Kodinar News: કોડીનારના દરિયાકાંઠેથી 12 કિલો અફઘાની ચરસ મળ્યું
અમદાવાદઃ ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સ અને ચરસનો પ્રવેશદ્વાર બની રહ્યુ હોય તે આવારનવાર નશીલા પદાર્થો(Drug trafficking through Gujarat) મળી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં પહેલા કચ્છ, પછી દ્વારકા અને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટો દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળ્યા છે. કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી ગઈકાલે રાત્રિના બિનવારસી ચરસના રૂ. 6 કરોડના 10 જેટલા પેકેટ મળી આવતા પોલીસે તમામ પેકેટો કબજે કરી સઘન તપાસ હાથ ધરી છે.
કોડીનાર તાલુકાના છારા બંદરે ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું એક પોટલું કાંઠે ચડી આવ્યુ હતું. દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેઓએ તેમના પરિવારને જાણ કરી હતી. દરમિાયન સમગ્ર ઘટનાની જાણ થતા એસઓજીએ સ્થળ પર પહોચી તપાસ કરી પેકેટની ચકાસણી કરી હતી. આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતાં એસઓજી પી.આઇ અને પીએસઆઇને જાણ કરતા તેઓ રાત્રિના છારાના દરિયા કાંઠે દોડી આવી ચરસના જથ્થાનો કબ્જો લઈ ફરિયાદ દાખલ કરી હતી.
આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે ફોરેન્સિક સાયંસ લેબ(FSL)ને જાણ કરવામાં આવી હતી. આ 12 કિલો 10 ગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર રૂપિયા અને આ ચરસ અફ્ઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. જેના આધારે એસઓજી દ્વારા આ બિનવારસી મળેલા ચરસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો? કેમ આવ્યો? કોના દ્વારા દરિયામાં ફેંકવામાં આવ્યો? તે સહિતના બાબતે તપાસ હાથ ધરી છે.