લાભશંકર ઠાકર નામે ઉજાણી
આજે આટલું જ -શોભિત દેસાઈ
૧૯૯૪માં પહેલી વખત અમેરિકા ગયો ત્યારે ઉપરવાળાએ બધું બેલેન્સ કરવાના ‘નેક’ ઈરાદાથી અતિ અંગત કૈલાસ પંડિતને પોતાની પાસે બોલાવી લીધો. એ પછી ૧૯૯૫થી લઈને ૨૦૧૬ સુધી ચિનુદા એટલે કે ચિનુ મોદી ‘ઈરશાદ’ને લઈને અમદાવાદના આંટાફેરા એટલા વધી ગયા કે ન પૂછો ને વાત… અને એમાંય બપોરના દવાખાનાના સમયમાં અને સાંજના હઠીસિંહ વિઝ્યુઅલ સેન્ટરમાં અને પછીના મદ્યજ્ઞાન કાળમાં લાઠાદાદા વલ્દ લાભભાઈ વલ્દ ઠાકરસાહેબ નામે જગવિખ્યાત લાભશંકર ઠાકર સાથેના ચોસલાં તો એવા અકબંધ પડ્યાં છે સ્મરણમંજુષામાં કે (પાછું) ન પૂછોને વાત… હમણાં જૂનું ઘર ખાલી (બાલમુકુંદ દવે) કરવાનો વખત ચાલે છે. રંગરોગાનાર્થે… તે લાઠાદાદાનો એક પત્ર સચવાયેલો અકબંધ મળી આવ્યો. આજે તમારી સાથે લાઠાની એક કવિતા અને એમનો એક અદ્ભુત પત્ર મને સંબોધાયેલો (!) વહેંચવો છે તમારી સાથે…
પરોઢનાં ઝાકળમાં તડકો
પીગળે.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ.
તે આંસુમાં
ડૂબતી તરતી
તરતી ડૂબતી
અથડાતી ઘુમરાતી આવે
થોર તણી કાંટાળી લીલી વાડ.
વાડ પરે એક બટેર બેઠું બટેર બેઠું બટેર બેઠું
ફફડે ફફડે ફફડે એની પાંખ.
દાદાની આંખોમાં વળતી ઝાંખ.
ઝાંખા ઝાંખા પરોઢમાંથી પરોઢમાંથી
આછા આછા
અહો મને સંભળાતા પાછા અહો મને સંભળાતા આછા
ઠક્ ઠક્ ઠક્ ઠક્ અવાજમાં
હું ફૂલ બનીને ખૂલું
ખૂલું
ઝાડ બનીને ઝૂલું
ઝૂલું
દરિયો થૈને ડૂબું
ડૂબું
પ્હાડ બનીને કૂદું
કૂદું
આભ બનીને તૂટું
તૂટું તડકો થઈને
વેરણછેરણ તડકો થઈને
તડકો થઈને
સવારના શબનમસાગરને તળિયે જઈ ને અડકું.
મારી કર કર કોરી ધાર પીગળતી જાય.
પીગળે પીગળે પડછાયાના પ્હાડ!
ડિયર શોભિત
આ બારીના કાચ પર વર્ષાના વાછટના
ટીપાં અસંખ્ય ચોંટ્યા છે-
તે તડકામાં તગતગી રહ્યાં છે
અને લસરી રહ્યાં છે તેમ
તમારા પત્રના શબ્દો મારી ચેતનામાં લસરી રહ્યા છે
તગતગી રહ્યા છે.
મારી ચેતનામાં તમે તગતગતા લસરી રહ્યા છો
દોસ્ત-
તે પછી ભેજભર્યા વાતાવરણમાં કંઈક દૂર જોઉં છું
તો લીલા, ભીનાં વૃક્ષોની શાખાઓ ડોલી રહી છે
- જે મને નિત્યપ્રિય છે.
શોભિત,
આ જગત છોડવું નથી. આ વૃક્ષોને કારણે, આ ઘનશ્યામ મેઘોને કારણે, આ શોભિતના પત્રોને વાંચવા, અરે રક્ત વર્ણના રતૂંમડા દાડમના દાણા જેવી કોઈ ક્ધયાના ગાલમાં ઊપસતી લજ્જાની ઘૂમરી જોવા માટે અને કોઈ નફ્ફટ રાજકારણીના નફ્ફટ હાસ્યને અને નમસ્કારને જોવા માટે લાઠાને રોકાઈ જવું છે. હજી આ અવગુંઠનવતી જગતસુંદરીએ ક્યાં પૂરેપૂરું સ્ટ્રીપ્ટીઝ કર્યું છે, મિત્ર? તેને નગ્ન જોવા માટે તો પલકારા મારવાનું પણ આંતરચક્ષુએ છોડી દીધું છે.
હજી માણસ ક્યાં સાવ કચડાઈને નષ્ટ થઈ ગયો છે? હજી ક્યાં તેનો શ્ર્વાસ રુંધાઈ ગયો છે?
હજી ભલે તે ગળાઈ ગળાઈને ક્ષીણ અસ્થિ પિંજર બની ગયો હોય, ક્યાંક ઈથોપિયાની ભૂમિમાં, પણ હજી આ માનવસર્જિત ક્રૂરતાએ માણસને ચૂસી ચૂસીને સાવ કીડી-પતંગિયાના મૃત ફોતરા જેવો ક્યાં બનાવી દીધો છે? હજી માણસની ક્રૂરતા પણ ક્યાં પૂરેપૂરી પ્રકટ થઈ છે? મારે મૃત કીટોના દેહોની જેમ માણસજાતને ઊડી જતી જોવાનું બાકી છે; અને બાકી છે બુદ્ધ-ઈસુ-ગાંધીના એકલદોકલ નમૂના નહીં પણ આંખ પડે ને ગાંધી ઊપસી રહે, હાથ અડે ને ઈસુના સ્કંધનો સ્પર્શ થાય – તેવી સ્થિતિ પણ લાઠાએ ક્યાં જોઈ છે? મનુષ્યમાત્ર બુદ્ધ-જીસસ-ગાંધી હોય, શોભિત, મારે તે મીથ જેવા શબ્દો – બુદ્ધ ગાંધી જીસસ-ને
ભૂસાઈ જતા જોવા છે. મારે ગૃહિણી અને વેશ્યાને અભિન્ન જોવા છે. તે મનુષ્યચેતનાના બે ફાડિયાંને એક થઈ જતા જોવા છે.
મારે આટલા અલ્પ પંપિંગ સાથે પણ રસપૂર્વક માણસને અને તેના સર્વ સભ્યોને માત્ર બાળકના કૌતુકથી જોવા છે.
હજી તો મારી આંખો હમણા જ ઉઘડી છે,
હજી તો આ જગત આશ્ર્ચર્યમય – રહસ્યમય લાગે છે.
હજી તો તેને જોવું છે – ચાખવું છે
ચસચસ-ખાવું છે, બટક બટક-સૂંઘવું છે
સતત-સ્પર્શવું છે – બાથમાં લેવું છે – સાંભળવું છે – સંમોહિત થઈને…
લાઠા ક્ષુબ્ધ છે આ વિશ્ર્વસુંદરીના અનંતવિધ રૂપોમાં. ચિ-અ-ર્સ. - લાભશંકર ઠાકર
આજે આટલું જ…