નેશનલમનોરંજન

Happy Birthday: માતાએ નરક જેવી જિંદગીમાંથી બહાર કાઢી બનાવી હીરોઈન, આજે છે બડે ઘર કી બહુ

આજે એક ખૂબ જાણીતી અને 60 વર્ષ પાર કરી ચૂકેલી અભિનેત્રીનો જન્મદિવસ છે. હાલમાં તો તે એક ખૂબ ઊંચા ખાનદાનની વહુ, સુપરસ્ટારની મા, તેટલી જ હીટ હીરોઈનની સાસુ છે, પણ તેણે જે જીવન જોયું છે અને તે જે માહોલમાંથી નીકળીને આવી છે તે કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી.

તો આ વાર્તાની શરૂઆત કંઈક એવી છે કે હરજીત સિંહ નામની એક દસેક વર્ષની કુમળી છોકરીને તેના કાકા-કાકી એક કોઠા પર તવાયફ તરીકે બેસાડી આવ્યા હતા. બાળકી જવાન થઈ અને તેણે આ જીવન સ્વીકારી લીધું. અહીંના જ એક દલાલ ફતેહ સિંહ સાથે તેના લગ્ન થયા, પણ તે કોઠામાં જ કામ કરતી રહી. બન્નને એક દીકરી થઈ તેનું નામ રાઝી સિંહ. રાઝી આ જ માહોલમાં રહી પણ તેના સપનાં ઊંચા હતા. રાઝીને હીરોઈન બનવું હતું, પણ માતા-પિતાએ ઝાટકીને ના પાડી. રાઝી 22 વર્ષની ઉંમરે પોતાના સપના લઈ દિલ્હી ભાગી આવી. અહીં તે મિલમાં કામ કરતી હતી. મિલના દર્શન સિંહ નામના કામદાર સાથે તેને પ્રેમ થયો અને બન્નેએ લગ્ન કર્યા. બન્નેને પણ એક દીકરી થઈ જેનું નામ હરનીત કૌર રાખવામાં આવ્યું. હરનીત પાંચેક વર્ષની હશે ત્યાં રાઝી અને દર્શન તેની સાથે મુંબઈ આવ્યા. રાઝીના સપનાં પાછા જાગ્યા અને તેણે ફિલ્મોમાં કામ મેળવવાની કોશિશ કરી, પણ કંઈ થયું નહીં. ઉંમર વધતી ગઈ રાઝી નિરાશ થતી ગઈ. તેવામાં રાઝીને વિચાર આવ્યો કે પોતે તો હીરોઈન ન બની પણ તે દીકરી હરનીતને હીરોઈન બનાવશે. હરનીત માટે તેમે કામ શોધવાનું પસંદ કર્યું ને મળ્યું પણ. રાજશ્રી પ્રોડક્શને તેને ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ આપ્યું. ત્યારબાદ તો તેણે ઘણી સારી ફિલ્મો કરી અને તેને નવું નામ મળ્યું બેબી સોનિયા. દો કલિયાં ફિલ્મમાં તેનો ડબલ રોલ અને ગીત બચ્ચે મન કે સચ્ચે ખૂબ જ ફેમસ થયા. પણ માતાને ચિંતા થવા લાગી કે દીકરી ખાલી ચાઈલ્ડ આર્ટિસ્ટ બનીને ન રહી જાય. ત્યારબાદ ત્રણ-ચાર વર્ષ માટે તે કયાંક ગાયબ થઈ ગઈ અને ફરી આવી 1973માં દીકરીને લઈને અને દીકરીને નામ આપ્યું નીતૂ સિંહ. (Neetu singh)હા આ એ જ નીતૂ સિંહ છે જેને આજની પેઢી રણબીર કપૂરની મા તરીકે વધારે ઓળખે છે. (Kapoor family)

8મી જૂલાઈ, 1958 જન્મેલી હરનીત આજે 66 વર્ષની નીતૂ કપૂર બની ગઈ છે. નીતૂએ પહેલી ફિલ્મ રણધીર કપૂર સાથે કરી અને તે ફ્લૉપ ગઈ. ત્યારબાદ તેની યાદોં કી બારાત ફિલ્મ આવી અને નીતૂ હીટ થઈ ગઈ. અમિતાભ બચ્ચનથી માંડી પોતાના જમાનાના મોટા સ્ટાર સાથે કામ કરનાર નીતૂએ ઋષી કપૂર સાથે ઘણી ફિલ્મો કરી ને તેને દિલ દઈ બેઠી. માતાને આ સંબંધ પસંદ ન હતો કારણ કે કપૂર ખાનદાનની વહુઓ એક્ટિંગ કરતી ન હતી અને નીતૂ ત્યારે ખૂબ જ સફળ હીરોઈન હતી, પણ પ્રેમ જીતી ગયો અને નીતૂએ ઋષી કપૂર સાથે 1980માં લગ્ન કરી દીધા. બન્ને ને રણબીર અને રિદ્ધીમા નામે સંતાનો થયા. રણબીરને કોઈ ઓળખાણની જરૂર નથી. રણબીરની પત્ની આલિયા પણ સફળ અભિનેત્રી છે. હાલમાં નીતૂ રાહાની દાદી પણ છે અને ફિલ્મો અને ટીવી શૉમાં કામ કરે છે. એ માતાને સલામ જેણે દીકરીને આવી સારી જિદંગી આપવાનું બીડું ઉઠાવ્યું.

નીતૂ કપૂરને જન્મદિવસની શુભકામના.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button