મનોરંજન

એક નહીં છ દાયકા રાજ કર્યું આ વિલને ફિલ્મી દુનિયામાં, ખબર છે કોણ?

બોલીવુડમાં જાણીતા અભિનેતા જ નહીં, પરંતુ ખુંખાર વિલનની વાત કરવામાં આવે ત્યારે પ્રેમ ચોપરાનું નામ લઈ શકાય. પ્રેમ ચોપરાએ લગભગ છ દાયકા સુધી ફિલ્મી દુનિયામાં એક માત્ર નેગેટિવ ભૂમિકા ભજવીને તેમના ચાહકોમાં પણ આગવું સ્થાન જમાવ્યું હતું. ફિલ્મી દુનિયામાં હીરો બનવા નસીબ અજમાવ્યું, પરંતુ સફળ રહ્યા નહીં. વિલન બની બેઠા અને ફિલ્મી દુનિયામાં નામ જમાવી દીધું પ્રેમ ચોપરાએ.

પાકિસ્તાનના લાહોરમાં પ્રેમ ચોપરાનો જન્મ થયો હતો. ભારત અને પાકિસ્તાન ભાગલા પછી પરિવાર ભારતમાં આવી ગયો હતો. તેમનો પરિવાર હિમાચલ પ્રદેશમાં સ્થાયી થયા હતા. પંજાબ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું, ત્યારબાદ નાટકોમાં ભાગ લેતા હતા. પિતા દીકરા પ્રેમને ડોક્ટર/આઈએએસ અધિકારી બનાવવા ઈચ્છતા હતા, પરંતુ એક્ટિંગનું ઝનૂન હદ બહાર વધી ગયું હતું. અને અંતે એક્ટિંગની દુનિયામાં ઝંપલાવવા માટે મુંબઈ આવીને સ્થાયી થયા હતા. શુરઆતના દિવસોમાં જાણીતા અખબારમાં સર્ક્યુલેશન ઓફિસમાં કામકાજ કરતા હતા. 20 દિવસનું કામકાજ 12 દિવસમાં કરતા હતા.

એક ઈન્ટરન્યૂમાં પ્રેમ ચોપરાએ કહ્યું હતું કે લોકલ ટ્રેનમાં પ્રવાસ વખતે એક અજાણી વ્યક્તિ આવીને ફિલ્મમાં કામ કરવા પૂછ્યું હતું અને જવાબ પણ હકારમાં આપ્યો હતો. એ વખતે એને રણજિત સ્ટુડિયોમાં લઈ ગયા હતા અને પંજાબી ફિલમમાં ચૌધરી કર્નલ સિંહના પ્રોડ્યુસરને વિલન જોઈતો હતો. પ્રેમ ચોપરાની પસંદગી કરવામાં આવી હતી અને બસ એ દિવસથી નેગેટિવ ભૂમિકાના શ્રીગણેશ થયા હતા.

આગળ ઈન્ટરવ્યૂમાં પ્રેમ ચોપરાએ કહ્યું હતું કે મુંબઈ તો હું હીરો બનવા આવ્યો હતો, પરંતુ પંજાબી ફિલ્મ કર્યા પછી હિન્દી ફિલ્મોમાં પણ હીરોનો રોલ મળ્યો હતો. આમ છતાં આ ફિલ્મો ફ્લોપ ગઈ હતી. એના પછી ફક્ત વિલન તરીકેની ભૂમિકા સ્વીકારી અને સફળતા મળી હતી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે પ્રેમ ચોપરાએ હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે 19 ફિલ્મોમાં કામ કર્યું હતું અને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. હિન્દી ફિલ્મોમાં પ્રેમ ચોપરાને પહેલી તક મનોજ કુમાર સાથેની ફિલ્મ ‘વો કૌન થી’માં મળી હતી. આ ફિલ્મના દિગ્દર્શક રાજ ખોસલા હતા. પ્રેમ ચોપરા કહે છે ‘ફિલ્મ ‘વો કૌન થી’ પછી મને મનોજ કુમાર સાથે બીજી ફિલ્મ ‘શહીદ’માં કામ કરવાની તક મળી હતી. આ ફિલ્મમાં મેં સુખદેવનો રોલ કર્યો હતો. આ પછી મેં ‘પૂનમ કી રાત’, ‘મેરા સાયા’, ‘સગાઈ’ અને ‘તીસરી મંઝિલ’ જેવી ઘણી ફિલ્મો કરી હતી.

અન્ય વિલનના માફક પ્રેમ ચોપરાથી પણ એ જમાનામાં મહિલાઓ અને બાળકો પણ ડરતા હતા. અમુક લોકો તો પ્રેમ ચોપરાનો ચહેરો જોવાનું પણ પસંદ કરતા નહીં. પ્રેમ ચોપરાએ હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરની પત્ની કૃષ્ણાની બહેન ઉમા સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન જાણીતા ડાયરેક્ટર લેખ ટંડને કરાવ્યા હતા. પ્રેમ ચોપરા અને ઉમાની ત્રણ દીકરી છે. રકિતા, પુનિતા અને પ્રેરણા છે, જ્યારે ત્રણેયે ફિલ્મી દુનિયાથી દૂર છે, પરંતુ ત્રણેયના પતિ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા છે. નાની દીકરીના જમાઈનું નામ શરમન જોશી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button