વરસાદની અસર: મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહો સ્થગિત
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા અને પરિષદને સોમવારે આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી કારણ કે મુંબઈ અને રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદને કારણે ઘણા વિધાનસભ્યો અને કેટલાક અધિકારીઓ વિધાનસભા સંકુલ સુધી પહોંચી શક્યા નહોતા.
સવારે 11.00 વાગ્યે નીચલું ગૃહ દિવસ માટે શરૂ થતાંની સાથે જ વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે ભારે વરસાદને કારણે મુંબઈમાં લોકોને પડી રહેલી સમસ્યાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં ચોમાસા પહેલાની તૈયારીનો અભાવ હોવાનું જોવા મળ્યું છે.
આ પણ વાંચો: ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર 50 ફ્લાઈટ્સને અસર, જુઓ એડવાઇઝરી
આ અંગે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે જણાવ્યું હતું કે મુંબઈમાં 300 મીમી (રાતમાં) વરસાદ નોંધાયો છે અને ઘણા વિધાનસભ્યો અને પ્રધાનો હજુ વિધાનસભા સંકુલમાં પહોંચ્યા નથી.
કોરમ પણ ન હોવાથી હું 1.00 વાગ્યા સુધી ગૃહને સ્થગિત કરી રહ્યો છું એમ તેમણે કહ્યું હતું.
જ્યારે ગૃહ ફરી એકઠું થયું ત્યારે નાર્વેકરે કહ્યું હતું કે વિધાનસભાના કર્મચારીઓને ઘરે પાછા ફરવાની આવશ્યકતા છે અને ઘણા વિધાનસભ્યો અને પ્રધાનો પણ પહોંચી શક્યા નથી.
હાઇ ટાઇડ બપોરે 1.27 વાગ્યે હતી એવી માહિતી પણ તેમણે આપી હતી.
આ પણ વાંચો: મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સિંધુદુર્ગ જિલ્લામાં (24 કલાકમાં) 216.5 મીમી વરસાદ નોંધાયો હતો અને ઉમેર્યું હતું કે 374 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
વડેટ્ટીવારે એવી માગણી કરી હતી કે ચોમાસુ સત્ર ઓછામાં ઓછું એક દિવસ લંબાવવામાં આવે. 12મી જુલાઈએ પણ વિધાન પરિષદની ચૂંટણી હોવાથી વિધાનસભાની કામગીરી પર અસર થશે.
ભારે વરસાદને કારણે ગટરમાંથી કાઢવામાં આવેલો કચરો હવે ત્યાં પાછો ગયો છે એમ જણાવતાં ભાજપના નેતાએ કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાની માગણી કરી હતી.
બાદમાં નાર્વેકરે ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી.
ડેપ્યુટી ચેરપર્સન નીલમ ગોરે દ્વારા વિધાન પરિષદ પણ આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, ઘણા વિસ્તારોમાં રેલવે ટ્રેક ડૂબી ગયા
રાજ્યના વિવિધ ભાગોમાં તેમજ મુંબઈમાં ભારે વરસાદને કારણે ઘણા વિધાનસભ્યો અને રાજ્યના અધિકારીઓ સત્રમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી શક્યા ન હતા એમ તેમણે જણાવ્યું હતું.
ગોરેએ રાજ્ય સરકારને વર્લી હિટ એન્ડ રનની ઘટના પર મંગળવારે ઉપલા ગૃહમાં નિવેદન કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.