ધર્મતેજ

અધૂરાશ: આંખો બંધ હોય તો પણ દેખાય

મન જ્યારે શાંત થાય ત્યારે જ બંધ આંખે દેખાતું બંધ થાય. જ્યાં સુધી મન જાગૃત છે, જ્યાં સુધી મન સક્રિય છે, મનનું પ્રભુત્વ જ્યાં સુધી સ્થપાયેલું છે, વ્યક્તિ જ્યાં સુધી મનના નિયંત્રણમાં છે અને મન વ્યક્તિના નિયંત્રણમાં નથી, જ્યાં સુધી મન અસ્તિત્વ પર હાવી થયેલું રહે છે, મનની પ્રકૃતિ જ્યાં સુધી નિર્ણાયક ભૂમિકામાં હોય છે

ચિંતન -હેમુ ભીખું

આંખો બંધ એટલા માટે કરવામાં આવે કે બધું દેખાતું બંધ થાય. પણ જો આંખો બંધ કર્યા પછી પણ દેખાતું હોય તો કોઈક પ્રશ્ર્ન તો છે જ. આ પ્રશ્ર્ન છે અધુરાશનો.

આંખો બંધ કરીને દેખાય એટલે કે હજુ પણ અધૂરાશ છે. શરૂઆતમાં પૂર્ણતા હતી, અંતે પણ પૂર્ણતામાં જ રૂપાંતરિત થવાનું છે, અધૂરાશ એ વચગાળાની સ્થિતિ છે. આ વચગાળાની સ્થિતિને અને તેના પ્રકારને સમજવાથી, તેના કારણો જાણવાથી, તેનાં સંભવિત પરિણામોથી વાકેફ થવાથી તેનાથી મુક્ત થવાના પ્રયત્ન કરી શકાય – જો મુક્ત થવાની ઈચ્છા થાય તો.

જોનાર મન છે, આંખો નથી. આંખો તો માત્ર એક યંત્ર છે જે ચોક્કસ પ્રકારની છબી અંકિત કરે છે. મન તે છબીને વિશ્ર્લેષિત કરી તેને સંગ્રહાયેલી અન્ય છબી સાથે મેળવી ચોક્કસ પ્રકારની સમજ ઊભી કરે છે. મનમાં અસંખ્ય સ્મૃતિ સંગ્રહાયેલી છે. તેને જોવા માટે આંખ ખુલ્લી હોય તે જરૂરી નથી. એ તો ભર ઊંઘમાં પણ દ્રશ્યમાન થઈ શકે. સાંભળનાર મન છે.

રસ માણનાર મન છે. પસંદ-નાપસંદનાં ધોરણો સ્થાપિત કરનાર મન છે. સ્વીકૃતિ અને અસ્વીકૃતિનો ભાવ મનમાં ઉદ્ભવે છે. રાગ અને દ્વેષ એ મનના ક્ષેત્રના વિષયો છે. આંખો બંધ રાખવાથી દેખાય છે કે નહીં તે મન નિર્ધારિત કરે. જ્યાં સુધી મન પાસે આ નિર્ધારણ કરવાનો અધિકાર હશે ત્યાં સુધી બંધ આંખે પણ દેખાયા કરશે – ત્યાં સુધી અધૂરાશ છે તેમ સાબિત થશે.

મન જ્યારે શાંત થાય ત્યારે જ બંધ આંખે દેખાતું બંધ થાય. જ્યાં સુધી મન જાગૃત છે, જ્યાં સુધી મન સક્રિય છે, મનનું પ્રભુત્વ જ્યાં સુધી સ્થપાયેલું છે, વ્યક્તિ જ્યાં સુધી મનના નિયંત્રણમાં છે અને મન વ્યક્તિના નિયંત્રણમાં નથી, જ્યાં સુધી મન અસ્તિત્વ પર હાવી થયેલું રહે છે, મનની પ્રકૃતિ જ્યાં સુધી નિર્ણાયક ભૂમિકામાં હોય છે, મન અને તેના પ્રપંચને જ્યાં સુધી જાણવામાં નથી આવતું, જ્યાં સુધી મનની કાર્યશૈલીને જેમની તેમ સ્વીકારી લેવામાં આવે છે, જ્યાં સુધી મનની ભૂમિકાના આધારે જ બધા નિર્ણયો લેવામાં આવે છે, જ્યાં સુધી અસ્તિત્વના બધા પાસા મનની દોરવણી પ્રમાણે કાર્યરત રહે છે ત્યાં સુધી આંખો બંધ હોય તો પણ જુદી જુદી વસ્તુઓ નજરે ચડતી રહેશે. આ અપૂર્ણતાની નિશાની છે.

ગીતામાં મૌનને મનનું તપ કીધું છે, વાણીનું નહીં. મૌન એટલે મનની શૂન્યતા, તે શૂન્યતાને કારણે ઉદ્ભવતી ઇન્દ્રિયોની શૂન્યતા, તે સમય પૂરતો મનનો નાશ, મનની સંપૂર્ણ નિષ્ક્રિય સ્થિતિ, મનના પ્રભાવની ગેરહાજરી, મનનો ચિત્તમાં વિલય, સૂક્ષ્મ અસ્તિત્વના એક પ્રભાવકારી સ્વરૂપની શાંત સ્થિતિ, અને જાતને ઓળખવાનું – આત્માની પ્રતીતિ થવાનું પ્રથમ સોપાન. મૌનની સ્થિતિમાં બધી જ ઇન્દ્રિય શિથિલતાને પામે છે. શ્રવણેન્દ્રિય વિવિધ અવાજો વચ્ચેના ભેદ પારખી શકતી નથી, ઘ્રાણેન્દ્રિય તેના વિષયમાં રહેલી ભિન્નતા ઓળખી શકતી નથી – અને આવું દરેક જ્ઞાનેન્દ્રિય બાબતે થતું હોય છે. મૌનની સ્થિતિમાં જાત સાથેનો સંવાદ પણ નથી હોતો. મૌનની સ્થિતિમાં આંખોનું જોવાનું બંધ થઈ જાય છે. પણ જો મૌન ધારણ કરાયું ન હોય તો બંધ આંખે પણ બધું દેખાયા કરે. આ સ્થિતિ એટલે અધૂરાશ.

માનવીનું અસ્તિત્વ ઈશ્ર્વરનો અંશ છે. ઈશ્ર્વરની જે કંઈ પ્રકૃતિ છે એ માનવીમાં હયાત છે. ઈશ્ર્વર પૂર્ણ છે, ઈશ્ર્વર બ્રહ્મ છે અને તેથી માનવી પણ પૂર્ણ અને બ્રહ્મ છે. ઈશ્ર્વર તટસ્થ છે, સાક્ષી છે, નિર્વિકાર અને નિર્વિકલ્પ છે, અકર્તા છે, શાશ્ર્વત નિરાકાર છે, અખંડ છે, અભેદ છે, સર્વત્ર સદાકાળ છે, સનાતન છે – તો પછી માનવી પણ એમ જ હશે. એટલા માટે જ ઉપનિષદમાં અહમ્ બ્રહ્માસ્મિનું વિધાન દ્રઢતાથી પ્રસ્તુત કરાયું છે.

જો આમ જ હોય તો જે અપૂર્ણતા પ્રતીત થાય છે એ શેને કારણે. જવાબ છે, મનને કારણે અને મનમાં ઉત્પન્ન થતા ભાવને કારણે.

આ સમગ્ર સૃષ્ટિ મન થકી, તેમાં ઉદ્ભવતા ભાવને કારણે અસ્તિત્વમાં આવી છે. ગીતામાં પણ કહેવાયું છે કે મદ્ભાવા માનસા જાતા અર્થાત મારા મનના ભાવ વડે મારા મન થકી આ બધાનું સર્જન થયું છે. મન શાંત થાય તો સૃષ્ટિ લય પામે. પૂર્ણતાને પામવા માટે મનને શાંત કરવું પ્રાથમિક છે, અને જરૂરી છે. જોકે મન મહા શક્તિશાળી હોવાથી આ કામ સહેલું નથી.

અંત:કરણના વિવિધ સ્વરૂપોમાં મનની સત્તા સૌથી વધુ બંધનકર્તા છે. અહંકારને સમજી શકાય. બુદ્ધિનો પ્રભાવ પણ બુદ્ધિ થકી જાણી શકાય. ચિત્તમાં એકત્રિત થતા સંસ્કારોનું મૂળ જાણી શકાય, પરંતુ મન અને તેની સૃષ્ટિને સમજવી અઘરી છે. મન ભેદી છે. મન કપટી અને લોભી છે.

મન વ્યભિચારી છે. મન જાદુગરની સમાન ભ્રામક સૃષ્ટિનું સર્જન કરી તેને માણવાનું કાવતરું કરી શકે છે. માયાનો વિસ્તાર ફેલાવવા માટે મન એક અસરકારક અને સિદ્ધ થયેલ માધ્યમ છે.્ મન એવી જાળ છે કે જેમાં ફસાયા પછી બહાર નીકળવું બહુ કઠિન બની રહે – એની માટે તો ગુરુકૃપા અને ઈશ્ર્વર આશીર્વાદ જ જરૂરી બને.

એ પણ સમજવાની જરૂર છે કે મનનું સામર્થ્ય અપાર છે. મન ચાહે તો એક ક્ષણની અંદર સૃષ્ટિની સીમા સુધી પ્રવાસ કરી લે. મનના તરંગોથી અશક્ય જણાતી બાબત પણ વાસ્તવિક થતી હોય તેમ જણાય. મનના પ્રપંચને કારણે વ્યક્તિ ઈશ્ર્વરને પણ પડકારવાનો ભાવ પણ પોષી શકે. જો આમ જ હોય તો બંધ આંખે જોવાની પ્રક્રિયાની શી વિસાત. મનનું અસ્તિત્વ જ અધૂરાશની સાબિતી છે. જ્યાં સુધી આ અધૂરાશ છે ત્યાં સુધી બંધ આંખે પણ દેખાશે જ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત