વિમ્બલડનનો આનંદ માણવા પહોંચ્યા ક્રિકેટના ભગવાન, આયોજકોએ એવું સ્વાગત કર્યું કે બટલર, સ્ટોક્સ, રૂટ જોતા જ રહી ગયા
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આ દિવસોમાં લંડનમાં ટેનિસની મજા માણી રહ્યા છે. વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન લંડનમાં આયોજિત થઈ રહ્યો છે. ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ગણાતી આ ટૂર્નામેન્ટનો આનંદ માણવા દુનિયાભરના ક્રિકેટ સ્ટાર્સ પહોંચ્યા છે. 6ઠ્ઠી જુલાઈના રોજ કેમેરોન નારી અને એલેક્ઝાન્ડર ઝવેરેવ વચ્ચે રમાયેલી મેચ જોવા માટે ઘણા પ્રખ્યાત ક્રિકેટ સ્ટાર્સ હાજર રહ્યા હતા. આમાં સૌથી મોટું નામ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનું છે.
સચિન તેંડુલકર તેમની પત્ની અંજલિ તેંડુલકર સાથે વિમ્બલ્ડન જોવા આવ્યા હતા. સચિન જેવા સેન્ટ કોર્ટ પર પહોંચ્યા કે એકદમ ખાસ અંદાજમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આયોજકોએ 2011 ODI વર્લ્ડ કપમાં ભારતની જીતનો એક વિડિયો રિલીઝ કર્યો હતો, જેમાં સચિન વર્લ્ડ કપ ટ્રોફી સાથે ઉજવણી કરતા જોવા મળે છે.
સચિન અને તેમનો વીડિયો જોઈને વિમ્બલ્ડન જોવા આવેલા તમામ દર્શકો ઉભા થઈ ગયા અને તેમના સન્માનમાં તાળીઓ પાડવા લાગ્યા હતા. સચિને હાથ જોડીને ચાહકોનું અભિવાદન કર્યું અને પછી બધાનું અભિવાદન સ્વીકાર્યું. નોંધનીય છે કે સચિનને ટેનિસની રમત ઘણી પ્રિય છે. ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ સચિન ઘણા સમયથી વિમ્બલ્ડન જોવા માટે આવી રહ્યા છે.
વિમ્બલ્ડનનો આનંદ માણવા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ODI અને T20 કેપ્ટન જોસ બટલર, ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ અને પૂર્વ કેપ્ટન જો રૂટ પણ હતા. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ પણ થોડા દિવસો પહેલા વિમ્બલ્ડનની મજા માણતા જોવા મળ્યા હતા. T-20 વર્લ્ડ કપ 2024 પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું શેડ્યૂલ હાલમાં વ્યસ્ત નથી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ કરતા ટેનિસ વધુ લોકપ્રિય છે અને વિમ્બલ્ડન સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. તેથી આ મેચ જોવા ક્રિકેટરો ઉપરાંત અન્ય ક્ષેત્રની મોટી હસ્તીઓ પણ લંડનમાં આવી છે.