૧૩ પણ અવરોધિત છે. અરુણાચલમાં આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં ૭૨,૯૦૦થી વધુ લોકો અને ૨૫૭ ગામો પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.
પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ, પુલ, નહેરો, પાવર લાઇન, ઇલેક્ટ્રિક પોલ, ટ્રાન્સફોર્મર્સ અને પાણી પુરવઠા પ્રણાલીને પણ વ્યાપક નુકસાન થયું છે. રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં ૧૬૦ રસ્તાઓ, ૭૬ પાવર લાઇનો, ૩૦ ઇલેક્ટ્રિક પોલ, ૩ ટ્રાન્સફોર્મર, ૯ પુલ, ૧૧ નહેર અને ૧૪૭ પાણી પુરવઠા પ્રણાલીને નુકસાન થયું છે. આ ઉપરાંત ૬૨૭ કાચા અને ૫૧ પાકાં મકાનો અને ૧૫૫ ઝૂંપડાને નુકસાન થયું છે.
ઇટાનગરને બાંદેરદેવા સાથે જોડતા મહત્વના એનએચ-૪૧૫ સાથે કારસિંસા બ્લોક પોઇન્ટ પર એક વિશાળ ભૂસ્ખલન થયું, જેના કારણે રાજધાની ઇટાનગર પ્રશાસનને મુસાફરોની સલામતી માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી. ડેપ્યુટી કમિશ્નર શ્વેતા નાગરકોટી મહેતા દ્વારા સ્થળનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યા પછી રસ્તો બંધ કરવાનો અને તમામ ટ્રાફિકને ગુમટો થઇને ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.