સર્વોચ્ચ માનવીય આનંદ
અલૌકિક દર્શન -ભાણદેવ
માણસોને ઘડવાની ઉદાત્ત સર્જનશીલતા જેમના જીવનમાં અનુભવાય, જેમના ચિત્તમાં માનવા સર્વાંગી જીવનઘડતરનો સંતોષ હોય તેમના આનંદને સમજવા માટે નિષ્ઠાવાન શિક્ષકના આંતરહૃદયમાં પ્રવેશવું જોઈએ. શિક્ષકનો આનંદ એટલે સર્વશ્રેષ્ઠ સર્જનશીલતાનો આનંદ! ઋષિ જ્યારે શિક્ષકના આનંદને સર્વશ્રેષ્ઠ માનુષ આનંદ ગણે છે ત્યારે ઋષિ પોતાના જીવનનો નિચોડ આપી રહ્યા છે, પોતાની અનુભૂતિ અભિવ્યક્ત કરી રહ્યા છે.
૩. કર્મ જીવનવિકાસનું એક માધ્યમ છે. જાણ્યે કે અજાણ્યે આપણે આપણાં કર્મો દ્વારા વિકસતાં હોઈએ છીએ, પરંતુ જીવનને વિકાસનું તત્ત્વ પ્રદાન કરવાની ક્ષમતા દરેક કર્મની સરખી હોતી નથી. એક ફેરિયો પણ પોતાના કર્મ દ્વારા કાંઈક તો વિકસે જ છે, પરંતુ એક અધ્યાપક પોતાના કર્મ દ્વારા જેટલા પ્રમાણમાં અને જે સ્વરૂપે સાધે છે તેનું મૂલ્ય તો માણ્યું હોય તે જાણે અને જાણ્યું હોય તે માણે, તેવું છે. કર્મ દ્વારા વિકાસની પ્રક્રિયાનાં બે ઘટકો છે :
૧. કર્મમાં રહેલાં વિકાસકારક તત્ત્વો,
૨. વ્યક્તિમાં રહેલાં વિકાસકારક તત્ત્વો.
એટલે વ્યક્તિમાં જ જો વિકાસશીલતા ન હોય તો કર્મના માધ્યમથી ખાસ વિકાસ ન પામે તેમ બને છે, તો પણ કર્મમાં પણ વિકાસકારક તત્ત્વો છે અને આ તત્ત્વો દરેક પ્રકારનાં કર્મોમાં સરખાં હોતાં નથી. જો બંને ઘટકો સાથે હોય તો સોનામાં સુગંધ મળે છે, પણ કર્મમાં રહેલાં વિકાસકારક તત્ત્વોની અવગણના કરી શકાય નહીં.
સંભવત: અધ્યાપનકાર્ય, જીવનવિકાસના માધ્યમ તરીકે સર્વશ્રેષ્ઠ કર્મ છે. જે કર્મનો હેતુ જ વિદ્યાર્થીઓનો જીવનવિકાસ – જીવનઘડતર છે તે કર્મની વિકાસક્ષમતા ઘણી વધારે હોય તે સ્વાભાવિક છે. જીવવું એટલે વિકસવું અને વિકસવું તે આનંદ છે.
ઉપનિષદના ઋષિ આ હકીકત સમજે છે, તેથી જ શિક્ષકના આનંદને સર્વોચ્ચ માનુષ આનંદ ગણે છે.
૪. સમાજસેવાનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ કયું? સમાજઘડતરમાં પોતાનો ફાળો આપવાનું સર્વશ્રેષ્ઠ ક્ષેત્ર કયું? શિક્ષણકાર્ય સમાજસેવાનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે. સમાજના ઘડતર માટે શિક્ષણ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. તેમાં પણ જો આ શિક્ષણ અધ્યાત્મનું શિક્ષણ હોય તો પછી કહેવાનું જ શું? કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર તેના શિક્ષણ દ્વારા ઘડાય છે, તેથી સ્વાભાવિક રીતે જ શિક્ષણનું કાર્ય રાષ્ટ્ર કે સમાજના ઘડતરમાં સૌથી વધુ મૂલ્યવાન ગણાવું જોઈએ.
ઋષિ જાણે છે કે સમાજ તેનાં વિદ્યાલયો દ્વારા ઘડાય છે અને રાષ્ટ્રની સંસ્કૃતિ તેનાં વિદ્યાલયો દ્વારા ઘડાય છે, વિકસે છે અને રક્ષાય છે. ઋષિ સમજે છે કે આર્યાવર્ત તેનાં રાજકુલો દ્વારા નહીં, પણ તેનાં ઋષિકુલો દ્વારા ગૌરવવંતો છે, તેથી ઋષિ શિક્ષકના કાર્યને સર્વોચ્ચ મૂલ્ય આપે છે અને શિક્ષકના આનંદને સર્વોચ્ચ માનુષ આનંદ ગણે છે.
૫. દરેક કર્મ જો સારી રીતે પૂરું કરવામાં આવે તો તે કર્તાને એક ઊંડી તુષ્ટિ આપે છે. આ તુષ્ટિને કર્મસંતોષ (ૂજ્ઞસિ તફશિંરફભશિંજ્ઞક્ષ) કહે છે. કર્મની તુષ્ટિ તો દરેક કર્મ સાથે જોડાયેલી હોય છે, પરંતુ કેટલાંક વિશિષ્ટ સ્વરૂપનાં કર્મોમાં તુષ્ટિગુણ વધુ પ્રમાણમાં અને વિશિષ્ટ સ્વરૂપનો હોય છે. શિક્ષણકાર્યમાં આવો તુષ્ટિગુણ વિશેષ સ્વરૂપે છે. વિદ્યાર્થીના જીવનવિકાસમાં મદદ કરવી, વિદ્યાર્થીના જીવનવિકાસ આડે આવતા અવરોધો દૂર કરવા, વિદ્યાર્થીને અનેકવિધ વિષયોનું જ્ઞાન આપવું, વિદ્યાર્થીઓની સમજવિકાસની પ્રક્રિયામાં સહાય કરવી. વિદ્યાર્થીના માનસને સમજીને તેને પોતાના માનસને સમજવામાં મદદ કરવી – આ બધાં ઘણાં મૂલ્યવાન કાર્યો છે. આ મૂલ્યવાન કાર્યો કરવાથી તેમના દ્વારા કર્તા-શિક્ષકને ઊંડો સંતોષ મળે છે. એક ફૂલછોડને ખાતર-પાણી આપીએ અને તે છોડને પુષ્પો આવે ત્યારે તે ફૂલછોડને ઉછેરનારને સંતોષ થાય છે, તો માનવવિદ્યાર્થીના જીવનને સિંચનાર શિક્ષકને કેટલો અને કેવો ઊંડો સંતોષ મળે છે, તે તો નિષ્ઠાવાન શિક્ષક જ અનુભવી શકે, સમજી શકે.
આ શિક્ષણકાર્ય દ્વારા મળતી ઊંડી કર્મતુષ્ટિને લીધે પણ શિક્ષકના આનંદને સર્વોચ્ચ માનવીય આનંદ હોવાનું ગૌરવવંતુ સ્થાન મળ્યું છે.
૬. સમગ્ર અસ્તિત્વ મહાચૈતન્યની આત્માભિવ્યક્તિ (તયહર ળફશક્ષરયતફિંશિંજ્ઞક્ષ) છે. તે આત્માભિવ્યક્તિના એક ભાગરૂપે વ્યક્તિનું દરેક કર્મ તેની આત્માભિવ્યક્તિની એક ઘટના છે. કવિનું કાવ્ય, સાહિત્યકારની સાહિત્યકૃતિ કે ચિત્રકારનું ચિત્ર તેમની આત્માભિવ્યક્તિ છે તે તો આપણે સમજી શકીએ છીએ અને સ્વીકારી શકીએ છીએ, પરંતુ જો ગહન દૃષ્ટિથી જોઈએ તો ખેડૂતનું ખેતીકાર્ય, સુથારનું સુથારીકામ અને મજૂરનું મજૂરીકામ પણ આત્માભિવ્યક્તિ છે. સમગ્ર બ્રહ્માંડ ક્ષણેક્ષણે અભિવ્યક્ત થઈ રહ્યું છે તે પણ બ્રહ્માંડરચનાનો એક ભાગ છે, તેથી તે કર્મ પણ મહાચૈતન્યની આત્માભિવ્યક્તિનું જ એક રૂપ છે.
આત્માભિવ્યક્તિનો પણ આનંદ હોય છે. આનંદ માટે જ આત્માભિવ્યક્તિ હોય છે. શિવ થકી જીવ થયો વિવિધ રસ લેવાને! તેથી જો ઉચિત મનોવલણપૂર્વક કરવામાં આવે તો દરેક કર્મ દ્વારા આ આત્માભિવ્યક્તિનો આનંદ નિષ્પન્ન થાય છે.
દરેક કર્મનું સ્વરૂપ ભિન્ન-ભિન્ન હોય છે, તેથી તે કર્મ દ્વારા થતી આત્માભિવ્યક્તિનું સ્વરૂપ પણ ભિન્ન-ભિન્ન જ હોવાનું, તેથી તે કર્મ દ્વારા આત્માભિવ્યક્તિનો જે આનંદ નિષ્પન્ન થાય છે તેનું સ્વરૂપ પણ ભિન્ન-ભિન્ન જ હોવાનું તે સમજી શકાય તેમ છે.
હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન છે કે કયું કર્મ એવું છે કે જેમાં આત્માભિવ્યક્તિની ઘટના તેનું સર્વોચ્ચ સ્વરૂપ ધારણ કરે છે અને તેથી કયું કર્મ એવું છે જેમાં આત્માભિવ્યક્તિ દ્વારા નિષ્પન્ન થતો આનંદ તેના સર્વોચ્ચ સ્વરૂપે પ્રગટે છે અને તેથી શિક્ષણકાર્ય દ્વારા આત્માભિવ્યક્તિનો આનંદ તેના સર્વોચ્ચ સ્વરૂપે પ્રગટે છે.
શિક્ષણનું દરેક કાર્ય નવું છે; દર વર્ષે નવા-નવા વિદ્યાર્થીઓ આવે છે; જાગૃત અને નિષ્ઠાવાન શિક્ષકના જીવનનો દરેક વિદસ નવો છે; દરેક સમસ્યા નવી છે, તેથી સતત નાવીન્યથી ભરપૂર એવું આ શિક્ષણ છે. જેમ કવિની દરેક કવિતા એક નવું સર્જન છે, તેમ શિક્ષકના શિક્ષણકાર્યનું દરેક નાનુંમોટું કર્મ એક નવું સર્જન છે. કવિતાનું સર્જન જેમ સર્જનકાર્ય છે, તેમ કવિતાનું શિક્ષણ, કવિતાનો રસાસ્વાદ કરવો અને કરાવવો તે પણ સર્જન છે. શિક્ષણકાર્ય જ નવસર્જનની ઘટના છે, તેથી નિત્યનવી આત્માભિવ્યક્તિ છે.
ઉપનિષદના ઋષિ પોતે જ શિક્ષક (આચાર્ય) હશે, તેમણે શિક્ષણકાર્યની આત્માભિવ્યક્તિ, સર્જનનું નાવીન્ય અને તેમાંથી નિષ્પન્ન થતો આનંદ જાણ્યાં અને માણ્યાં હશે, તેથી તેઓ શિક્ષકના સર્વોચ્ચ માનવીય આનંદ ગણે છે.
૭. આપણાં કર્મો આપણી જાતને જોવાનું, આપણી જાતને સમજવાનું દર્પણ છે. પોતાની જાતને જોવી, પોતાની જાતને તપાસવી, પોતાની જાતને સમજવી તે જીવનવિકાસની પ્રક્રિયા છે, પણ પોતાની જાતને જોવા, તપાસવા, સમજવા માટે દર્પણની જરૂર પડે છે. જેમ આપણે આપણા ચહેરાને દર્પણ વિના જોઈ શકતા નથી, તેમ આપણે આપણા આંતરિક ચહેરાને પણ દર્પણ વિના જોઈ શકતા નથી. આપણા રોજબરોજના જીવનમાં આપણે અનેકવિધ કર્મો કરીએ છીએ. તે કર્મો કરતી વખતે આપણા મનનું સ્વરૂપ વ્યક્ત થાય છે. આપનાં મનની ક્રિયાઓ, ગ્રંથિઓ અને ગતિવિધિને પારખવાનું તે વખતે શક્ય બને છે. ઘટનાઓ દ્વારા, ઘટનાઓ વખતે આપણા જાગૃત-અજાગૃત મનને અભિવ્યક્ત થવાની તક મળે છે અને તે તકનો ઉપયોગ પોતાની જાતને જાણવા, તપાસવા અને સમજવા માટે કરી શકાય છે. આપણાં કર્મો આંતરિક ચહેરાને જોવાનું દર્પણ છે.
આ સ્વ-ઓળખની ઘટના કોઈ પણ કર્મ વખતે બની શકે છે, પરંતુ શિક્ષણકાર્યમાં આવી તકો વધુ સારી ને વધુ ઊંડી છે. શિક્ષણમાં આપણે વિકસતા વિદ્યાર્થીઓ સાથે કાર્ય કરવાનું છે, તેથી શિક્ષણકાર્યરૂપી દર્પણ વધુ સંવેદનશીલ દર્પણ છે. તેમાં શિક્ષક પોતાની જાતનાં દર્શન વધુ સારી રીતે કરી શકે છે. તેમાં પણ જો શિક્ષકના કાર્ય સાથે છાત્રાલય-સંચાલન પણ ભળેલું હોય તો આ કર્મરૂપી દર્પણ ઘણું સંવેદનશીલ બની જાય છે.
પોતાની જાતની સમજના અભાવમાં અનેક માનસિક ગૂંચો, અનેક માનસિક સમસ્યાઓ ઊભી થાય છે. ડાહ્યો શિક્ષક શિક્ષણકાર્યના દર્પણમાં પોતાની જાતને વધુ સારી રીતે સમજતો થાય છે. સમજ દ્વારા સાત્ત્વિક આનંદ પ્રગટે છે.
જેમ-જેમ વ્યક્તિ પોતાની જાતને વધુ ને વધુ સમજે તેમ-તેમ તે પોતાની અનેકવિધ માનસિક ગ્રંથિઓમાંથી મુક્ત થાય છે. આ સમજમાંથી એક માનસિક હળવાશ ઊભી થાય છે, એક સાત્ત્વિક આનંદ પ્રગટે છે. ઉપનિષદના ઋષિ આ જાણે છે, સમજે છે, તેથી તેઓ શિક્ષકના આનંદને સર્વોચ્ચ માનવીય આનંદ ગણે છે.
૮. જીવન એક છે, પણ જીવનનાં સ્વરૂપ અનેક છે; જીવન એક છે, પણ જીવનની પદ્ધતિઓ અનેક છે. એક વૈજ્ઞાનિકની જીવનપદ્ધતિ છે, એક કલાકારની જીવનપદ્ધતિ છે અને એક વેપારીની જીવનપદ્ધતિ છે. તે જ રીતે એક શિક્ષકની જીવનપદ્ધતિ છે. વળી બધા શિક્ષકો કે બધા વૈજ્ઞાનિકોની જીવનપદ્ધતિ એક જ સ્વરૂપની હોય છે તેમ ન કહેવાય, છતાં શિક્ષકની એક જીવનપદ્ધતિ છે, શિક્ષણજગતનું એક જીવનસ્વરૂપ છે. કઈ જીવનપદ્ધતિ શ્રેષ્ઠ – એ પ્રશ્ર્નનો કોઈ નિશ્ર્ચયાત્મક જવાબ ન આપી શકાય. વ્યક્તિની પોતાની પ્રાકૃતિક ભિન્નતા પ્રમાણે તેના માટે એક કે બીજી જીવનપદ્ધતિ શ્રેષ્ઠ હોઈ શકે છે. કોરબેટ જેવા એક શિકારી પણ શ્રેષ્ઠ જીવન જીવી ગયાનાં દૃષ્ટાંતો છે અને ‘મહાભારત’માં ધર્મવ્યાધ પારધીની કથા પણ છે.
આ બધું છતાં સામાન્યત: કઈ જીવનપદ્ધતિ શ્રેષ્ઠ તેનો કોઈક સામાન્ય સ્વરૂપનો જવાબ હોઈ શકે. ‘તૈત્તિરીયોપનિષદ’ના ઋષિ એક અધ્યાપકની જીવનપદ્ધતિને શ્રેષ્ઠ જીવનપદ્ધતિ ગણે છે. આ વિષયમાં રુચિભેદ અને અન્ય મતને ઘણો અવકાશ છે, છતાં એટલું તો જરૂર કહી શકાય કે શિક્ષકની જીવનરીતિ, શિક્ષકની જીવનપદ્ધતિ એક ઉમદા જીવનપદ્ધતિ છે. ઉમદા જીવનપદ્ધતિમાંથી જીવનનો સાત્ત્વિક આનંદ પ્રગટે જ છે, તેથી ઋષિ શિક્ષકના આનંદને સર્વોચ્ચ માનવીય આનંદગણે છે.
૯. શિક્ષણના કાર્યનાં બે ઘટકો છે : શીખવવું (યિંફભવશક્ષલ) અને શીખવું (હયફક્ષિશક્ષલ). શીખવવું અને શીખવું, બંને મળીને શિક્ષણક્રિયા પૂરી થાય છે. શિક્ષકનું કાર્ય શીખવવાનું છે અને વિદ્યાર્થીનું કાર્ય શીખવાનું છે. આમ છતાં શીખવવાની ક્રિયા અને શીખવાની ક્રિયા – બંને ગાઢ રીતે સંકળાયેલ છે. શીખવવાની ક્રિયા દરમિયાન શીખવાની ક્રિયા પણ બને જ છે. શિક્ષકનું કાર્ય શીખવવાનું હોવા છતાં તેની સાથે જ શીખવાની ક્રિયા પણ થાય જ છે. એટલે કે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે શિક્ષકનું શિક્ષણ પણ થાય જ છે. ગુજરાતના એક મૂર્ધન્ય સાહિત્યકાર અધ્યાપક પણ હતા. તે કહેતા : “વર્ગમાં દાખલ થતી વખતે હું વિદ્યાર્થીઓને મનોમન કહેતો : જોઈએ, આ વર્ગ દરમિયાન તમે વધારે શીખો છો કે હું વધારે શીખું છું! અને દરેક વર્ગને અંતે હું વિદ્યાર્થીઓને શીખવીને આવતો તેના કરતાં વધુ શીખીને આવતો.
કોઈ પણ જાગૃત શિક્ષકના જીવનમાં આ ઘટના બને જ છે કે શિક્ષકનું શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓ માટે હોવા છતાં તેનું પોતાનું શિક્ષણ પણ થાય જ છે. દરેક કાર્યમાં કર્તાનું શિક્ષણ પણ થાય જ છે, પરંતુ શિક્ષકના કાર્યમાં આ સંભાવના વધુ છે. એક ઈતિહાસના તજ્જ્ઞ વહીવટી અધિકારી બને અને ઈતિહાસનું પોતાનું અધ્યયન-અધ્યાપન આગળ વધારે તો તુલનાત્મક દૃષ્ટિએ અધ્યાપકનું કાર્ય કરનાર તજ્જ્ઞ માટે પોતાના અધ્યયનને આગળ વધારવાની તકો વધુ છે, કારણ કે તે સતત શૈક્ષણિક વાતાવરણમાં જ રહે છે.
‘તૈત્તિરીયોપનિષદ’ના ઋષિ અધ્યયન-અધ્યાપન, શીખવવું-શીખવુંના આ યુગ્મના સંબંધોને સારી રીતે જાણે છે, તેથી શિક્ષણકાર્યનું ગૌરવ સમજે છે, બંને ક્રિયાની સંવાદિતા દ્વારા જન્મતા આનંદને તે જાણે છે, તેથી તે શિક્ષકના આનંદને સર્વોચ્ચ માનવીય આનંદ ગણે છે.
ઉપસંહાર :
જે શિક્ષક શિક્ષકજીવનની ગરિમાને સમજીને શિક્ષણકાર્યનો સ્વીકાર કરે છે અને શિક્ષણકાર્ય કરે છે તે શિક્ષક શિક્ષકજીવનમાં ઊંડો ઊતરી શકે છે અને તો તે મનોમન કહી શકે છે : “મારાં સદ્ભાગ્ય કે હું શિક્ષક બન્યો!
જેને શિક્ષણકાર્યનો આનંદ લાધ્યો છે તે શિક્ષક સમાજને કહેશે : “તમે મને શિક્ષક બનવાની તક આપી એ માટે હું તમારો આભારી છું. મારા શિક્ષણકાર્ય દ્વારા મેં જે આપ્યું છે તેના કરતાં વધુ હું પામ્યો છું, તેથી સમાજ કે મારા વિદ્યાર્થીઓ મારા ઋણમાં નથી, પણ હું તેમના ઋણમાં છું!
માનવીય આનંદમાં સર્વશ્રેષ્ઠ એવો આનંદ સૌ શિક્ષકોને લાધો!