અમદાવાદઆપણું ગુજરાત

અમદાવાદમાં માતાએ પુત્રીની હત્યા કરી, લગ્નજીવન બન્યું કારણ

અમદાવાદઃ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં માતાની મમતાને લજવતી ઘટના બની છે. જેમાં લગ્નજીવનથી નાખુશ અને પતિ સાથે તલાક લેવામાં નડતરરૂપ બનેલી દીકરીને તેની સગી માતાએ મોતને ઘાટ ઉતારી દીધી છે.

સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા અને કાપડના પ્રિન્ટિંગ કારખાનામાં નોકરી કરતા આમિનના લગ્ન બે વર્ષ અગાઉ જમાલપુરમાં રહેતી રિઝવાના નામની યુવતી સાથે થયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં એક 10 મહિનાની પુત્રી ફાતિમા હતી. પતિ આમિન કામ પર ગયો હતો, ત્યારે તેની પત્નિએ તેને ફોન કર્યો હતો. જેમાં ફાતિમાને ગળાના ભાગે લોહી નીકળતું હોવાથી વી.એસ. હોસ્પિટલ લઈ ગઈ હોવાનું જણાવ્યું હતુ. આથી આમિન તાત્કાલિક વી.એસ. હોસ્પિટલ પહોંચ્યો હતા. જ્યાં ફરજ પરના તબીબોએ ફાતિમાને મૃત જાહેર કરી હતી.

ફાતિમાને ગળાના ભાગે ધારદાર હથિયારના કાપા માર્યા હોવાથી વધારે પડતુ લોહી વહી જતાં તેનું મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતુ. આમિને પત્ની રિઝવાનાને આ બાબતે કડકાઈથી પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેણે જ પુત્રી ફાતિમાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

રિઝવાના આમિન સાથેના લગ્નજીવનથી ખુશ નહતી અને તે તલાક લેવા માંગતી હતી. પણ દીકરી ફાતિમાના કારણે તલાક જલ્દી થઈ શકે તેમ ના હોવાથી રિઝવાના તેને બાથરૂમમાં ન્હાવા માટે લઈ ગઈ હતી. જ્યાં તેણે દાઢી કરવાની બ્લેડ વડે દીકરી ફાતિમાનું ગળું કાપી નાંખ્યું હતુ. આ બાબતની જાણ થતાં પોલીસે માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button