મુંબઈગરાઓ તમને લાગે છે કે તમે જ નાના ઘરમાં રહો છો…તો જૂઓ આ વીડિયો
મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહીં, આ વાત વર્ષોથી કહેવાય છે. મુંબઈનો બહુ મોટો વર્ગ એક રૂમ રસોડા કે તેનાથી પણ નાના દસ બાય દસના ઘરમાં જીંદગી કાઢી નાખે છે. અહીંના નાના ઘર અને તેના આકાશને આંબે તેવા ભાવ એક સમસ્યા પણ છે અને આ શહેરની વાસ્તવિકતા પણ. છતાં તેમને આ ઘર કે આ જીવન સારું લાગે તેવા એક બીજા શહેરની વાત અમે તમને કહીશું.
ફરવા માટે જાણીતા એવા હોંગકોંગમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિકાસ અને રોજગારી બન્નેને લીધે શહેરોમાં વસતા લોકો કેવું જીવન જીવે છે તે આ વીડિયો દ્વારા સમજી શકાય છે.
હોંગકોંગમાં જગ્યાની અછત એટલી વધી ગઈ છે કે અહીંના લોકો ઘરને બદલે લાકડાના કોફીન જેવા મકાનોમાં રહે છે. આ 15 ચોરસ ફૂટ લાકડાના બોક્સને તેના આકારને કારણે કોફિન ક્યુબિકલ્સ પણ કહેવામાં આવે છે. તેમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેનેડિયન ફોટોગ્રાફર બેની લેમે આ ઘરોની તસવીરો લીધી હતી અને તેના પર ટ્રેપ્ડ નામની ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી.
આ ઘર છે કે માચીસના ડબ્બા
રહેવા માટે કોઈ વિકલ્પ ન હોવાને કારણે અને મકાન ભાડાના આસમાને પહોંચેલા ભાવને કારણે ઓછી આવક ધરાવતા લોકો બોક્સમાં રહેવા મજબૂર છે. બૉક્સ આકારના આ ઘરોમાં રસોડું અને શૌચાલય એકસાથે હોય છે, જે એકદમ નાના હોય છે. તેઓ લાકડા અથવા વાયરને જોડીને બનાવવામાં આવે છે. લોકો ઘરોમાં રહેતા નથી પરંતુ ફસાયેલા છે. ન તો તેઓ ચાર ડગલાં ચાલી શકે છે અને ન તો તેઓ શાંતિથી સૂઈ શકે છે. જેઓ વધુ ઊંચા હોય તેમણે પગ વાળીને સૂવું પડે છે. આશ્ચર્યની વાત એ છે કે આવા ઘરનું ભાડું ભારતીય ચલણમાં 20,000 રૂપિયાથી વધુ છે.
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર drewbinsky નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો રિલીઝ થયાના થોડા કલાકોમાં જ લાખો લોકોએ તેને જોયો હતો. આ વીડિયોની સાથે જણાવવામાં આવ્યું છે કે આવા ઘરોમાં 2 લાખ લોકો રહે છે, જેને કોફિન હોમ કહેવામાં આવે છે. એક એપાર્ટમેન્ટમાં લગભગ 20 શબપેટી ઘરો છે, જેમાંથી કેટલાક આખા પરિવારો ધરાવે છે.
વિશ્વમા મૂડીવાદ અને આર્થિક વિષમતા દિવસે દિવસે વધતી જાય છે. વધતી વસ્તી માટે વ્યવસ્થા કરવામાં દરેક તંત્ર નિષ્ફળ નિવડયું છે. આવા અમાનવીય જીવન જીવવા માટે લોકો મજબૂર છે, જે આપણા સૌની માટે ચિંતાનો વિષય કહેવાય.