શું કરે સરકાર? પીએમ આવાસ યોજનાના પૈસા મળતા જ પતિ છોડી આટલી પત્નીઓ ભાગી ગઈ
![As soon as the PM Awas Yojana money was received, so many wives left their husbands and ran away](/wp-content/uploads/2024/07/Yogesh-2024-07-08T130335.011.jpg)
નવી દિલ્હી: દરેકને ઘરનું ઘર મળે તે માટે રાજ્ય અને કેન્દ્રની સરકારો ઘણી યોજના બહાર પાડતી હોય છે. મોદી સરકારે પીએમ આવાસ યોજના અંતર્ગત કરોડો ઘર બનાવ્યા છે, પણ સરકારની આ સ્કીમનો લોકો આવો ગેરલાભ ઉઠાવશે તે કોઈએ ક્યારેય વિચાર્યું નહીં હોય. (PM Awas Yojna)
આવો એક કિસ્સો ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં બન્યો છે. અહીં પીએમ આવાસ યોજનાનો પહેલો હપ્તો મેળવનાર 11 મહિલાઓ પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. મામલો બહાર આવ્યા બાદ પ્રશાસને હવે તપાસ શરૂ કરી છે. આ મામલો યુપીના મહારાજગંજના નિચલૌલા બ્લોકનો છે. નાણાકીય વર્ષ 2023-24માં 108 ગામોમાં 2,350 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ લાભાર્થીઓમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે. પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો 40 હજાર રૂપિયા છે.
મકાનો બનાવવાની સરકારી યોજના હેઠળ પ્રથમ હપ્તો ચૂકવવામાં આવ્યો હતો. મકાન તો બનતા બનશે પણ ઘર-સંસાર ઉજડી ગયા જેવી હાલત આ પુરુષોના પરિવારની થઈ ગઈ. અહેવાલો અનુસાર, જિલ્લાના નિચલૌલ બ્લોક હેઠળ આવતા એક ગામની 11 મહિલાઓ પોતાનું ઘર છોડીને ભાગી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ આવાસ યોજનાનો પહેલો હપ્તો લીધા બાદ તે પોતાના પતિને છોડીને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. હવે પરિવારો પરેશાન છે અને ઉજડી ગયેલા સંસારને જોઈ રડી રહ્યા છે.
લાભાર્થી પરિવારોને સતાવી રહી છે ચિંતા
એક લાભાર્થી સ્ત્રીની સાસુએ કહ્યું કે વહુના નામે હપ્તો આવે છે. વહુ તો ભાગી ગઈ છે, હવે અમારી પાસે પૈસા વસૂલવા કોઈ આવશે તો અમે પૈસા ક્યાંથી આપશું.
તે જ સમયે અન્ય લાભાર્થી મહિલાના સસરાએ કહ્યું કે, બહુના નામે પ્રધાનમંત્રી આવાસની પસંદગી કરવામાં આવી હતી. મેં એક હપ્તો ભર્યો, પણ બાકીના પૈસા ઉપાડી વહુ ભાગી ગઈ. હવે અધિકારીઓ આવી રહ્યા છે અને પૂછપરછ કરી રહ્યા છે, પણ અમારી પાસે પૈસા નથી અમારે શું જવાબ આપવો તે સમજાતું નથી.
બીજો હપ્તો રોકવાની માંગ
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ મહિલાઓના પતિઓએ પોલીસનો સંપર્ક કર્યો અને બીજા હપ્તાની રકમ રોકવાની માગણી કરી. પરિવારજનોએ જિલ્લા વહીવટીતંત્રને વિનંતી કરી છે કે તેઓ ખાતામાં બીજો હપ્તો ન મોકલે.
આ કિસ્સામાં, મહારાજગંજના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે જેમણે મકાનો બનાવવા માટે પૈસાનો ઉપયોગ કર્યો નથી, તેઓએ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે કે આવા તમામ લાભાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમની સામે સરકારી ભંડોળ પાછું ખેંચવામાં આવે.
પતિઓની પરેશાનીનો નથી પાર
પત્નીના જવાથી પરેશાન પતિઓ સામે બે સમસ્યા ઉભી થઈ છે. પ્રથમ સમસ્યા એ છે કે બાંધકામનું કામ હજુ શરૂ ન થયું હોવાના કારણે તેમને શહેરી વિકાસ એજન્સી દ્વારા નોટિસ મોકલવામાં આવી રહી છે. બીજી સમસ્યા એ છે કે વિભાગ દ્વારા વસૂલાતનો ભય ઉભો થયો છે. અને તેના કરતા પણ વધારે જેમની સાથે જીવન વિતાવવાના સપના જોયા હતા, તે જીવનને દોજખ કરીને જતી રહી છે.