કલા મહાકુંભ યોજનારી ગુજરાત સરકાર 15 વર્ષથી કલા શિક્ષકોની ભરતી કરતી નથી
અમદાવાદઃ દરેક બાળક ગણિત-વિજ્ઞાનમાં પારંગત નથી હોતો, ઘણા બાળકોમાં એક કલાકાર છુપાયેલો હોય છે, જેને એક શિક્ષક પિછાણે છે અને તેને કલાકાર બનાવમાં મદદ કરે છે. ચિત્રકલા પણ આમાંની એક છે. પીંછી લઈને રંગ દોરવાની કલા સાથે કૌશલ્ય અને તેની બારીકાઈ સમજાય ત્યારે તે બાળક કલાના વિષયોનો રોજીરોટી માટે પણ ઉપયોગ કરી શકે છે. એવા કેટલાય ક્ષેત્રો છે જ્યાં એક યા બીજી કલામાં પારંગત લોકોની માગ છે, પણ ગુજરાત સરકાર આ બાબતે ઉદાસિન હોવાનું જણાઈ છે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં માધ્યમિક અને પ્રાથમિક શાળામાં 24,700 શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કલા શિક્ષકોની છેલ્લા દોઢ દાયકાથી ભરતી કરવામાં આવી નથી. રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ હકારાત્મક અભિગમ બતાવામાં આવ્યો નથી, તેમ એક અહેવાલ જણાવે છે. ત્યારે કલા શિક્ષક સંઘ દ્વારા વધુ એકવાર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં મૂળભૂત અને પાયાના જે વિષયો છે કે જે વિષયોમાંથી વિદ્યાર્થી પોતાની સર્જન શક્તિ નિખારી શકે છે, તેના શિક્ષકોની ભરતી કરવાની માગણી કરી છે.
સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ કલા મહાકુંભ અને કલા મહોત્સવ જેવા ઉત્સવ થાય છે, પણ ચિત્ર શિક્ષકની ભરતી થતી નથી. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે છેલ્લા 15 વર્ષથી રજૂઆત કરી છે તેમ છતાં સરકાર આ દિશામાં કેમ વિચાર કરતી નથી, તેવા સવાલો નિષ્ણાતો અને શિક્ષકવિદો ઊભા કરી રહ્યા છે.
સંગઠનના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ટેટ અને ટાટના 24,700 શિક્ષકોની ભરતી કરાશે ત્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ટેટ અને ટાટ પાસ થયેલા ચિત્રકલા વિષયની 10 ટકા ટકા ભરતી કરવામાં આવે તેવી ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘની રજૂઆત છે.
ભરતી નહીં થવાના કારણે નોકરીની આશાએે 20 વર્ષથી બેઠેલા ઉમેદવારો અને તેમનો પરિવાર બેરોજગારીમાં પીસાઈ રહ્યો છે. જો આ બાબતે સરકાર નહીં વિચારે તો આગામી સમયમાં કાર્યક્રમો ઘડી રાજ્ય વ્યાપી આંદોલન કરવા અમે મજબૂર થશું તેમ પણ તેમણે જણાવ્યું હતું.